સુરત, તા.15 જુલાઈ, 2012
સૌ કર્તાધર્તા મિત્રો, ભાઈઓ અને બહેનો...
તમને બધાને થતું હશે કે ચૂંટલા ખણનારની સંખ્યા ઓછી હતી કે તમે એક નવો ઉમેરો કરવા આવ્યા? સવાર પડેને ટપલીદાવ કરનારા ઓછા હતા કે એક નવો વધારો કરવા આવ્યા? આટલા ટીપવાવાળા છે એ પૂરતા નથી કે તમે એક નવો ઉમેરો કરો છો? આ પ્રશ્ન કોઈને પણ ઊઠે..! પણ મિત્રો, આ જ લોકશાહીની બ્યુટી છે. લોકશાહીની આ જ તંદુરસ્ત તાકાત છે. છાપું એટલે તમારે સમજી જ લેવાનું કે સૌથી વધારે કોઈ એના ભોગ બનતા હોય તો અમે લોકો બનીએ, સૌથી વધારે હુમલા થતા હોય તો અમારા પર જ થતા હોય. અને છતાંય એના વિકાસ માટે, એના રક્ષણ માટે અમે જ અડીખમ યોદ્ધાની જેમ ઉભા હોઈએ..! અને આ જ લોકશાહીની તાકાત છે.
આ મનોજભાઈ મિસ્ત્રી, પહેલાં હતા મિત્ર, હવે થઈ ગયા ગાર્ડિયન. પહેલાં એ ‘ગુજરાત મિત્ર’ હતા ને, હવે ‘ગુજરાત ગાર્ડિયન’ થઈ ગયા..! આવું ચાલે યાર, સ્પીડ રાખો ભાઈ..! પહેલાં એ સરસ્વતીના ઉપાસક હતા, હવે લક્ષ્મીના થઈ ગયા. કારણકે પહેલાં સંપાદક હતા, હવે વ્યાપારી બની ગયા, એમ.ડી. થયા..! એટલે એમનો એ અનુભવ પણ આમાં લેખે લાગશે. એ સુરતને બરાબર જાણે છે અને સુરત એમને જાણે છે. એમનો બરાબર તાલમેલ છે..! અને જ્યારે તાલમેલ હોય, કેમેસ્ટ્રી બરાબર મૅચ થતી હોય તો સ્વાભાવિક છે કે અખબારનું ઉત્પાદન નહીં થાય, અખબારનું સર્જન થશે..!
મિત્રો, આજે સમાચારો મેળવવા એ અઘરું કામ નથી રહ્યું. ફ્રેક્શન્ ઑફ અ સેકન્ડ... દુનિયાના કોઈપણ ખૂણે બનતી કોઈપણ ઘટનાને તમારા સુધી પહોંચતાં વાર નથી થતી. એક સમય હતો કે જ્યારે સમાચાર માટે માણસને વલખાં પડતાં હતાં. દૂર સુધી સમાચાર જાણવા, મેળવવા, પહોંચાડવા એ અઘરું કામ હતું. અને માણસને સમાચારની એટલી બધી ભૂખ હતી કે એણે ભજિયાં ખરીદ્યાં હોય અને છાપાંના ટુકડામાં બાંધીને આપ્યાં હોય, તો ભજિયાં ખાધા પછી એમાં પડેલા સમાચાર વાંચતો હોય પાછો..! કારણકે બીજો સ્ત્રોત જ નહોતો એને, એની પાસે જાણકારી માટેનું આ જ માધ્યમ હતું. આજે ઇન્ફર્મેશનના હાઇવેઝ છે. જ્યાં જેટલી જોઈએ તેટલી માહિતી પલભરમાં તમને મળી શકે છે. અને એવે વખતે વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી એ એકમાત્ર શક્તિ એવી છે કે જે તમારી જગ્યા ઊભી કરે. માણસને ખબર હોય કે ભાઈ, અહીં જઈશ તો વિશ્વસ્ત સમાચાર હશે જ, એ ગમે તેટલું ફરીને આવ્યો હશે, એની પાસે છાપાંના ઢગલા પડ્યા હશે, એની સામે સેંકડો ચેનલો હશે પણ એ જે વિશ્વસનીય જગ્યા હશે ત્યાં જ જઈને ઊભો રહેશે. એટલે એક અર્થમાં, પ્રસાર માધ્યમો માટે એક મોટો પડકાર ઊભો થયો છે. બીજી બાજુ સ્પર્ધા પણ છે. કોણ વહેલા સમાચાર આપે, કોણ પહેલા સમાચાર આપે એની સ્પર્ધા છે. અને પછી તો કોઈ મોડો પડે તો શું કરે, ઘડિયાળનો ટાઇમ જ બદલી નાખે. સૌથી પહેલાં સમાચાર આપનાર અમે..! કેમ કે તે વખતે અમારી ઘડિયાળમાં પોણા અગિયાર વાગ્યા હતા, એમની ઘડિયાળમાં અગિયાર વાગ્યા હતા. આટલું બધું સ્પર્ધાનું વાતાવરણ છે. એ સ્પર્ધાના વાતાવરણમાં સુયોગ્ય બાબતોને લોકો સુધી પહોંચાડવી.
મિત્રો, આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, શ્રીમાન અબ્દુલ કલામ, એક વાત નિરંતર કહેતા હતા, આજે પણ કહે છે. જ્યાં જ્યાં મોકો મળ્યો તેમણે એ બાબતમાં લખ્યું પણ છે. અને મને યાદ છે, જે દિવસોમાં હું દિલ્હીમાં હતો. તેઓ અખબારી આલમના લોકોને બોલાવતા, મિટિંગ કરતા અને તેમને વિનંતી કરતા કે તમે વિકાસમાં ભાગીદાર કેમ નથી બનતા. આવડા મોટા છાપાંમાં પોઝિટિવ ન્યૂઝ માટેની કોઈ મૂવમૅન્ટ શરૂ થાય. નહિંતો છાપું વાંચતાં જ, ટીવી ચાલુ કરતાં જ... તમે સવારે ઊઠીને ટીવી ચાલુ કરો તો પંદર ઍક્સિડન્ટના સમાચાર હોય, ડેડ-બૉડી ને ટૂટેલી ગાડીઓ ને આવી જ બધી ખબરો હોય..! પોઝિટિવ ન્યૂઝ. અને એક એવી જબરદસ્ત માન્યતા છે કે પોઝિટિવ ન્યૂઝ ચાલતા નથી, એવી જબરદસ્ત માન્યતા છે. લોકોને એમ કે નેગેટિવમાં રસ હોય છે. અને એના કારણે નેગેટિવ સમાચારોની સ્પર્ધાનું એક વાતાવરણ ઊભું થયું છે. નકારાત્મક સમાચારો શોધવા માટે પત્રકારોને જહેમત કરવી પડે છે. શોધવા માટે એમને પોતાના રિસોર્સ ડેવલપ કરવા પડે છે અને એના પરિણામે એક વિષચક્ર સતત ચાલ્યા કરે છે. અને ત્યારે અબ્દુલ કલામ લગાતાર કહેતા રહ્યા છે કે આવો, વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનો. મિત્રો, ઘણીવાર આપણે જોયું હશે કે જે વાત છાપાંમાં બેઠેલા મિત્રોના ગળે નથી ઊતરતી. અહીંયાં બેઠેલા અનેક લોકોનો સર્વે કરજો. કોઈ ખિસ્સાકાતરુએ કોઈનું ખિસ્સું કાપ્યું અને પૈસા ચોરી ગયો એ સમાચાર હોય અને કોઈ રિક્ષાવાળો રિક્ષાની અંદર કોઈ પાકીટ ભૂલી ગયું હોય અને રિક્ષાવાળો એને શોધીને પાકીટ આપી આવ્યો એ સમાચાર હોય, તો હું દાવા સાથે કહું છું કે ખિસ્સાકાતરુના સમાચાર કરતાં રિક્ષાવાળાના સમાચાર વધારે લોકો વાંચે છે, વધારે પસંદ કરે છે. એનો અર્થ એ થયો કે મનથી માણસ સકારાત્મક સમાચારોની શોધમાં છે, કંઈક સારું થયું હોય તો તે જાણવા માટે આતુર છે, ઘોંઘાટમાંથી બહાર નીકળીને સુરીલું સંગીત સાંભળવા માટે એના કાન સળવળતા હોય છે. પણ આપણે હજુ આ વાત વ્યાપકપણે પહોંચાડી શકતા નથી, વ્યાપકપણે સ્વીકારે શકતા નથી અને પરિણામે સતત કોલાહલના વાતાવરણની અંદરથી જ આપણે પસાર થઈ રહ્યા છીએ.
મિત્રો, લોકશાહીમાં શાસન વ્યવસ્થાઓને સાચ અર્થમાં એમના કર્તવ્ય તરફ અડીખમ રીતે ચાલવા માટે મજબૂર કરવા તે ચોથી જાગીરનું કામ છે. પ્રજાનો અવાજ બુલંદપણે ઊઠે એ ચોથી જાગીરનું કામ છે. પણ એના માટે ખૂબ અભ્યાસ કરવો પડે. અગર જો આલોચના ન હોય તો લોકશાહીને લૂણો લાગી જાય. જેમ એક તળાવનું બંધિયાર પાણી ગંદકી ફેલાવે છે, એમ અગર જો ટીકા ન હોય, આલોચના ન હોય તો વ્યવસ્થામાં પણ ગંદકી આવતી હોય છે. એના શુદ્ધીકરણનું કામ અખબારી આલમ, ચોથી જાગીર દ્વારા થતી આલોચનાથી શક્ય બનતું હોય છે. પણ કમનસીબે, દિવસો સુધી તમે છાપું શોધો, દિવસો સુધી, ટીવી ચેનલો જુઓ... આલોચનાનું નામોનિશાન જોવા નથી મળતું, ટીકાનું નામોનિશાન જોવા નથી મળતું. જોવા મળે તો શું મળે..? આક્ષેપો. છાપાં ભરેલાં પડ્યાં હોય છે આક્ષેપોથી, આરોપોથી..! સમયની માંગ છે કે અભ્યાસ કરીને આલોચના થાય. અને એક વાર નક્કર હકીકતો દ્વારા આલોચના થાય તો ભલભલા શાસકોને પણ શરણાગતિ સ્વીકાર્યા વિના છૂટકો નથી, મિત્રો. પણ એ મહેનત કરે કોણ..?
મિત્રો, કહેવાય સમાચાર પત્ર, પણ આજે સમાચાર પત્ર શોધવું મુશ્કેલ હોય છે. ઘણું કરીને સમાચાર પત્ર પણ વિચાર પત્ર બની ગયું હોય છે. છાપું કેમ વાંચવું એ પણ એક કળા છે. દા.ત. કોઈ સરકારનું બજેટ આવે તો સમાચાર શું છે? સમાચાર આ છે કે 6000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું, એ સમાચાર છે. પણ છપાય છે શું..? ‘મોદી સરકારનું કમરતોડ બજેટ’, એ થયા વિચાર પત્ર. એ સમાચાર નથી, એ વિચાર છે. તંત્રીને પોતાના વિચારો રજૂ કરવા માટે આખું ‘એડિટર પેજ’ હોય છે. તંત્રીલેખ લખવા માટે, ઍડિટોરિયલ્સ લખવા માટે, મૂળભૂત વિચારો મૂકવા માટે આખું પેજ હોય છે અને એમાં ભરપૂર મૂકી શકે છે. પહેલા પાના પરના સમાચારો અને તંત્રીલેખના સમાચારો બન્ને વચ્ચે 180 ડિગ્રીનું અંતર હોઈ શકે. કારણ? તંત્રી એના વિચારો મૂકવા માટે સ્વતંત્ર હોવો જોઈએ. પણ સમાચાર સમાચાર જ હોવા જોઈએ, લોકો ઉપર છોડવું જોઈએ અને એ એમાંથી નક્કી કરે કે આ બજેટ કમરતોડ છે કે આ બજેટ વિકાસશીલ છે, એને નક્કી કરવા દો..! કોઈનો ઍક્સિડન્ટ થયો હોય તો સમાચાર શું છે કે ભાઈ, 25 વર્ષનો એક યુવક મોટર નીચે ચગદાઈ ગયો. પણ એવું નથી આવતું, શું આવે? એક બ્રાહ્મણ કુળના, ઉચ્ચ કુળના નબીરાએ દલિતના છોકરાને કચડી નાંખ્યો. આ સમાચાર નથી, આ વિચાર છે. અને તેથી મિત્રો, છાપું વાંચવું એ પણ એક મોટું કૌશલ્ય બની ગયું છે. તમે ટીવીમાં જોયું હશે કે શરૂઆતમાં એક માણસનો ઇન્ટર્વ્યૂ હોય, એમાં એણે એક જવાબ આપ્યો હોય. પહેલાં બે-ત્રણ વખત જેનો ઇન્ટર્વ્યૂ હોય એ આવે, એનો જવાબ આવે. ધીરે ધીરે ધીરે જે નેતાનો ઇન્ટર્વ્યૂ હોય એ દેખાતો બંધ થાય, એણે જે વાક્ય કહ્યું હોય એ વાક્ય ધીરે ધીરે ધીરે ઘટતું જાય અને જે પેલો ઍન્કર બોલ્યો હોય એ જ ચાલ્યા કરે અને પછી આખો વિવાદ, 24 કલાક સુધી એ ટીવીની જે ઇચ્છા હોય, ચેનલવાળાની ઇચ્છા હોય એ ઍન્કર આધારે ચાલ્યા કરે, મૂળ વાક્ય જ જતું રહે, સાહેબ..! તમે કોઈ વાર ઇન્ટરનેટ પર પેલા નેતાનું મુખ્ય વાક્ય કયું હતું તે શોધો તો એ અને વિવાદ બન્ને વચ્ચે મેળ જ ન હોય..! અને દેશ આખો પેલો ઍન્કર જ્યાં ખેંચી ગયો હોય ત્યાં ઘસડાઈ ગયો હોય. મિત્રો, મને ખબર છે કે આ પ્રકારનું મારું ભાષણ કેટલું મોટું સંકટ પેદા કરશે, મને ખબર છે..! મારા પરના હુમલા કેટલા તેજ થશે એ પણ મને ખબર છે. પણ એમાં મારા દિલમાં કોઈના માટે કટુતા નથી, કોઈની વ્યક્તિગત આલોચના નથી. આ ચોથી જાગીરની શ્રેષ્ઠ પરંપરા માટે એમાં પણ મોકળાશની આવશ્યકતા છે, ખુલ્લા મનની આવશ્યકતા છે, એમાં પણ ડેમોક્રસીની અનિવાર્યતા ઊભી થઈ છે. એમાં આંતરિક લોકશાહી નહીં હોય તો સમાજજીવન જેની પર આશા રાખીને બેઠું છે એને જ જો લૂણો લાગે તો, સંસ્થાઓ પોતે જ નબળી પડે તો..?
મિત્રો, હિંદુસ્તાન આઝાદ થયું, લોકશાહીનાં મૂલ્યોને એક મહત્વનું મુખમૂલ્ય હતું અખબારી સ્વાતંત્ર્યનું. પણ 1975 માં આ દેશમાં કટોકટી થોપવામાં આવી, ભારતની દુનિયાની સૌથી મોટી લોકશાહીના ગળે ટૂંપો દેવામાં આવ્યો. જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ સહિત આ રાષ્ટ્રના વડાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા દેશભક્ત સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવીને તાળાં મારવામાં આવ્યાં. પણ વાત એટલેથી અટકી નહીં, હિંદુસ્તાનની અખબારી આલમના ગળે ટૂંપો દેવામાં આવ્યો, છાપાંઓ પર સેન્સરશિપ આવી અને જે છાપાંઓ આજે દિવસ-રાત મારા પર પણ આસાનીથી હુમલો કરી શકે છે ને એ બધાં જ છાપાંઓ, રેડિયોને ગરીબ ગાય જેવાં કરી મૂક્યાં હતાં. આ છાપાંઓ સાષ્ટાંગ કરતા હતા, ઇંદિરાજીએ એવી દશા કરી દીધી હતી..! એટલો બધો જુલ્મ શાસકોએ કર્યો, લોકશાહીના ગળે ટૂંપો દઈ દીધો. અને 19 મહિના સુધી એકાદ-બે ગણ્યા ગાંઠ્યા લોકોને છોડીને ચૂં-ચાં કરવાની કોઈની તાકાત નહોતી, મિત્રો. અને એ દિવસે ખબર પડી કે હિંદુસ્તાનની લોકશાહીનું આ મહત્વના પાસાંની આ દશા છે. આજે પણ એને મજબૂત કરવાની આવશ્યકતા છે. આ ચોથી જાગીરને હજુ પણ વધારે સમૃદ્ધ કરવાની આવશ્યકતા છે.
મિત્રો, મહાત્મા ગાંધી પણ છાપું કાઢતા હતા અને એમનો ગુજરાતીમાં લખાયેલો તંત્રીલેખ લંડનની પાર્લામેન્ટની અંદર ચર્ચા કરવા માટે મજબૂર કરતો હતો. હિંદુસ્તાનના મનને સમજવા માટે મહાત્મા ગાંધીના તંત્રીલેખના આધારે બ્રિટિશ સલ્તનત પોતાની વ્યૂહરચના કરતી હતી. મિત્રો, આ સુરતની ધરતી પર વીર નર્મદનો ‘દાંડિયો’... મિત્રો, સમાજજીવનમાં ચેતના જગાવનાર ‘દાંડિયો’ આજે પણ નવી પ્રેરણા આપે એવી પરંપરા રહી છે. મિત્રો, જ્યારે સુભાષ બાબુ આઝાદ હિંદ ફોજની રચના કરીને હિંદુસ્તાન છોડીને અંગ્રેજ સલ્તનતને એમની જ ભાષામાં જવાબ આપવા માટેની યોજના કરતા હતા ત્યારે આખી દુનિયાને પહેલી વાર એ માહિતી આપવાનું કામ એક ગુજરાતી છાપાંના પત્રકાર અમૃતલાલ શેઠે કર્યું હતું, સિંગાપુર જઈને વિગતો લાવીને વિશ્વ આખાને આપી હતી. સૌથી પહેલું છાપું ગુજરાતી છાપું નીકળ્યું હતું, છાપાંના જગતની પરંપરામાં. આવો ઉત્તમ વારસો છે આપણો..! એ ઉત્તમ વારસાનું મહામૂલ્ય કેટલું છે, મિત્રો. આજે પણ ભગવતીકુમાર શર્માનો તંત્રીલેખ વાંચનારા લોકો માત્ર સુરતમાં નહીં, ગુજરાતને ખૂણે-ખૂણે તમને જોવા મળશે. આ લબ્ધપ્રતિષ્ઠિત જીવન, જેમણે ફકીરી જેવી જીંદગી જીવીને પત્રકારિતાને ઉજાળવા માટેની કોશિશો કરી છે. આવા સૌ લોકો વંદનના અધિકારી છે, અભિનંદનના અધિકારી છે અને એમણે સાચ અર્થમાં સમાજજીવનની ચિંતા કરી, કોઈની પરવા કરી નથી. ગમે તેવો ખેરખાં મુખ્યમંત્રી હોય, તો પણ સીધી લીટીમાં એમનો હિસાબ માંગ્યો હોય એવા પત્રકારો આજે પણ મોજૂદ છે. અને એ સમાજજીવનની મૂડી છે.
મને યાદ છે એક વાર લંડનમાં એક છાપાંના લોકાર્પણ માટે જવાનો મને અવસર મળેલો. મેં મારા ભાષણમાં એક વાત કહી હતી અને એની અડધી વાત કેટલાક લોકોએ ઉપાડી અને અડધીનો અંધારપટ કરી દીધો. અને એના ઉપર કલકત્તાના એક છાપાંએ ત્રણ તંત્રીલેખ લખ્યા હતા કે મોદી આવું બોલે જ કેમ..! કલકત્તાના છાપાંએ ત્રણ તંત્રીલેખ... નરેન્દ્ર મોદી જેવા ગુજરાતના એક નાનકડા માનવીનું એક વાક્ય, એ પણ યોજનાપૂર્વક જેમને પણ ગમ્યું એમ, અડધું ઉપાડ્યું અને અડધું છોડી દીધું. આજે મને લાગે છે કે એ વાક્ય મારે તમને કહેવું જોઈએ. આ કહ્યા પછી પણ મારા ઉપર હુમલો નહીં થાય એની કોઈ ગેરંટી નહીં. મેં એમ કહ્યું હતું કે, પત્રકારિતા માખી જેવી હોવી જોઈએ કે મધમાખી જેવી હોવી જોઈએ..? એવો મેં પ્રશ્ન ઉઠાવેલ. જેમને મારી ટીકા કરવી હતી એમણે શું કર્યું કે મોદીનો ગંભીર આરોપ, મોદીએ પત્રકારત્વને માખી કીધું... બીજું કાઢી જ નાખ્યું. અને મેં એ દિવસે ભાષણમાં કહ્યું હતું કે, માખીનો સ્વભાવ હોય છે ગંધ ઉપર બેસવાનો, ગંધ ઉઠાવે અને બીજે જઈને ગંધ મૂકે. એ ગંધ જ ઉઠાવે અને ગંધ જ લઈને બધે ફરે. મધુમખ્ખીનો સ્વભાવ કેવો હોય છે? ફૂલ ઉપર બેસે અને સુગંધને પ્રસરાવે. અને માખી તમને કોઈ નુકસાન ન કરી શકે સિવાય કે ગંધ તમને સહેજ શ્વાસમાં તકલીફ કરે, પણ મધુમખ્ખી સહેજ ડંખ મારે તો ત્રણ દિવસ સુધી તમે કોઈને મોઢું ન બતાવી શકો..! મેં કહ્યું હતું કે પત્રકારિતા મધુમખ્ખી જેવી હોવી જોઈએ કે જે મધુ પ્રસરાવે, શુભ પ્રસરાવે, સુવાસ પ્રસરાવે પણ ખોટું થતું હોય તો એવો ડંખ મારે, નાકના ટેરવાં પર જ મારે કે ત્રણ દિવસ સુધી પેલો રૂમાલ ઢાંકીને ફરતો હોય..! પણ મારો બીજો પાર્ટ જાહેર જ ન થયો, પહેલા પાર્ટ ઉપર મારી ધોલાઈ થઈ ગઈ..! અને સ્ટેટ્સમેન જેવું અખબાર, એણે તંત્રીલેખો લખ્યા..! આજે તમને સમજાઈ જશે કે મારો ભાવ શું હતો..! અને મિત્રો, માણસને શરમ નામની ચીજ હંમેશાં કામ કરતી હોય છે. પત્રકારિતા મધુમખ્ખી જેવી હોય અને જેવો આમ ડંખ મારેને તો ત્રણ દિવસ સુધી એ કોઈને મોઢું ન બતાવે સાહેબ, એ ડરતો જ રહે કે ખબર પડી ગઈ છે લોકોને, ઊભા રહો, સાચવો..! અને તો જ શુદ્ધિનું વાતાવરણ બનતું હોય છે. અને એ શુદ્ધિના વાતાવરણની દિશામાં પ્રયાણ કરવું જરૂરી છે.
મિત્રો, કમનસીબે લોકશાહીની ચોથી જાગીર એટલે મીડિયા, પ્રચાર-પ્રસાર માધ્યમો. જેની સ્વતંત્રતા હોય છે, જેની ખુમારી હોય છે. પણ, કોઈ ન્યૂઝ-ટ્રેડર એમ માનતા હોય કે અમે આ ફિલ્ડમાં આવ્યા એટલે અમને પણ એ લાભ મળી જાય, તો ન મળે, મિત્રો. મીડિયા અલગ ચીજ છે, ન્યૂઝ-ટ્રેડર અલગ ચીજ છે. લોકશાહીના હિતમાં સમાજજીવનનું શિક્ષણ જરૂરી છે કે લોકો મીડિયા કોને કહેવાય, ચોથી જાગીર કોને કહેવાય અને ન્યૂઝ-ટ્રેડરોની જમાત કોને કહેવાય એને ઓળખતા થાય. ન્યૂઝ-ટ્રેડરો સમાજજીવન માટે સંકટ છે, મિત્રો. જેમ સરસ મઝાની, મસાલેદાર, જરા મોઢામાં પાણી છૂટે એવી ચીજ, સ્વાસ્થ્ય માટે સારી ન હોય તો પણ ચટપટી ચીજો ખાવાનું મન થતું હોય છે, એમ ધીરે ધીરે ધીરે જેમ પેલા મસાલેદાર ચટપટી ચીજો વેચવાવાળા તમારી ટેવો બગાડી દેતા હોય છે, એમ આ ન્યૂઝ-ટ્રેડર પણ તમને ચટપટી ચીજો જ વાંચતા કરી દેતા હોય છે. માત્ર મીડિયા જ છે જે તમને આ ચટપટી, મસાલેદાર ટેવોથી બચાવીને શુદ્ધ, સાત્વિક, લોકશાહીના હિતમાં, સમાજના હિતમાં સમાચારો પીરસતા હોય છે અને એમાંથી એક નવી તાકાત આવતી હોય છે.
ભાઈઓ-બહેનો, ગુજરાતની પત્રકારિતાની દુનિયામાં એક નવો ઉમેરો થઈ રહ્યો છે, ગુજરાત ગાર્ડિયનનો. સિંહ ગર્જના સાથે આવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે સમાજના પ્યોરિફિકેશનના કામમાં એક ઉત્તમ સેવા આ અખબાર કરે એવી આપણે આશા રાખીએ અને આનો વ્યાપ, જેટલાં અખબારો વધે, જેટલી ટીવી ચેનલો વધે, વધવા દો... સામાન્ય માનવીની એમાંથી સત્ય શોધવાની તાકાત વધતી જશે. તો આજના શુભ અવસરે જીવણભાઈ અને તેમના પરિવારને, એમના સાહસને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું અને મારા માટે તો વિના સંકોચે કહું છું કે ક્યારેય આલોચના કરવામાં સંકોચ ન કરતા, ભલે ઉદઘાટન મેં કર્યું હોય, 16મી તારીખના પહેલા જ અંકમાં મારી ચામડી ઉધેડશો તો મને વાંધો નથી..! લોકશાહીની એમાં જ મઝા છે, દોસ્તો. તો હું આપને નિમંત્રણ આપું છું કે આવો, સમાજના શુદ્ધીકરણની અંદર આપ પણ પુરી શક્તિથી જોડાઓ. ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ.
જય જય ગરવી ગુજરાત..!!