મહેસૂલ વિભાગ દ્વારા અંગ્રેજી ભાષામાં કલેકટર મેન્યુઅલનું પ્રકાશન

મહેસૂલી કાયદા નીતિ નિયમોના સરળ અમલીકરણની દિશામાં સ્તુત્ય પ્રકાશનોઃ નરેન્દ્રભાઈ મોદી

મુખ્ય મંત્રીશ્રીએ વિમોચન કર્યું

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરેલા મહેસૂલ અને જમીનની વહીવટી પ્રક્રિયા અંગે સર્વગ્રાહી કલેકટર મેન્યુઅલમાં અંગ્રેજી ભાષામાં પ્રકાશનનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અંગ્રેજી ભાષાના આ કલેકટર મેન્યુઅલના પ્રકાશનનું મહત્વ દર્શાવતાં જણાવ્યું કે, મહેસૂલી કાયદાઓ અને નિયમોના સર્વગ્રાહી ગુજરાતી કલેકટર મેન્યુઅલનું પ્રકાશન ર૦૦૮માં રાજ્ય સરકારે કર્યું હતું જેને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. હવે આ અંગ્રેજી કલેકટર મેન્યુઅલના પ્રકાશનમાં ર૦૦૮ પછીના મહેસૂલી સુધારાના નિર્ણયો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્ય મંત્રીશ્રીએ આવા મૂલ્યવાન કલેકટર મેન્યુઅલના અંગ્રેજી અને અગાઉના ગુજરાતી ભાષાના પ્રકાશનો તૈયાર કરવા માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને અભિનંદન આપતાં જણાવ્યું કે, મહેસૂલી અને જમીનને લગતી વહીવટી પ્રક્રિયાના અમલ માટેની સરળતા, નીતિનિયમો અને કાયદાઓની પારદર્શી સ્વયંસ્પષ્ટ જાણકારી મળે તેવા આ પ્રકાશનો હવે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ માટે ઉપયોગમાં આવી શકશે.

રાજ્યનો જિલ્લાકક્ષાનો ચાવીરૂપ વહીવટ કલેકટરો દ્વારા હાથ ધરવામાં આવે છે અને સનદી સેવાના બાહોશ પરંતુ નવનિયુક્ત અધિકારીઓ આ વહીવટ સંભાળે છે ત્યારે તેઓને કલેકટર તરીકે અનેકવિધ કાર્યો અને ફરજો બજાવવી પડે છે. જેમાં જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે મુંબઇ પોલીસ અધિનિયમથી માંડીને મનોરંજન કર વસુલાત અધિનિયમ સુધીની કાયદાકીય જોગવાઇઓનો અભ્યાસ અને અમલ કરવો પડે છે.

આવી અતિ વિસ્તૃત કામગીરીને સંક્ષિપ્તમાં પ૦૦ પૃષ્ઠોમાં સમાવીને મહેસૂલ વિભાગ દ્વારા કલેકટર મેન્યુઅલ તૈયાર કરાયું છે. જેમાં જમીન દફતર, જમીન વ્યવસ્થાપન, જમીન સુધારા, મેજીસ્ટ્રેટ તરીકેની સત્તાઓ, નાગરિક પુરવઠો, ખાણ-ખનીજ, પર્યાવરણ, ચૂંટણી અને આપત્ત્િા વ્યવસ્થાપન જેવા અનેકવિધ કાર્યોને લગતી જોગવાઇઓનો સમાવેશ કરાયો છે.

આ મેન્યુઅલ ગુજરાતી ભાષાથી ખાસ પરિચિત ન થયેલા નવા સનદી અધિકારીઓને તેમજ ગુજરાત બહાર પણ જિલ્લા વહીવટકર્તા સર્વ સનદી અધિકારીઓને એક સંદર્ભ પુસ્તક તરીકે ધણું હાથવગું અને ઉપયોગી સાબિત થશે તેમ પણ મુખ્ય મંત્રીશ્રીએ વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.

આ પ્રસંગે મહેસૂલના અગ્ર સચિવ શ્રી સી. એલ. મીના અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.

એકત્રિત પરિપત્ર સંગ્રહનું વિમોચન કરતા મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ

મહેસૂલ વિભાગ દ્વારા વર્ષ ર૦૦૮માં જમીન મોજણી, જમીન સંપાદન, ગણોત વહીવટ, શહેરી જમીન ટોચ મર્યાદા જેવા વિવિધ વિષયોને લગતી સૂચનાઓના ૧૮ પુસ્તકોનો સંપુટ બહાર પડયો હતો, જે સમગ્ર રાજ્યમાં મહેસૂલના ક્ષેત્રિય વહીવટમાં માર્ગદર્શકરૂપ પુરવાર થયો છે.

આજે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ સંપુટની વિશેષ કડી સમાન ૧૯મા એકત્રિત પરિપત્ર સંગ્રહનું વિમોચન કલેકટર કોન્ફરન્સ દરમિયાન કર્યું હતું. જેને સર્વે કલેકટરોએ વધાવી લીધો હતો. આ એકત્રિત પરિપત્ર સંગ્રહમાં વર્ષ ર૦૦૮ સુધીની સમાવિષ્ટ જોગવાઇઓ પછીની એપિ્રલ-ર૦૧ર સુધીની જમીનને લગતી વિવિધ કાયદાકીય જોગવાઇઓ બાબતે પરિપત્રો, ઠરાવો, જાહેરનામાઓ અને વૈધાનિક જોગવાઇઓની નવી સૂચનાઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે. જે પ્રજાકીય વહીવટમાં અધિકારીઓને અત્યંત ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે વ્યકત કરી હતી.

આ વિમોચન પ્રસંગે મહેસૂલ વિભાગના અગ્ર સચિવ શ્રી સી. એલ. મીના, મહેસૂલ તપાસણી કમિશનર અને હોદ્દાની રૂએ સચિવ શ્રી અરૂણકુમાર સુતરીયા તથા જમીન સુધારણા કમિશનર અને હોદ્દાની રૂએ સચિવશ્રી ર્ડા. એસ. એ. ગોલકીયા પણ ઉપસ્થિત હતા.