બ્રિટન અને ગુજરાત વચ્ચે પારસ્પરિક સંબંધોનું ફલક સુદ્રઢપણે વિકસાવવા બંને મહાનુભાવોએ પ૦ મિનીટ ફળદાયી પરામર્શ કર્યો
બ્રિટનનું ઉચ્ચસ્તરીય ડેલીગેશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટર૦૧૩માં ભાગ લેશે
ગુજરાત સાથેના આર્થિકશૈક્ષણિકસામાજિક અને રાજદ્વારી સંબંધોનું ફલક વિકસાવવા સંદર્ભમાં વિવિધ વિષયોની ચર્ચા
• અમદાવાદમાં ડેપ્યુટી બ્રિટીશ હાઇકમિશનની કચેરી શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
• ગુજરાતીઓ અને વિશેષ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓના બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ માટેના હિતો જાળવવા બ્રિટન સરકાર ગુજરાતમાં વાલીઓ સાથે પરામર્શ કરશે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આજે બ્રિટનના ભારત સ્થિત હાઇકમિશ્નર શ્રીયુત સર જેમ્સ બેવન એ સૌજ્ન્ય મૂલાકાત લઇને બ્રિટનના ગુજરાત સાથેના સંબંધો વિકસાવવા સંદર્ભમાં ઉષ્માસભર ચર્ચા કરી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સર જેમ્સ બેવન વચ્ચે વ્યકિતગત સ્વરૂપે થયેલી આ સૌજ્ન્ય મૂલાકાત પ૦ મિનીટ ચાલી હતી. મુખ્યમંત્રીશ્રીએ બ્રિટનના વડાપ્રધાન દ્વારા ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબૂત અને વિસ્તૃત બનાવવા તેમજ બ્રિટનના વિદેશી બાબતોના મિનિસ્ટર ઓફ સ્ટેટ શ્રીયુત હયુગો સ્વાયર (Mr. HUGO SWIRE) એ ગુજરાત સાથેના સંબંધો વિકસાવવા બ્રિટન સરકાર અને બ્રિટીશ જનતા વતી વ્યકત કરેલી ભાવનાને આવકાર આપ્યો હતો.
ગુજરાત સરકાર તથા જનતા વતી બ્રિટનના વિદેશ મંત્રીશ્રીને તથા હાઇકમિશ્નરશ્રીને ર૦૦૦ વર્ષની પ્રાચિન સાંસ્કૃતિક પરંપરાનું કચ્છના મુસ્લિમ કલાકારે બનાવેલું રોગન પેઇન્ટીંગ (ROGAN PAINTING) અને કલાઇમેટ ચેંન્જ વિષયક મુખ્યમંત્રીશ્રી લિખિત કન્વીનિયન્ટ એકશન પુસ્તક તથા શાલ શુભેચ્છાના પ્રતિકરૂપે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્મૃતિભેટ આપી હતી. સર જેમ્સ બેવનએ ગુજરાત અને ગુજરાતીઓના વિકાસના સામર્થ્યને આવકારતા જણાવ્યું હતું કે બ્રિટન સરકાર ગુજરાત સાથે પારસ્પરિક સંબંધો વિકસાવવા આતુર છે. બ્રિટન અને ગુજરાત બંને વચ્ચે આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને રાજદ્વારી ફલક ઉપર આ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવામાં બંને મહાનુભાવોએ ફળદાયી પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ બ્રિટનમાં ગુજરાતીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લઇને અમદાવાદમાં બ્રિટનના ડેપ્યુટી હાઇકમિશ્નરની કચેરી શરૂ કરવા સૂચન કર્યું હતું.
આ ઉપરાંત તેમણે ભારત સહિત ગુજરાતના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે દર વર્ષે જાય છે ત્યારે, છેલ્લા કેટલાક સમયથી બ્રિટનમાં સરકારે બોગસ શૈક્ષણિક કોલેજો સામે પગલાં લઇને વિદ્યાર્થીઓના હિતો જાળવવાની કાર્યવાહી કરી છે તે સંદર્ભમાં, ગુજરાતના જૂદા જૂદા શહેરોમાં વાલીઓ સાથે પરામર્શ સેમિનારો કરીને બ્રિટનમાં કોલેજ શિક્ષણ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો જેનો સર જેમ્સ બેવને વિધેયાત્મક પ્રતિસાદ આપ્યો હતો. બ્રિટનની કલાઇમેટ ચેન્જની ઉત્તમ ટેકનોલોજીનો સહયોગ લેવા અને ગુજરાતના આધુનિકતમ માળખાકીય સુવિધા વિકાસમાં અને વિશેષ કરીને પોર્ટ ડેવલપમેન્ટ તથા ગીફટ સિટીજેવા આધુનિક પ્રોજેકટોમાં બ્રિટનની કંપનીઓ માટે વિશાળ તકો ઉપલબ્ધ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. બ્રિટન અને ગુજરાત વચ્ચે આર્થિક સંબંધો વ્યાપક ફલક ઉપર વિકસાવવા, આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ર૦૧૩માં બ્રિટનનું ઉચ્ચ સ્તરીય ડેલીગેશન ભાગ લેવા આવે તેવા નિમંત્રણનો બ્રિટીશ હાઇકમિશ્નરે સ્વીકાર કર્યો હતો. બ્રિટન દ્વારા ગુજરાતમાં મૂડીરોકાણની તકો અંગે જાણવામાં તેમણે તત્પરતા દાખવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ બ્રિટનના રાણીના ડાયમંડ જ્યુબિલી સેલીબ્રેશનની સફળતા માટે ગુજરાતની જનતાની શુભેચ્છા આપી હતી અને સર જેમ્સ બેવનને પણ બ્રિટન સરકારે આપેલા એવોર્ડ બદલ અભિનંદન આપ્યા હતા.
બ્રિટીશ હાઇકમિશ્નર શ્રીયુત જેમ્સ બેવન ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાતે આવ્યા ત્યારે તેમને આવકારવા મુખ્ય સચિવશ્રી વરૂણ માયરા, ગૃહના અધિક મુખ્ય સચિવશ્રી એસ. કે. નંદા, ઉદ્યોગના અગ્રસચિવશ્રી મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ, સામાન્ય વહીવટના સચિવશ્રી કે. શ્રીનિવાસન અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા ઉપસ્થિત રહયા હતા.