ર્ડા. આંબેડકરની ૧ર૧મી જયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધા-સુમન અર્પણ કરતા નરેન્‍દ્રભાઈ મોદી

ર્ડા. બાબાસાહેબ આંબેડકરની સવાસોમી જન્‍મ જયંતિનું વર્ષ ગુજરાત ઉજવશે વંચિતોના વિકાસ માટેનું વર્ષ

ર્ડા. આંબેડકરના સવાસો વર્ષની જન્‍મની ઉજવણી સુધીના આગામી પાંચ વર્ષ વંચિતોના વિકાસ માટે ONE POINT PROGRAMME

મંત્રી મંડળની સમિતિ રચાશે

દલિતો-પીડિતો-શોષિતો અને વંચિતોના સર્વાંગી વિકાસ માટેનું સમયબદ્ધ આયોજન

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ બંધારણના ઘડવૈયા ર્ડા. બાબાસાહેબ આંબેડકરની સવાસોમી જન્‍મ જયંતિની શાનદાર ઉજવણી વંચિતોના વિકાસ માટેના વર્ષ તરીકે કરવાની મહત્‍વાકાંક્ષી જાહેરાત કરી છે અને ઉમેર્યું છે કે, આ ઉજવણીને સાર્થક બનાવવા રાજ્‍ય મંત્રીમંડળની ઉચ્‍ચકક્ષાની મંત્રીશ્રીઓની સમિતિ રચાશે. આ સમિતિ ર્ડા. આંબેડકરની સવાસોમી જન્‍જયંતિના વર્ષના આયોજનની વિચારણાની સાથોસાથ, સવાસો વર્ષ થાય ત્‍યાં સુધી એટલે કે આગામી પાંચ વર્ષ દરમિયાન દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતોના વિકાસ માટેનું સર્વાંગી અને સમયબદ્ધ આયોજન અમલમાં મુકવાની સૌ સાથે વિચાર વિમર્શ માટેની જવાબદારી નિભાવાશે. સમાજના આગેવાનો, હિતચિંતકો, શિક્ષણવિદો સાથે સહયોગ કરીને રાજ્‍ય સરકાર આનો ONE POINT PROGRAMME તૈયાર કરશે.

મુખ્‍ય મંત્રીશ્રીએ આજે ગાંધીનગરમાં ર્ડા. આંબેડકરની પ્રતિમા સમક્ષ ૧ર૧મી જન્‍મ જયંતિએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ આ જાહેરાત કરી હતી.

શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વંચિતોના વિકાસ માટે ગયા ૬૦ વર્ષમાં જે કામો થયા હોય એના કરતાં પણ વધારે સિદ્ધિઓ ર્ડા. બાબાસાહેબની જન્‍મજયંતિના સવાસો વર્ષ ઉજવીએ ત્‍યાં સુધીમાં બજેટની પૂરતી ફાળવણી કરીને ‘વન પોઇન્‍ટ પ્રોગ્રામ' તરીકે સાચા અર્થમાં ર્ડા. આંબેડકરના સપના સાકાર થઇ રહ્યા છે તેવો રાજ્‍યના તમામ દલિતો, શોષિતો, પીડિતો અને વંચિતોને અહેસાસ થાય અને ગુજરાત સમગ્ર દેશ માટે પ્રેરક બની રહ્યું છે તેવી અનુભૂતિ કરાવવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો.

મુખ્‍ય મંત્રીશ્રીએ ર્ડા. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પતાં જણાવ્‍યું કે, તેમણે એવું બંધારણ આપ્‍યું હતું જેમાં દેશની એકતા અને અખંડિતતાને ઉની આંચ આવે નહીં પરંતુ કમનસીબે વર્તમાન કેન્‍દ્રની સરકારે ભારતના સમવાય-સંઘીય ઢાંચાને (ફેડરલ સ્‍ટ્રકચર)ને એવા એક પછી એક પગલાં લઇને ર્ડા. આંબેડકરની સંઘીય ઢાંચાની ભારતની એકતા માટેની ભાવના સામે જ કુઠારાઘાત કર્યા છે. માત્ર સત્તાભૂખના કારણે દેશ માટે ગંભીર સંકટો પૂરવાર થાય તેવાં કેન્‍દ્ર સરકાર પગલાં લઇ રહી છે તેની સામે આક્રોશ પણ મુખ્‍ય મંત્રીશ્રીએ વ્‍યકત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીમંડળના સભ્‍યો સર્વ શ્રી ફકીરભાઈ વાઘેલા, રમણભાઈ વોરા, ગાંધીનગરના મેયર શ્રી મહેન્‍દ્રસિંહ રાણા, ધારાસભ્‍ય શ્રી શંભુજી ઠાકોર સહિત દલિત અગ્રણીઓએ પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.