ગાંધી જયંતિઃ પોરબંદર કીર્તિમંદિર પ્રાર્થના સભામાં મુખ્ય મંત્રીશ્રી

જન્મભૂમિ કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન

દિવંગત વડાપ્રધાન સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીને પણ જન્મદિવસની ભાવાંજલિ

ખાદી ખરીદી અને સ્વચ્છતાનો સાર્વજનિક મહિમા કરીઅઃ મુખ્યમંત્રીશ્રી

વિશ્વ સમક્ષની સમસ્યાના ઉકેલ માટે મહાત્મા ગાંધીજીનો માર્ગ આજે પણ પ્રસ્તુત

 

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી જયંતિના સુપ્રભાતે આજે પોરબંદરમાં કીર્તિમંદિરના પ્રાંગણમાં યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનામાં સહભાગી બનતા મહાત્મા ગાંધીજીની ખાદી ખરીદી દ્વારા દરિદ્રનારાયણની સેવા અને સ્વચ્છતા માટેની સાર્વજનિક જાગૃતિનો મહિમા કરવા અપીલ કરી હતી.

વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આ ભૂમિ ઉપર કોઇ એક વ્યક્તિનો નહીં યુગનો જન્મ થયો હતો અને વિશ્વ સમક્ષ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ ટેરરીઝમથી માનવજાતને ઉગારવા પૂજય બાપૂનો રસ્તો આજે પણ પ્રસ્તુત છે એમ તેમણે જણાવ્યું હતું.

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કીર્તિમંદિરમાં પહોંચીને યુગપુરુષને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી વજુભાઇ વાળા સાથે સર્વધર્મ પ્રાર્થના સભાને પ્રેરક સંબોધન કર્યુ હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ખાદીવસ્ત્રનો મહિમા કરવાનું પ્રેરક આહવાન કરતા જણાવ્યું હતું કે દરેક પરિવાર ખાદી ખરીદશે તો ખાદીનું વેચાણ વિશાળ બનશે અને ગરીબના ધરમાં દિવાળીનો પ્રકાશ પ્રગટશે. દરીદ્રનારાયણની આ સેવા એ જ સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જયંતીનો પ્રેરક સંદેશ પણ છે, તેવું તેમણે જણાવ્યું હતું.

જય જવાન જય કિસાનના મંત્રથી સમગ્ર દેશમાં નવી ચેતના જગાવનારા દિવંગત વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીને પણ આજના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રીએ ભાવાંજલિ અર્પણ કરી હતી. આ દેશનું સૌભાગ્ય છે કે આ બન્ને રાષ્ટ્રનેતાઓએ હિન્દુસ્તાનની જનતાના દિલમાં સ્થાન મેળવ્યું છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીજીએ જે જીવન દ્વારા સંદેશ આપ્યો છે તે આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

નાણા મંત્રી શ્રી વજુભાઇ વાળાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, ધારાસભ્ય શ્રી કરસનભાઇ ઓડેદરા, પૂર્વ સિંચાઇ મંત્રી શ્રી બાબુભાઇ બોખિરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભોજાભાઇ પરમાર, પ્રભારી સચિવ શ્રી વિનય વ્યાસા, કલેકટર શ્રી જયંતકુમાર સેવક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.સી. પટ્ટણી સહિતના મહાનુભાવોએ આ પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો. જિલ્લાના આગેવાનો, ગાંધીપ્રેમી નાગરિકો નગરજનો તથા વિધાર્થીઓ આ પ્રાર્થના સભામાં જોડાયા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપન ભદ્રન, અધિક કલેકટર શ્રી ચિરાગ ચાવડા, પોરબંદરના પ્રાંત અધિકારી શ્રી મહેશભાઇ જોષી, કીર્તિમંદિરના વ્યવસ્થાપક શ્રી ભાસા વિગેરેએ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.