મને ખાતરી છે કે તમે તહેવારોની મોસમને માણી રહ્યા છો અને દિવાળીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો.
૩૧મી ઓક્ટોબરે સમગ્ર ભારત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરશે.
આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી વધુ વિશેષ રહેશે કારણકે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ. ૧૮૨ મીટરની ઉંચાઈ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનશે, જે ભારતના લોહપુરૂષને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી ગણાશે. સરદાર સરોવર ડેમ પાસે આવેલા સાધુ બેટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લેશે.
અમે અત્યાધુનિક ટેકનોલોજીલ અને પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી) મોડેલ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે થોડા મહિના પહેલા મેં દેશભરના મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને તેમના લોખંડના ઓજારનું યોગદાન આપવા અપીલ કરી હતી, જેનો તેઓ ખેતી માટે ઉપયોગ કરે છે. સરદાર માત્ર લોહપુરૂષ જ નહી, પરંતુ ખેડૂતપુત્ર હતા. ફરીથી હું તમામ લોકોને આ નિર્માણ પ્રોજેક્ટમાં સહયોગ આપવા અપીલ કરું છું.
સરદાર પટેલ આધુનિક ભારતના ઘડવૈયા છે. વિવિધ અવરોધો પાર કરીને તેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. જો આજે આપણે આપણી યુનિટીની ઉજવણી કરી રહ્યા છીએ તો તે સરદાર પટેલ અને તેમની અધિકારીઓની ટીમના પ્રયાસોને આભારી છીએ. બીજી હકીકત એ પણ છે કે દેશમાં એવા કેટલાક તત્વો છે, જેમનામાં આ એકતાથી ભય વ્યાપેલો છે. આ તત્વોએ લોકોમાં ભય ફેલાવવા અને ગેરમાર્ગે દોરવા માટે બંદૂક અને બોમ્બનો પણ ઉપયોગ કર્યો છે. ભગવાન બુધ્ધ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરૂષો આ દેશમાં જન્મયા છે. ચાલો આપણે આ તત્વોને મજબૂત સંદેશો આપીએ કે તેમનો હિંસાનો માર્ગ કારગત નિવડશે નહી. તેમણે હિંસાનો માર્ગ છોડવો જોઇએ અને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈને આપણા રાષ્ટ્રના વિકાસ માટે કામ કરવું જોઈએ, જેથી સરદાર પટેલ જેવા મહાપુરૂષના સપનાને પૂર્ણ કરી શકાય.
તહેવારોની આ મોસમ દરમિયાન હું તમને વધુ એક વિનંતી કરું છું. ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપ, સોશિયલ મીડિયા, ટ્વીટ્સ અને ઈમેઈલના આ યુગમાં શું તમને યાદ છે કે છેલ્લે તમે ક્યારે પત્ર લખ્યો હતો?
ચાલો આપણે હાથથી પત્ર લખીને આપણા મિત્રો અને પરિવારજનોને દિવાળીની અનોખી ભેટ આપીએ. મતદાન નોંધણી અંગેની માહિતી અને મહત્વતતા દર્શાવતો હાથથી લખેલા પત્ર દ્વારા તેમને સરપ્રાઈઝ આપો. જો તેમણે મતદાર તરીકે નોંધણી કરાવી ન હોય તો તેમને નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરો અને પરિવારજનો અને મિત્રોમાં પણ આ સંદેશો ફેલાવવા પ્રોત્સાહિત કરો. આ એક એવી બાબત છે કે જેમાં આપણા એનઆરઆઈ મિત્રો નોંધપાત્ર રીતે મદદરૂપ બની શકે છે. હાલ આપણો દેશ અતિગંભીર સ્થિતિએ આવીને ઉભો છે અને લોકશાહીના ભાગ્યવિધાતા એવા મતદારો જ દેશને આ ગંભીર સ્થિતિમાંથી બહાર લાવી શકે છે.
મને એ જોતાં આનંદ થાય છે કે www.India272.com તમે લખેલા પત્રોને અપલોડ કરવાની તક પૂરી પાડે છે. હું ભારપૂર્વક ભલામણ કરું છું કે તમે પત્ર લખો અને તેને ઈન્ડિયા૨૭૨ પર શેર કરો. આ માટે હું અહીં લીંક મૂકી રહ્યો છું.
https://volunteer.india272.com/letter
હું સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડીયો અને અમદાવાદમાં સરદાર પટેલ મેમોરીયલના ઉદ્દઘાટન સમારોહમાં મારું વક્તવ્ય શેર કરી રહ્યો છું. આપના સહકાર અને આશીર્વાદ સાથે આપણે સરદાર પટેલના સૌથી ઉંચા સ્ટેચ્યુનું નિર્માણ કરીશું.
નરેન્દ્ર મોદી