દેશ સમક્ષ ભારતના આઝાદી સંગ્રામનો સાચો ઇતિહાસ મૂકાવો જોઇએ

દેશના શાસકોની રાજકીય અસ્પૃશ્યતાનો ભોગ વીર સાવરકર બન્યા છે

ગુજરાત સાથે વીર સાવરકરનો નાતો અનન્ય છે

વીર સાવરકર ફીલ્મની ગુજરાતી સંસ્કરણની ડી.વી.ડી.નું વિમોચન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વીર સાવરકર ફીલ્મના ગુજરાતી સંસ્કરણની ડી.વી.ડી.નું વિમોચન કરતા જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનની જનતા સમક્ષ આઝાદી સંગ્રામનો સાચો ઇતિહાસ પ્રસ્તુત થવો જ જોઇએ.

આપણા દેશનું દુર્ભાગ્ય છે કે દેશના મહાપુરૂષો રાજનૈતિક અસ્પૃશ્યતાનો ભોગ બન્યા છે. શાસકોની નકારાત્મક માનસિકતા અને ઇતિહાસને વિકૃત સ્વરૂપે રજૂ કરવાની તેમણે આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે વીર સાવરકરનો નાતો ગુજરાત સાથે અનોખો રહ્યો છે.

સાવરકર દર્શન પ્રતિષ્ઠાન, મુંબઇ અને ભારતીય વિચારમંચ, ગુજરાતના સંયુકત ઉપક્રમે અમદાવાદમાં આજે વીર સાવરકરની ૧૨૯મી જન્મ જયંતીની વર્ષગાંઠે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૨૦૦૧માં સ્વ.સુધીર ફડકેએ હિન્દીમાં આ ફીલ્મનું નિર્માણ કર્યું હતું અને ભારતની આઝાદીના સશસ્ત્ર ક્રાંતિસંગ્રામમાં આજીવન ત્યાગ, તપસ્યા અને બલિદાન આપનારા વીર સાવરકરની આ ફીલ્મને વ્યાપક આવકાર મળતા તેનું ૧૪ ભાષામાં સંસ્કરણ થવાનું છે.

વીર સાવરકરની હિન્દી ફીલ્મનો પ્રથમ શો દિલ્હીમાં યોજાયેલ તેમાં ઉપસ્થિત રહેવાના સૌભાગ્યનો નિર્દેશ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશનું દુર્ભાગ્ય એ છે કે ઇતિહાસને સાચા સ્વરૂપે જનતા સમક્ષ પ્રસ્તુત નથી કરાતો. ભારતની બહાર વિરાસતને લોકો સુધી નહીં પહોંચાડવા દેવાનો નિર્ધાર કરનારા બે વર્ગ છે. એમાંનો એક વર્ગ ગુલામીની માનસિકતાથી પીડાય છે અને બીજો વર્ગ છે જે ભારતને જમીનનો ટુકડો ગણે છે અને ઇરાદાપૂર્વક લાખ કોશિશો કરીને સત્યને ઢાંકવાના પ્રયાસો કર્યા છે.

આપણા કેટલાય  મહાપુરૂષો એવા છે જેમનું મૂલ્યાંકન અનુચિત થયું છે. વિવાદોમાં ધેરાયેલા રહ્યા છે અને નકારાત્મક વલણ દાખવ્યું છે. આવા અનેક મહાપુરૂષોએ સમાજની અસ્પૃશ્યતા માટે જીવન ખપાવ્યું પરંતુ રાજનૈતિક અસ્પૃશ્યતા કરનારા આ લોકોએ મહાપુરૂષોને  અન્યાય કર્યો છે. તેમાંના એક વીર સાવરકર હતા. આપણી વિરાસતના બટવારા કરવા રાજનૈતિક વિચારભેદને તવજ્જુ દેનારાએ દેશને વિપરિત પરિસ્થિતમિાં ધકેલી દીધો છે તેમ તેમણે જણાવ્યું હતું.

વીર સાવરકરની આ ફીલ્મ અને કન્યાકુમારી પર વિવેકાનંદજીનો પ્રકલ્પ બંનેય નવી પેઢીને ભારતમાતાની દેશદાઝ માટેની પ્રેરણા આપે છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વીર સાવરકર અને તેમના પરિવારે ભોગવેલી યાતના રૂંવાડા ખડા કરી દે તેવી છે તેની ભૂમિકા આપી હતી.

૧૮૫૭ના ભારતના પ્રથમ આઝાદીના સશસ્ત્ર સંગ્રામને પણ આઝાદ હિન્દુસ્તાનના શાસકો ૧૮૫૭નો બળવો ગણાવે છે તેવી સ્થિતમિાં વીર સાવરકર ઝૂઝારૂ બનીને વિદેશી સલ્તનત સામે લડયા એટલું જ નહીં, જેલની દિવાલો ઉપર ઉત્તમ કાવ્યરચના લખી એવું પ્રખર વ્યકિતત્વ વીર સાવરકરનું હતું. વડોદરામાં ૧૯૩૮માં સર સયાજીરાવ ગાયકવાડે વીર સાવરકરના માણેકરાવ અખાડાના વ્યાખ્યાનને દૂર મોટરમાં બેસીને સાંભળેલું અને પ્રભાવતિ થયેલા. ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસનો જન્મ નહોતો થયો ત્યાર પહેલા હિન્દુ-મુસલમાન એક ખભો મીલાવીને દેશની આઝાદી માટે લડેલા તે ૧૮૫૭નો ભારતનો પ્રથમ સશસ્ત્ર સંગ્રામ હતો. પરંતુ કોંગ્રેસ જન્મી તે પછી દેશની સ્થિતિ કેવી બદ હાલ થઇ તે આપણે સૌ જાણીએ છીએ તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આઝાદીની હવામાં આપણે આજે શ્વાસ લઇ રહ્યા છીએ તેમાં વીર સાવરકર જેવા મહાપુરૂષોનું બલિદાન છે. ગુજરાતના સ્વ.શ્યામજી કૃષ્ણવર્માએ સશસ્ત્ર ક્રાંતિવીરોને ભારત માતાની આઝાદી માટે તૈયાર કરેલા તેમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ જીનિવામાં સ્વ.શ્યામજી કૃષ્ણ વર્માએ ૧૯૩૦માં મૃત્યુ પછી પોતાના અસ્થિ ભારત આઝાદ થાય ત્યારે સ્વદેશમાં લઇ જવાની અંતિમ ઇચ્છા વ્યકત કરેલી પણ ૧૯૪૭ પછીની પંડિત નહેરૂની આઝાદ હિન્દુસ્તાનની સરકારે એમની કોઇ દરકાર કરી નહીં, જ્યારે ૨૦૦૩માં મુખ્ય મંત્રીએ પોતે જીનિવાથી અસ્થિ કળશ લાવીને માંડવી કચ્છમાં તેમની સ્મૃતિમાં સ્વ.શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક ક્રાંતિતીર્થ રૂપે ઉભુ કર્યું છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

સાવરકર દર્શન પ્રતિષ્ઠાન પ્રમુખ પ્રો. બાળ આપટેએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, સ્વાધિનતા માટે જીંદગીના બાર વર્ષ કાળા પાણીની કોટડીમાં ભોગવનારા વીર સાવરકરે હિન્દુસ્તાનની એકતા માટે સામાજિક સમરસતાનું અભિયાન ઉપાડેલું અને હિન્દુત્વની સ્વયં સ્પષ્ટ પરિભાષા આપી. વીર સાવરકર માટે મહારાષ્ટ્ર જેટલી જ આસ્થા ગુજરાત માટે છે એમ તેમણે ઉમેર્યું હતું.

દાદા ઇદાતેજીએ જણાવ્યું કે હિન્દુત્વનો પ્રભાવ સર્વત્ર ફેલાવાનો છે એવા સમયે ક્રાંતિવીર સાવરકરજીનું દેશભકિત અને હિન્દુત્વનું જીવનદર્શન પ્રેરણારૂપ બને તે હેતુથી આ ફિલ્મ તૈયાર થઇ છે.

આ પ્રસંગે પ્રતિષ્ઠાનના અધ્યક્ષ પ્રો. બાળ આપ્ટેજી અને ઉપાધ્યક્ષ શ્રી દાદા ઇદોતરે વીર સાવરકર ફિલ્મ વિષેની વિગતો આપી હતી.

સમારંભની શરૂઆતમાં શ્રી રવીન્દ્ર સાથેએ સ્વાગત પ્રવચન કર્યું હતુ જ્યારે શ્રી દેવાંગ આચાર્યએ આભાર દર્શન કર્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રી આસીત વોરા, મંત્રીમંડળના સભ્યો તથા આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.