ગુણોત્સવઃ ર૦૧૧ પ્રથમ દિવસ

સમગ્ર ગુજરાતની ગ્રામ પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસના ગુણોત્સવ અભિયાનનો પ્રારંભ

મૂમન મુસ્લિમ પરિવારોની દીકરીઓએ નરેન્દ્રભાઇ મોદી સમક્ષ ચબરખીમાં પીડા વ્યકત કરીઅમારે દીકરીઓએ આગળ ભણવું છે, ઘરમાં બધા ના પાડે છે...

નરેન્દ્રભાઇ મોદીએ ધોરણ ૧ થી ૮ ના બધા જ ૧૭ વર્ગોમાં જઇને શિક્ષકની સ્નેહાળ ભૂમિકા નિભાવીઃવિદ્યાર્થીબાળકો સાથે વાતચિત કરી

બૌધ્ધિકશૈક્ષણિક વિકાસનું મૂલ્યાંકન કર્યું

ગામનું બાળક ભણે નહીં તો તેની પીડા સમાજ અને શિક્ષકને થવી જ જોઇએ

શિક્ષકનું વિદ્યાર્થી પ્રત્યેનું દાયિત્વ ઉદાસિન હોઇ શકે જ નહીં

કુપોષણ સામે અભિયાન

અંબાજી આરાસુરી મંદિર ટ્રસ્ટ દ્વારા દાંતાઅંબાજી ડુંગરાળ વિસ્તારના તાલુકાઓમાં પ્રાથમિક શાળાના બાળકો માટે પોષક આહારનો પ્રોજેકટ શરૂ થયો

....ભૂતકાળમાં ભલે જેમણે પ્રાથમિક શિક્ષણને નબળું રાખ્યુંઆ સરકાર માટે આવતીકાલના ગુજરાતને શિક્ષિત બનાવવાની પ્રાથમિકતા મહત્વની છે...

નબળી શાળાઓની ગુણવત્તા સુધારવા માટેની ઉદાસિનતા છોડવા અન્યથા શિક્ષાત્મક પગલાં માટે તૈયાર રહેવા શિક્ષકોને તાકીદ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુણોત્સવના અભિયાનના આજે પ્રથમ દિવસે બનાસકાંઠાના દાંતા તાલુકામાં જશવંતગઢ ભેમાળ પ્રાથમિક શાળાની ઓચિન્તી મૂલાકાત લીધી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂર્વનિર્ધારિત જાણ કર્યા સિવાય, જશવંતગઢની પ્રાથમિક શાળાના શૈક્ષણિક વાતાવરણ, શિક્ષણ પરિવારની શિક્ષણ માટેની સજ્જતા, બાળકોની શિક્ષણ  માટે રૂચિ અને વાંચનલેખન ગણિતકોમ્પ્યુટર સહિતના અભ્યાસની તમણા ઉપરાંત બાળકોના ભવિષ્ય ઘડતરના પાયામાં શિક્ષણ અને સંસ્કાર માટે ગ્રામસમાજની જાગૃતિનું જાતનિરીક્ષણ કર્યું હતું. જશવંતગઢ ભેમાળ પ્રાથમિક શાળા અંબાજીથી ત્રીસેક કીલોમીટર દૂર સરહદી વિસ્તાર દાંતા તાલુકામાં આવેલી છે, અને મહદ્અંશે મોમનમુસ્લિમ વસ્તીના બાળકો ધોરણ ૧ થી ૮ માં ભણે છે.

મુખ્યમંત્રીશ્રી અચાનક બપોર બાદ જશવંતગઢ પહોંચ્યા હતા અને સીધા શાળામાં જઇને પ્રત્યેક વર્ગખંડોમાં બાળકોના અભ્યાસ અને બૌધ્ધિક વિકાસની જાતમાહિતી બાળકો પાસેથી જ મેળવી હતી. વર્ગમાં બાળકોની અભ્યાસની કસોટી લેવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્નેહાળ શિક્ષકનું દાયિત્વ પણ પ્રદર્શિત કર્યું હતું.

પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા અવિરત પરિશ્રમ કરી રહેલા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ૩ર૭૯ર પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તા ઉંચે લાવવા માટેના સતત ત્રીજા વર્ષે ગુણોત્સવના અભિયાનનું નેતૃત્વ લીધું છે. મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ અને સનદી, પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓપદાધિકારીઓની ૩૦૦૦ની ટીમ ગુજરાત ગુણોત્સવના શિક્ષણ યજ્ઞમાં આજથી જોડાઇ છે. આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજથી દાંતાઅંબાજી સહિતના ત્રણ તાલુકાઓમાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કુપોષણની પીડામાંથી છોડાવવા પોષક આહાર આપવાના પ્રોજેકટનો કાર્યારંભ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ શાળાના દીકરાદીકરીઓને પૌષ્ટિક આહારફૂડના વિતરણથી થયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુણોત્સવના ઉદે્શને સ્પષ્ટ કરતાં શિક્ષકો સાથેની બેઠકમાં જણાવ્યું કે શિક્ષક તરીકેનું દાયિત્વ નિભાવવાની ઉદાસિનતા કોઇ સંજોગોમાં સરકાર ચલાવી લેવાની નથી. નબળી ગુણવત્તા ધરાવતી શાળાઓના શિક્ષકોને તેમણે તાકીદ કરી હતી કે વર્ષમાં રરપ દિવસ શિક્ષણ કાર્ય કરવાનું છે અને આપણા વર્ગનું બાળક નબળું હોય તો પીડા શિક્ષકને થવી જ જોઇએ. સંવેદનાસભર શિક્ષકની નિષ્ઠા હોવી જોઇએ. બાળક શાળામાં શિક્ષણ અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ તથા રમતગમતમાં પરસેવો પાડે, મોજમસ્તીના બાળપણ સાથે ઉમંગથી અભ્યાસ કરે અને બાળકો કુપોષણની પીડાથી મૂકત રહીને પૌષ્ટીક ભોજન, કોમ્પ્યુટર શિક્ષણ, યોગપ્રાર્થના સ્વચ્છતાની ટેવો સાથે સંસ્કાર પામે એ માટે શાળાના શિક્ષણ પરિવાર તથા સમસ્ત ગ્રામવાલી સમાજને પોતાની ઉદાસિનતાનું વલણ બદલવા તેમણે ગ્રામસભામાં પણ ખાસ અપીલ કરી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાળાના બાળકોના અભ્યાસ માટેના ઉમંગનું પ્રેરક દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે ધોરણ૮માં ભણતી બે મૂમન કન્યાઓએ તેમને કાગળની ચબરખીમાં લખીને પોતાની વેદના વ્યકત કરી કે ‘અમારે દીકરીઓએ આગળ ભણવું છે પણ માતાપિતા ના પાડે છે તો શું કરવું? ’આ હકિકત સંવેદનાથી ગ્રામજનો સમક્ષ મૂકી તેમણે જણાવ્યું કે બાળકોને ભણવાથી વંચિત રાખવાં એ માફ કરી શકાય નહીં. આ સરકારે તો દશ વર્ષમાં દીકરી હોય કે દીકરોબધાને અભ્યાસ માટે બધી જ સુવિધા એક રૂપિયાનો ખર્ચ થાય નહીં તેવી પુરી પાડી છે.

સરકારી પ્રાથમિક શાળા નબળી હોય કે માળખાકીય સવલતો, તાલીમી શિક્ષકો વગરની હોય એવો કયાંય ભ્રમ રહેવા દીધો નથી. આમ છતાં, આપણા ગામનું સંતાન ભણે નહીં તો તેનો દોષ શિક્ષકો અને ગ્રામસમાજનો છે, વાલીઓની ઉદાસિનતા છે. ગામની શાળા તો ગામનું ગૌરવ બને એવી હોવી જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ એવી પીડા પણ વ્યકત કરી કે પ૦ વર્ષથી આ ગામની શાળા ચાલે છે, શિક્ષકો અને માળખાકીય સવલતોબધું જ છે છતાં, પ૦ વર્ષમાં આ શાળામાંથી કોઇ ઉચ્ચ અભ્યાસ કરીને ડોકટર કે ઇજનેરવકીલ બન્યા નથી. સરકારે પ્રાથમિક શિક્ષણ ઉંચે લઇ જવા દશ વર્ષથી જહેમત ઉઠાવી છે ત્યારે શિક્ષક અને વાલીસમાજ પોતાના ગામના સંતાનનું ભવિષ્ય રૂંધાય એવી ઉદાસિનતા રાખે તો વિકાસ કયાંથી થશે? તેમણે શિક્ષક પરિવાર અને માતાઓ સહિત સમસ્ત ગ્રામસમાજને સંવેદનાસભર હૈયે જણાવ્યું કે કોઇ મુખ્યમંત્રી ચૂંટણી સિવાય, મત માંગવા સિવાય આવા કામ માટે ગામેગામ ફરતો નથી, પરંતુ હું ગાંધીનગરથી ગુણોત્સવનો શિક્ષણ યજ્ઞ લઇને આવ્યો છું, સમાજ અને શિક્ષકની ઉદાસિનતા ઢંઢોળવા ગુજરાત આટલું વિકાસથી ધબકતું હોય પણ ગામની શાળા અને શિક્ષણમાં આપણું સંતાન પાછળ રહી જાય, કોમ્પ્યુટર ટેકનોલોજીની સગવડ હોવા છતાં તેની તાલીમ પામ્યા વગર રહી જાય તે આ સરકાર ચલાવી લેવા માંગતી જ નથી!

મુખ્યમંત્રીશ્રીએ ગામમાં કુપોષણ સામે સમાજ જાગૃતિની જરૂર ઉપર પણ ખાસ ભાર મૂકયો હતો. ધારાસભ્યશ્રી વસંત ભટોળ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. જશવંતગઢના ગ્રામજનોની સમગ્રતયા મૂમન મુસ્લિમ પરિવારોની માતૃશકિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

ગુણોત્સવના શિક્ષણ સુધારણા યજ્ઞ આરંભ પૂર્વે આદ્યશકિત પીઠ અંબાજી માતાના ભકિતભાવથી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાતના સુપ્રસિધ્ધ શકિતપીઠ અંબાજી માતાના ભકિતભાવપૂર્વક પૂજાદર્શન કર્યા હતા. ઉત્તર ગુજરાતના દાંતા તાલુકાની પ્રાથમિક શાળાની મૂલાકાત લઇ ગુણોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવતા પહેલાં શ્રી નરેન્દ્રભાઇ મોદી બપોરે અંબાજી પહોચ્યા હતા અને મા અંબાજીના આશીર્વાદ મેળવી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવાના ગુણોત્સવનો યજ્ઞ તેમણે આરંભ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને નીલકમલ ચન્દ્રકાંત સોમપૂરા અને મનિષ ચંન્દ્રકાંત સોમપૂરા બંધુઓએ અંબાજી મંદિરની આરસની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.