મુખ્ય મંત્રીશ્રી સુરતમાં
સુરત મહાનગરપાલિકાનો વિકાસ ઉત્સવ
રૂ.૧૨૪૦ કરોડના ૧૭ કામોનું ભૂમિપૂજન રૂ.૪૪ કરોડના પાંચ કામોનું લોકાર્પણ
રાજગ્રીન હાઇટેક એમ્યુઝમેન્ટ પાર્કનું ખાતમુહૂર્ત
ગુજરાતના યુવા ઉઘમશીલોને તેમના સપના સાકાર કરવા આ સરકાર પૂラરૂં પ્રોત્સાહન આપશે
પ્રવાસનક્ષેત્રે વિશ્વકક્ષાના સામુહિક મનોરંજનના નવા આયામો આવકાર્ય
વિકાસ કોને કહેવાય એ એક જ દશકામાં ગુજરાતે પુરવાર કર્યું
સુરતનો મેટ્રોટ્રેઇન પ્રોજેકટ મંજૂર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતના મહાનગરના આધુનિક વિકાસની ગતિ તેજ બનાવતા રૂ.૧૨૪૦ કરોડના ૧૭ પ્રોજેકટનું ભૂમિપૂજન અને રૂ.૪૪.૦૬ કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રાજગ્રીનગૃપ અને મહાપાલિકાની સંયુકત ભાગીદારીથી આકાર લેનારા હાઇટેક એમ્યુઝમેન્ટ પાર્કનું પણ ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિકાસ કોને કહેવાય એ એક જ દશકામાં ગુજરાતે પૂરવાર કર્યું છે. ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના સમુદ્ર કાંઠે વિકાસના વિશાળ અવસરોનો મહત્તમ લાભ લેવા યુવા ઉઘમશીલોને પણ તેમણે આહ્વાકન કર્યું હતું.વિકાસ કોને કહેવાય એનો જવાબ આપતા અને ૨૦૦૧ અને ૨૦૧૨ના ગુજરાતના દશકાના વિકાસની તુલના માટે જનતાને પ્રેરિત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, દશ વર્ષ પહેલા ગુજરાત સરકારનું બજેટ હતું રૂ.૬૦૦૦ કરોડ અને આજનું બજેટ છે રૂ. એક લાખ કરોડથી વધારે.
હિન્દુસ્તાનનું પહેલું માનવ રહિત સ્વચાલિત જહાજ આજે ભાવનગરમાં જ સ્થાનિક ઉઘોગ સાહસિક યુવાનોએ બનાવ્યુ ને તેને ઇટાલી મોકલવામાં આવ્યું છે. તેનો ગર્વભેર ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર વિકાસની ઉંચાઇના નવા સપના લઇને તેને સાકાર કરવા તત્પર યુવા ઉઘમશીલોને પુરતું પ્રોત્સાહન આપી રહ્યું છે. દશ વર્ષમાં હજુ તો વિકાસના ખાડા જ આ સરકારે પૂર્યા છે પણ ભવિષ્યનું ગુજરાત નવજવાનોની શકિતનું વિશ્વને દર્શન કરાવશે એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાત સરકાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનરૂપે નિર્માણાધીન છે તેની વિશાળ વિશેષતાની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બે દિલ્હી જેટલું ધોલેરા SIR નું નવું સીટી બનવાનું છે.એમ્યુઝમેન્ટ પાર્ક જેવા મનોરંજનના સામૂહિક આયામો પ્રવાસનક્ષેત્રનો ખૂબ વિકાસ કરવામાં બળ પૂરૂં પાડશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સુરત માટે મેટ્રો ટ્રેઇન પ્રોજેકટ મંજૂર કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લઇ લીધો છે તેની જાહેરાત કરી હતી.