શ્રી અટલબિહારી વાજપેયીની શુભેચ્છા મૂલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી
ભાજપાના વરિષ્ઠ રાષ્ટ્રીય આગેવાનો શ્રી. એલ. કે. અડવાણીમૂરલી મનોહર જોષી સુષ્મા સ્વરાજનિતીન ગડકરીની પણ સૌજ્ન્ય મૂલાકાતો લીધી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીના નિવાસસ્થાને જઇને સાંજે તેમના સ્વાસ્થ્યના ખબરઅંતર પૂછયા હતા.મુખ્યમંત્રીશ્રીએ આજે બપોર બાદ એન.ડી.એ.ના અધ્યક્ષ અને પૂર્વ નાયબ વડાપ્રધાનશ્રી લાલકૃષ્ણ અડવાણીજી, લોકસભામાં વિપક્ષના નેતા શ્રીમતી સુષ્મા સ્વરાજ, ભાજપાના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી નિતીન ગડકરી અને વરિષ્ઠ અગ્રણી ડો. મૂરલીમનોહર જોષીની સૌજ્ન્ય મૂલાકાતો લીધી હતી.
ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં આજે સાંજે ગુજરાત વિજેતા અને જનનાયક તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અભૂતપૂર્વ ઉત્સાહ ઉમંગ અને ઉષ્માસભર જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સતત ચોથીવાર ગુજરાત શાસનનો ઐતિહાસિક જનાદેશ મેળવીને મુખ્યમંત્રી બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીને દિલ્હીમાં ભાજપા મુખ્ય કાર્યાલયમાં ભાજપાના હજારો કાર્યકર્તાઓ શુભેચ્છા અને અભિવાદન માટે ઉમટયા હતા. ભાજપા રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી નિતીન ગડકરીના પ્રમુખસ્થાને યોજાયેલો આ અભિવાદન સમારોહ કોઇ રાષ્ટી્રય મહાનુભાવને અપાતા માનસન્માનનો ભવ્ય કાર્યક્રમ બની ગયો હતો. ભાજપાના મુખ્યમથકે કોઇ રાજ્યના નેતાને આવું વિરલ સન્માન મળ્યું હોય તે શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિલ્હીમાં અભૂતપૂર્વ લોકચાહનાનું પરિચાયક છે.
મુખ્યમંત્રીશ્રીએ સન્માનનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં સતત ચોથીવાર ભાજપાની સરકારનો વિજય એ લોકતંત્રની આગવી તાકાત અને ભાજપાના લક્ષ્યાવધિ કાર્યકર્તાઓના સમર્પણ અને પુરૂષાર્થની સફળતા છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે સતત બારબાર વર્ષ સુધી કોઇ સરકારને જનતાનો આટલો પ્રેમ અને સમર્થન મળ્યા હોય તે ગુજરાતના ઇતિહાસમાં અને જાહેરજીવનમાં અભૂતપૂર્વ ઘટના છે. આજે સમગ્ર દેશમાં કેન્દ્રની સરકારની બધા જ મોરચે નિષ્ફળતાઓ, નેતૃત્વની દિશાવિહિનતાના કારણે ઘોર નિરાશાનું વાતાવરણ જોવા મળે છે ત્યારે, ગુજરાતમાં ભાજપા સરકારે સતત ૧ર વર્ષ સુધી જનતાની અપેક્ષાઓ અને અરમાનોની પૂર્તિ કરી છે. વિકાસ માટે રાજકીય સ્થિરતાનો જનાદેશ આપીને ગુજરાતની જનતાએ દેશને નવો માર્ગ ચિંધ્યો છે.
તેમણે કેન્દ્ર સરકારની વિકાસ માટેની દિશા શૂન્યતાની તૂલનામાં ગુજરાત સરકારે વિકાસના જે અભૂતપૂર્વ પરિણામો હાંસલ કર્યા છે તેની રૂપરેખા પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે તેઓ ભાજપાના લાખો કાર્યકર્તાઓ પૈકીના એક સાથીદાર છે અને તેમને જે દાયિત્વ સોંપવામાં આવ્યું છે તે માટે તેમણે પૂરી નિષ્ઠાથી કાર્ય કર્યું છે અને કરતા રહેવાના છે.
શ્રી નિતીન ગડકરી સહિત તમામ રાષ્ટ્રીય અગ્રણીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.