મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વિશ્વપ્રસિધ્ધ તરણેતર લોકમેળાની મુલાકાતે

ગુજરાતે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી છે, અને આ વિકાસયાત્રા અવિરત ચાલુ જ

રહેવાની છેઃ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

આ સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ગરીબો માટે ૧૬ લાખ જેટલા મકાનો બનાવ્યા છે

ગરીબો માટે છ લાખ જેટલા મકાનોના પ્રત્યેકના રૂ. ર૧૦૦૦ લેખે લાભાર્થીના બેન્ક ખાતામાં જમા

ગામડાંઓમાં રપ લાખ પાકાં મકાનોના નિર્માણનું અભિયાન હાથ ધરાશેઃ ગ્રામીણ કક્ષાએ મોટી રોજગારી ઊભી થશે

ગ્રામીણ કક્ષાએ સરપંચોને રૂપિયા પાંચ લાખના કારોબાર માટેની છૂટ

શ્રેષ્ઠ રમતવીરો પૂરા પાડવા ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના થશે

રમતોત્સવ અને પશુપાલન હરિફાઇના વિજેતાઓને પુરસ્કારથી નવાજતા મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વિશ્વપ્રસિધ્ધ તરણેતર લોકમેળાની હજારો જનમેદનીના હર્ષોલ્લાસ વચ્ચે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા, પરંતુ પાછોતરો વરસાદ થતા દુષ્કાળની સ્થિતિ હવે ટળી છે અને ઇશ્વરના આશિર્વાદ વરસ્યા છે તેનો આનંદ વ્યકત કરી પોતાના સંબોધનમાં કહયું કે, ગુજરાતે આજે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી છે અને આવનાર વર્ષોમાં પણ આ વિકાસયાત્રા અવિરત ચાલુ જ રહેવાના છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળના ૧૦ વર્ષોમાં અનેક સરકારો આવી અને ગઇ પરંતુ અનેક ગરીબો પાસે રહેવા મકાન નહોતુ, ત્યારે આ સરકારે છેલ્લા દસ વર્ષમાં ૧૬ લાખ મકાનો ગરીબો માટે બનાવી દીધા છે અને હજુ ધણાં જ ગરીબો માટે છ લાખ જેટલા મકાનો માટે પ્રત્યેકને રૂપિયા ર૧,૦૦૦નો પ્રથમ હપ્તો તે ગરીબોના બેંક ખાતામાં જમા પણ થઇ ગયો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગામડાઓમાં જેમના કાચા મકાનો છે તેવા ગરીબોને પાકાં મકાનો બનાવી આપવાનો નિર્ણય કર્યો છે અને આ માટે જે-તે ગામના તલાટી-સરપંચ અને ગ્રામસેવકને તેમના ગામના કાચા મકાનોના ફોટા પાડી તેનો સર્વે અને નોંધણી કરવા સૂચના આપેલ છે. આ નિર્ણય અમલી બનશે અને ગામડાંઓમાં ગરીબો માટે રપ લાખ મકાનોના નિર્માણનું અભિયાન આરંભાશે ત્યારે હજારો લાખોની સંખ્યામાં ગ્રામીણ રોજગરી પણ ઊભી થવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ ગામડામાં સરપંચોને ગ્રામ્ય કક્ષાના કામો માટે રૂપિયા પ લાખના કારોબારની છૂટ અપાતા હવે ગામડાઓના સર્વાંગિણ વિકાસનો માર્ગ મોકળો થશે. એમ જણાવી આ સરકાર હંમેશા ગામડાંઓનું ભલુ થાય તેને હંમેશા પ્રાથમિકતા આપે છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશને શ્રેષ્ઠ રમતવીરો પૂરાં પાડવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે અને આ દિશામાં મહત્વના કદમ તરીકે સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે એટલું જ નહીં. દરેક જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સંકુલ અને સ્પોર્ટસ સ્કૂલ સ્થપાશે. મુખ્યમંત્રીશ્રી ગ્રામીણ ઓલિમ્પીકમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અર્પણ કરતા જણાવ્યું હતું કે તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પીકસના આયોજનથી ગ્રામ્યક્ષેત્રના યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળી છે. અને તેનો વિશેષ લાભ તરણેતરના મેળામાં યુવાનો સહભાગી બન્યા તે થયો છે.

પ્રારંભમાં રાજ્યના નાણાં મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારીશ્રી વજુભાઇ વાળાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, જે વ્યકિત આનંદ નથી મેળવી શકતો તે દરિદ્ર છે, તરણેતરનો લોકમેળો એ સાચા અર્થમાં આનંદની અનુભૂતિ કરાવે છે.

આ પ્રસંગે તરણેતર મેળામાં યોજાયેલી પશુપાલન સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ અગાઉ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહાદેવના મંદિરમાં ભગવાન શિવના દર્શન પુજા-અર્ચના કરીને આશિર્વાદ મેળવ્યા હતા. સાથે મંત્રીશ્રી વજુભાઇવાળા, મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા જોડાયા હતા.

તરણેતર ખાતે યોજાયેલા જગપ્રસિધ્ધ મેળામાં રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા, પ૦ મુદ્‍ા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઇ. કે. જાડેજા, પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશભાઇ પટેલ, ગુજરાત પ્રવાસન વિભાગના ર્ડા. વિપુલ મિત્ર, સાંસદ સભ્યશ્રી શંકરભાઇ વેગડ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી ભરતભાઇ ખોરાણી, જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. પી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી આંબાભાઇ પટેલ, સહિત અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહયો હતો.