નોનબ્રાન્ડેડ સોના-ઝવેરાતના દાગીના ઉપરની બજેટની ડયુટી દરખાસ્તો પાછી ખેંચો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નોનબ્રાન્ડેડ ઝવેરાત સોનાના દાગીનાની બનાવટો ઉપર કેન્દ્ર સરકારે બજેટમાં દાખલ કરેલી એક ટકાની એકસાઇઝ ડયુટી અને રૂા. બે લાખથી વધારે સોના-ઝવેરાતના દાગીનાની ખરીદી ઉપર ટીડીએસ (ટેક્ષડિકશન એટ સોર્સ)ની કરેલી જોગવાઇઓ તત્કાળ પાછી ખેંચવા ભારત સરકારની સમક્ષ માંગણી કરી છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સોના-ઝવેરાતના સોની મહાજનોના ઉગ્ર આક્રોશ અને રાજ્ય સરકાર સમક્ષ થયેલી રજૂઆતોનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકાર સમક્ષ એવી માંગણી કરી છે કે, છેલ્લા ૧૦ દિવસથી સોના-ઝવેરાતની હડતાલોના કારણે એકલા ગુજરાતમાં રૂા. ૧૬,૦૦૦ કરોડના વેપારનું નુકશાન થયાનો અંદાજ છે. દેશમાં સોના-ઝવેરાતના દાગીના બનાવવામાં ૪ લાખ કુશળ કારીગરો આ કમનસીબ સ્થિતિમાં બેરોજગારીનો ભોગ બન્યા છે.

મુખ્ય મંત્રીશ્રીએ એ હકીકત ઉપર ભાર મુકયો છે કે, નોનબ્રાન્ડેડ સોના-ઝવેરાતના દાગીના બનાવતા સોનીઓ અને વેપારીઓ ગ્રાહકોની માંગ અનુસાર ખૂબ જોબ-વર્ક કરે છે આથી જોબવર્ક અને મેન્યુફેકચરીંગ વચ્ચે ભેદ પાડવો અને તેના ઉપર એક ટકાની એકસાઇઝ ડયુટી લેવામાં ફરીથી દેશમાં "ઇન્સ્પેકટર રાજ'નું દૂષણ પ્રવેશશે. આ મેન્યુફેકચરીંગના વ્યવસાયમાં ૯૦ ટકા લધુ ક્ષેત્રમાં છે અને સૌથી વધુ રોજગારલક્ષી ક્ષેત્ર છે.

મુખ્ય મંત્રીશ્રીએ બે લાખ રૂપિયાના સોના-ઝવેરાતના દાગીનાની ખરીદી ઉપર "પાન' નંબર સાથે ટીડીએસની જોગવાઇને દૂર કરવા અંગે પણ ભારત સરકારને રજૂઆત કરી છે. ટીડીએસની જોગવાઇ આધારિત આયાતી સોના ઉપર કસ્ટમ ડયુટી પણ દાણચોરીના દૂષણને સર્જશે એવો ભય અસ્થાને નથી, તેમ તેમણે જણાવ્યું છે.

આ સંજોગોને ધ્યાનમાં લઇ નોનબ્રાન્ડેડ સોના-ઝવેરાતના દાગીના અંગે સોનીઓ અને સમગ્રતયા સોના-દાગીનાની વેપારના વ્યાપક હિતમાં બજેટની આ જોગવાઇઓ પાછી ખેંચવાની સ્પષ્ટ માંગ મુખ્ય મંત્રીશ્રીએ કરી છે.