9/11ના ઐતિહાસિક દિવસે 'સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા'નો પ્રારંભ
પ્રિય મિત્રો,
જ્યારે પણ 11મી સપ્ટેમ્બરની વાત આવે ત્યારે મોટાભાગના લોકોના મનમાં યુએસએના બે મોટા શહેરોમાં ઐતિહાસિક ઇમારતો પર વિમાન દ્વારા કરાયેલા ભયાનક આતંકવાદી હુમલાની યાદ તાજી થઇ જાય છે, કે જેણે ભયાનક વિનાશ નોતર્યો હતો.
જોકે, ઇતિહાસના પાનામાં 11મી સપ્ટેમ્બરની અન્ય એક ઘટના પણ અંકિત થયેલી છે, જે દિવસે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના મહાનતમ સાંસ્કૃતિક મૂલ્યો અને સામર્થ્ય તરફ ખેંચાયું હતું. 1893માં આ જ દિવસે શિકાગો ખાતે વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાનું પ્રખ્યાત પ્રવચન આપ્યું હતું. "મારા અમેરિકન ભાઇઓ અને બહેનો" - માત્ર આટલા જ શબ્દોથી જ આ મહાપુરુષે ભારત માતાનો વૈશ્વિક એકતાનો પ્રાચિનતમ સંદેશ સમગ્ર વિશ્વને પહોંચાડી દીધો હતો.
આ ઐતિહાસિક દિવસે, હું બેચરાજીના પવિત્ર શહેરથી બહુચર માતાના આશિર્વાદ સાથે 'સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા' શરૂ કરી રહ્યો છું. સ્વામી વિવેકાનંદે એક સમર્થ અને સમૃદ્ધ ભારતની કલ્પના કરી હતી અને મારી યાત્રા દરમિયાન, સ્વામીજીનો આ સંદેશ હું ગુજરાતના પ્રત્યેક ખૂણે અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવાનો છું. સ્વામીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે, ગુજરાત 2012ના વર્ષને યુવા શક્તિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે અને મને ખાતરી છે કે આ અવસર પર આપણે આદરેલો પ્રયાસ અત્યંત ફળદાયી નીવડશે.
આજનો દિવસ અન્ય એક રીતે પણ સિમાચિહ્નરુપ લેખાશે કારણકે આજથી આપણે ગુજરાતભરમાં ગુટખા પર પ્રતિબંધ અમલમાં મૂક્યો છે. ગુટખાની આદતને કારણે સંખ્યાબંધ લોકોને તેમના જીવ ગુમાવતા જોઇને મને ખુબજ દુઃખ થતું. ગુટખાના દૂષણથી રાજ્યની કોઇપણ મહિલાને પોતાના પતિ કે યુવાન બાળક ગુમાવવાનો વારો ન આવે તેવા નિર્ધાર સાથે આપણે આ પ્રતિબંધ અમલમાં મૂક્યો છે. આપણું સ્વપ્ન સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવાનું છે, જ્યાં લોકોના શબ્દકોશમાં ગુટખા નામનો શબ્દ જ ન હોય.
વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રવચનને હું અહીં મૂકી રહ્યો છું. ચાલો 9/11ના દિવસને આપણે વૈશ્વિક શાંતિ અને ભાઇચારાના દિવસ તરીકે યાદ રાખીએ તથા સમર્થ અને ભવ્ય ભારતના સ્વામી વિવેકાનંદના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધીએ.
આપનો,
નરેન્દ્ર મોદી