સત્તાના માધ્યમ થકી જનતાનું સશકિતકરણ
સુરક્ષા, સમાનતા, સમૃધ્ધિ અને સહુને અવસર ગુજરાતમાં સહુના વિકાસની ભાગીદારીના ચાર સંકલ્પ સાકાર
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સત્તાના માધ્યમ થકી જનતાનું સશકિતકરણ એ ભાજપાની રાજનીતિ રહી છે અને ગુજરાતમાં કોઇપણ કોમ અને સંપ્રદાયના નાગરિકનું સશકિતકરણ કરીને સૌનો સાથ સૌનો વિકાસનો સંકલ્પ સાકાર કર્યો છે.
ઉમ્મત બિઝનેસ કોન્કલેવનું ઉદ્ઘાટન અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ઉપર આજે મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ગુજરાતમાં લઘુમતી મુસ્લીમ બિઝનેશ કોમ્યુનિટીએ બિઝનેસ હાર્મનીની થીમ ઉપર આ કોન્કલેવમાં ભાગ લીધો છે.
ઉમ્મત બિઝનેશ કોન્કલેવમાં ઉદ્યોગ-વ્યાપારના વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની ઓળખ અને શકિત એન્ટરપ્રિનિયોર સોસાયટીની રહી છે અને તેને બળવત્તર બનાવવાથી આપણે વિશ્વમાં સ્પર્ધાત્મક અર્થ વ્યવસ્થામાં તો આપણો પ્રભાવ ઉભો કરી શકીશું એટલું જ નહી, આપણી ભાવિ પેઢીઓને પણ નિરંતર પ્રગતિની રાહ ઉપર સમૃધ્ધ બનાવી શકીશું.
ગ્લોબલ માર્કેટની સ્પર્ધામાં સ્થાન જમાવવા માટે બ્રાન્ડ ઈન્ડિયા ઇમેજ ઉભી કરવા માટે ZERO DEFECT PRODUCT ની વિશ્વસતિયતા ઉભી કરવા તેમણે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં જેમણે પોતાના પ્રગતિના સપના સાકાર કરવા છે તેને સુરક્ષા (સિક્યોરીટી) સમાનતા (ઇક્વાલિટી), સમૃધ્ધિ (પ્રોસ્પેરિટી) અને અવસર (ઇક્વિટી)સાથે વિકાસમાં ભાગીદાર બનવાનું વાતાવરણ ઉભૂં કર્યું છે. ગુજરાતનો યુવાન Job seeker નહીં Job Creater બને એ મિજાજ સાથે સૌને વિકાસમાં જોડ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિકાસની યાત્રામાં ગુજરાતના દરેક વ્યકિતની ભાગીદારી કરી છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દરેક નાગરિક કોઇ સંપ્રદાય, જાતિ કે કોમનો હોય તેની શકિત પ્રમાણે પોતાની પ્રગતિ સાથે વિકાસમાં યોગદાન આપે. વિકાસના માર્ગ ઉપર તેજીથી આગળ વધારવાનો આ જ માર્ગ છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં ગરીબ પરિવારોમાં લઘુમતી મુસ્લીમ સમુદાયોનો વર્ષોથી સમાવેશ થાય છે અને પતંગ બનાવવાના પરંપરાગત ગૃહ ઉદ્યોગમાં ગરીબ મુસ્લીમ પરિવારોની સ્થિતિનો અભ્યાસ કરી તેના કૌશલ્યવર્ધન સહિત પતંગ-નિર્માણમાં ડીઝાઇન અને રો-મટીરીયલ સંશોધન કરાવીને ગરીબ કુટુંબોના પતંગ ઉદ્યોગનું ટર્નઓવર રૂા.૭૦૦/- કરોડ ઉપર પહોંચ્યું છે. દરેકની શકિત અનુસાર તેને અવસર આપીને કૌશલ્યવર્ધન કરવાનું મોટીવેશન વાતાવરણ ગુજરાત સરકારે ઉભૂં કર્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
એ જ રીતે ટેક્ષટાઇલ મેન્યુફેકચરીંગ સેકટરમાં પણ મુસ્લીમ સમૂદાયોના સશક્તિકરણ માટે આ સરકારે ટેક્ષટાઇલ પોલીસીમાં નવા પ્રયોગો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની પરંપરાગત ટ્રેડર સ્ટેટની ઓળખ હવે મેન્યુફેકચરીંગ સ્ટેટની બની રહી છે અને ટેકનોલોજી તથા વેલ્યુ એડિશનથી ગુજરાત વૈશ્વિક બજારોમાં પોતાની બ્રાન્ડ ઇમેજ ઉભી કરે એવું આહ્વાન તેમણે કર્યું હતું.
ગુજરાત સહિત ભારતના રેડીમેઇડ ગારમેન્ટ ઉદ્યોગમાં ચીન અને બાંગ્લાદેશ કરતા આગળ વધવાની ક્ષમતા છે અને ગુજરાત સરકારે તેની ન્યુ ટેક્ષટાઇલ પોલીસી અને ફાઇવ-એફ ફોર્મ્યુલાથી કોટન ઉત્પાદક રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગમાં નિકાસકાર બની શકે છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં અગ્રણી શ્રી ઝુબેરભાઇએ ઉમ્મત બિઝનેસ કોન્કલેવનો હેતુ સમજાવ્યો હતો.
આ બિઝનેશ કોન્કલેવમાં વ્યાપાર - ઉદ્યોગ જગતના મુસ્લિમ અગ્રણીઓએ ભાગ લીધો હતો.