વિશ્વખ્યાત મેગેઝીન ફોર્બ્સના તાજેતરના મૂલ્યાંકનમાં અમદાવાદ અને ગુજરાત-બંનેને ગણમાન્ય ગૌરવ પ્રાપ્ત થયું છે.

ફોર્બ્સની યાદીમાં અમદાવાદને વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસી રહેલાં શહેરોમાં સ્થાન મળ્યું છે. જેમાં અમદાવાદ, ભારતના વિકસતા શહેરી કેન્દ્રોમાં એકમાત્ર એવું શહેર છે કે જેની માથાદીઠ આવક ભારતના અન્ય શહેરો કરતાં બમણી છે, એવું તારણ આપવામાં આવ્યું છે. ફોર્બ્સ મેગેઝીને જણાવ્યું છે કે ગ્લોબલ ઇમર્જિંગ પાવરહાઉસ (વિકાસના ઉભરતા વૈશ્વિક ઊર્જા કેન્દ્રો) તરીકે ભારતના ત્રણ શહેરો-અમદાવાદ, બેંગ્લોર અને ચેન્નાઇને નવા શહેરી યુગમાં ગણમાન્ય સ્થાન મળ્યું છે.

ફોર્બ્સ મેગેઝીને ગુજરાતને “મોસ્ટ માર્કેટ-ઓરિએન્ટેડ એન્ડ બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ” (ઉત્તમ બજારલક્ષી અને વાણિજ્ય મૈત્રીપૂર્ણ રાજ્ય)નું ગૌરવ આપ્યું છે. અમદાવાદથી ૩૦ કીલોમીટર દૂર સાણંદમાં ટાટા કંપનીના નેનો પ્રોજેકટ પશ્વિમ બંગાળથી લાવીને ગુજરાતે તેની ઔઘોગિક નીતિઓની સિધ્ધિને બિરદાવી છે.

ફોર્બ્સ મેગેઝિનના અહેવાલમાં સુશ્રી સુધામેનને જણાવ્યું છે કે, ભારતમાં પોતાની કક્ષાના અન્ય રાજ્યોના પ્રતિસ્પર્ધી શહેરોની તુલનાએ, ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓ સિંગાપોર અને મલેશિયાની કક્ષાએ ઝડપ અને સંપન્નતાથી આકાર પામી છે.

અમદાવાદમાં કેમિકલ્સ, ફાર્માશ્યૂટીકલ અને ટેકસટાઇલ્સ કંપનીઓ સાથોસાથ વિકસતા જતા ઇન્ફરર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રમાં પણ સંખ્યાબંધ વિદેશી કંપનીઓએ શહેર અને તેની આસપાસના ક્ષેત્રોમાં ઉઘોગ સ્થાપવાની પહેલ કરી છે.

છેલ્લા દશકમાં અમદાવાદે વિશ્વકક્ષાના આધુનિક શહેરની સુખાકારીની સવલત રૂપે જનમાર્ગ સાર્વજનિક પરિવહન સુવિધા(બી.આર.ટી.એસ) વર્ષ ર૦૦૯માં શરૂ કરી છે. પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમને યુ.એસ.એ.નો પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સસ્ટેઇનેબલ ટ્રાન્સપોર્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એટલું નહીં, અમદાવાદ શહેરમાં ફલાય ઓવર્સબ્રીજ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અને શહેરી પર્યાવરણને સમૃધ્ધ કરતા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ દ્વારા હરિયાળી ભૂમિના નવસર્જનનો જનસુખાકારીનો માર્ગ કંડાર્યો છે.

ધી મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટીટયૂટ (MGI) ના અંદાજ પ્રમાણે બહુ નજીકના ભવિષ્યમાં ભારતના શહેરો દેશની કુલ વસતીના ૪૦ ટકા વસતી ધરાવતાં શહેરો થવાના છે તથા ૭૦ ટકા જેટલી નવી રોજગાર-વ્યવસાયીક તકો પણ આ શહેરોમાં ઉપલબ્ધ થવાની છે. આ સંજોગો જોતાં, ચીન, યુરોપ અને અમેરિકા જેવા વૈશ્વિક રાષ્ટ્રોના શહેરોમાંથી રોકાણો-ઉઘોગોનો પ્રવાહ અમદાવાદ તરફ આવી રહ્યો છે. અમદાવાદની આ વાણિજ્ય-સફળતામાંથી ભારતના અન્ય રાજ્યોએ પ્રેરણા લેવી જોઇએ.