ગુજરાત સરકારે મેરીટાઇમ સિકયોરીટીનું સ્‍ટ્રેટેજિક પ્‍લાનીંગ કર્યું છે

બ્રિટનની MAST કંપનીએ દરિયાઇ સુરક્ષા અંગેનો પ્રોજેકટ રજૂ કર્યો

ગુજરાતના વિકાસથી પ્રભાવિત

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ભારતના ભૂતપૂર્વ બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત માઇકલ આર્થર (MR.MICHEL ARTHUR)એ સૌજન્‍ય મુલાકાત લીધી હતી અને ગુજરાતના વિકાસ-મોડેલની વિશેષતા સંદર્ભમાં મુખ્‍યમંત્રીશ્રીના દ્રષ્‍ટિવંત નેતૃત્‍વ અને સિધ્‍ધઓથી ખૂબ જ પ્રભાવિત થતા હોવાનું જણાવ્‍યું હતું. શ્રીયુત આર્થર ગયા વર્ષે જર્મનીના બ્રિટીશ રાજદૂત તરીકે નિવૃત થયા પછી મેરીટાઇમ સિકયોરિટી એન્‍ડ ટ્રેઇનીંગની વિશ્વખ્‍યાત કંપની MAST સાથે સલાહકાર તરીકે જોડાયેલા છે. MAST ચીફ એક્‍ઝીકયુટીવ ફીલીપ કેબલ ( Mr.PHILI CABLE) સાથે મુખ્‍યમંત્રીશ્રીને મળેલા શ્રીયુત માઇકલ આર્થરે ગુજરાતમાં દરિયાઇ સુરક્ષા સંદર્ભમાં MAST કંપનીના મેરીટાઇમ સિકયોરીટી પ્રોજેકટની પ્રસ્‍તુતિ કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ મુંબઇ ઉપર 26/11 ના દરિયાઇ માર્ગે આતંકવાદી હુમલાના સંદર્ભમાં ગુજરાતે દરિયાઇ સુરક્ષા અંગેનું આગોતરું વ્‍યૂહાત્‍મક આયોજન કરેલું છે તેની ભૂમિકા આપી જણાવ્‍યું કે ગુજરાતે મેરીટાઇમ સ્‍ટેટ સિકયોરિટી ફોર્સ અને મેરીટાઇમ પોલીસ સ્‍ટેશનોની પહેલ કરી છે. ગુજરાત સરકારના કોસ્‍ટલ સિકયોરિટી પ્‍લાનને ભારત સરકારે મોડેલરૂપ ગણાવેલો છે. પોર્ટ સિક્‍યોરિટી ઉપરાંત મેરીટાઇમ સિક્‍યોરીટીના ભારતીય કાનૂનો સાથે સુસંગત રહીને રાજ્‍ય સરકાર દરિયાઇ સુરક્ષા માટેના સુવિચારિત આયોજન માટે તત્‍પર છે એમ પણ તેમણે જણાવ્‍યું હતું.