ગરીબો પ્રત્યેક સરકારી તંત્રમાં સંવેદના અને ગરીબોમાં ગરીબી સામે લડવાની શક્તિ સરકારે આપી છેઃ મુખ્ય મંત્રી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યભરમાં ચાલી રહેલા ગરીબ કલ્યાણ મેળાના અભિયાનમાં લાભાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરતાં જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાએ આખા સરકારી તંત્રમાં ગરીબો પ્રત્યે સંવેદના અને ગરીબોમાં "હવે ગરીબ નથી રહેવું'નો નિર્ધાર જગાવ્યો છે.

ત્રણ લાખ ગરીબના ધરમાંથી અંધારા ઉલેચવા ઝૂંપડપટ્ટીમાં પણ મફત વીજળી આપી દીધી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અમારી આખી સરકારને ગરીબો માટે સંવેદનશીલ બનાવી છે. ગરીબના દુઃખમાં સરકાર પડખે ઉભી રહી છે. સરકારની બધી જ ગરીબલક્ષી યોજનાના લાભો સાચા હક્કદાર ગરીબને શોધીને મળી રહ્યા છે. ગરીબી સામે ગરીબોને શક્તિશાળી બનાવવાની આ સરકારની યોજનાઓ ગરીબ કલ્યાણ મેળા દ્વારા સફળ રહી છે જેની ચર્ચા આખા દેશમાં ચાલે છે, એમ તેમણે જણાવ્યું હતું.

આખા દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લાખો લાખો ગરીબો ધરવિહોણા છે પરંતુ અનેક ગરીબલક્ષી આવાસ યોજનાઓ ફળદાયી બની નથી ત્યારે દેશમાં એકમાત્ર ગુજરાતે ૦-૧૬ બી.પી.એલ. પોઇન્ટવાળા બધા જ ગરીબ પરિવારો મળીને સાડા આઠ લાખ બી.પી.એલ. કુટુંબોને પાકા મકાનો આપી પણ દીધા છે અને આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં બી.પી.એલ.ના ૧૭ થી ર૦ પોઇન્ટવાળા ગરીબોને પણ આવાસ યોજનાના લાભો આપવાની ઝૂંબેશ ઉપાડી છે. આવા અઢી લાખ ધરવિહોણા ગરીબ કુટુંબોને આવાસ સહાયના પ્રથમ હપ્તાની રકમ રૂ. ર૧,૦૦૦ આપી દેવાના હુકમો પણ કર્યા છે. બી.પી.એલ. ગરીબને પાકા આવાસો આપ્યા તે ઉપરાંત ગરીબના ઝૂંપડામાં વીજળી આપવા ત્રણ લાખ જેટલા ગરીબ ઝૂંપડાવાસીઓને મફત વીજળી જોડાણો આપી દીધા. આ માટે રૂ. ૬૦૦ કરોડનો બોજ સરકારે ઉઠાવ્યો છે, એની જાણકારી તેમણે આપી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ ગરીબના સ્વાસ્થ્યને હાનિકારક ખારાશવાળા ક્ષારયુકત દૂષિત પાણીની મુસીબતમાંથી છોડાવ્યા છે. આ સરકારે ગરીબોને પીવાલાયક શુદ્ધ પાણી આપવા મહાભગીરથ પુરૂષાર્થ કર્યો છે. પહેલા ૧૦,૦૦૦ ગામડામાં ટેન્કરોથી પાણી પહોંચાડવા સંધર્ષ કરવો પડતો. પાણીજન્ય રોગચાળા અને દૂષિત પાણીવાળા ગામોમાં શુદ્ધ પીવાલાયક પાણીના સ્ત્રોત માટે જળસંચયના અભિયાન કરીને જમીનમાં પાણીની સપાટી રિચાર્જ કરી અને ઊંચી લાવ્યા તેનાથી પણ દૂષિત પાણીની પીડામાંથી ગરીબને બહાર લાવ્યા છીએ એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં ર૦૦૧ પહેલાં પાણી માટે વલખા મારતા હજારો ગામડા અને ત્યાંની ગરીબ ગૃહિણીઓ એક પાણીના બેડા માટે આખો દિવસ ધર-ખેતર છોડીને રઝળપાટ કરતી. આદિવાસી ક્ષેત્ર હોય કે દરિયાકાંઠાના પ્રદેશોમાં પીવાના શુદ્ધ અને નર્મદાના પાણી પહોંચાડવા ઉપરાંત ગરીબના ધરના રસોડા સુધી નળ કનેકશન આપવાની ઝૂંબેશ ઉપાડી ૭૩ ટકા ગ્રામીણ ધરોમાં નળ કનેકશનો આપ્યા છે.

નર્મદાના પાણી પાઇપલાઇનથી પહોંચાડવા રર૦૦ કિ.મી. પાઇપલાઇન સહિત આંતરિક જળવિતરણની સવાલાખ કિ.મી. પાઇપલાઇનનું નેટવર્ક ઉભું કર્યું છે. ૧૧,૦૦૦ ગામડા અને ૧ર૦ શહેરોને નર્મદાનું પીવાનું પાણી કરોડો લીટર પહોંચાડાય છે. ૩૦૦ ઉપરાંત ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજના પુરી કરી છે, ૧ર,૦૦૦ જેટલી મોટી ટાંકીઓમાં પીવાના પાણીનો કરોડો લીટરનો સંગ્રહ થાય છે.

પીવાના પાણીનો જંગી પુરૂષાર્થ કરવાનું બજેટ દશ વર્ષ પહેલાં ૬૦૦ કરોડ હતું. આ સરકારે રૂ. ૩,૦૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. ગરીબના ધર-ધરમાં ઝૂંપડામાં-ફળીયામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં, આદિવાસી ક્ષેત્રોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી છે એની વિગતો આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પીવાના પાણીથી ગરીબોની તંદુરસ્તીમાં સુધારો થયો છે અને હવે તો ગામેગામ નિર્મળગ્રામ અને શૌચાલયોની ઝૂંબેશ ઉપાડી છે અને ૪૬ લાખ શૌચાલયો ગામડામાં બનાવ્યા છે. દરેક પ્રાથમિક શાળામાં શૌચાલય સંકુલો બનાવ્યા છે. રાજ્યમાં દશ વર્ષ પહેલાં માત્ર ને માત્ર ૪ ગામો નિર્મળ  ગ્રામ હતા પણ અત્યારે ૪૬૦૦થી વધારે નિર્મળ ગ્રામ બની ગયા છે. જેણે ગામડામાં સ્વચ્છતાનું વાતાવરણ સજર્યું છે અને બિમારી-રોગોથી ગરીબોને બચાવવા શુદ્ધ પાણી અને શૌચાલયોની સફળ ઝૂંબેશ ઉપાડી છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબો માટે હવે તો ગામેગામ સૌથી ગરીબ એવા પાંચ કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા બધી જ સહાય કેન્દ્રીત કરતી શ્રમયોગી યોજના શરૂ કરી છે. રાજ્ય સરકારે ગરીબી સામે લડવા ગરીબોને તાકાત આપી છે એ માટે ગરીબો હવે વ્યસનમુક્ત અને કુરિવાજોથી બહાર આવી સંતાનોને શિક્ષણ આપે એવો અનુરોધ કર્યો હતો.