ગીફટ સિટી પ્રોજેકટનું પ્રથમ સપનું સાકાર
ગુજરાતની ઉત્તમ નાણાંકીય સેવાઓની વિશ્વમાં નવી શાખ બનશે
ગીફટ સિટી નવા આધુનિક નગરોના નિર્માણ માટે રોલ મોડેલ બનશે
ર૯ માળનો પ્રથમ ટાવર ગુજરાતના વિકાસની ઊંચી ઉડાનનું પ્રતિક
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર ગીફટ સિટી પ્રોજેકટના સર્વપ્રથમ અને ગુજરાતના સૌથી ઊંચા ટાવર ગીફટ વન ટાવરનું ઉદ્દઘાટન કરતાં ગીફટ સિટી વિશ્વને ઉત્તમ નાણાંકીય સેવાઓ માટે ગુજરાતની શાખની આગવી અનુભૂતિ કરાવશે એમ નિર્ધારપૂર્વક જણાવ્યું હતું. ગીફટ સિટી, નવા આધુનિક શહેરોના નિર્માણ માટે રોલ મોડેલ બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું. પ્રતિપળ દુનિયા સાથે નાણાંકીય સેવાઓ ધબકતી રાખવાનો આ સેતુ ગુજરાતની રગમાં છલકતા નાણાંવાણીજ્યના કૌશલ્યની નવી શાખ ઉભી કરશે એવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ યુવામાનસ માટે હાઇટેક ફાઇનાન્સ સર્વિસીઝનું એક વિશાળ ક્ષેત્ર ખૂલી ગયું છે એમ પણ જણાવ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અવસરે ગુજરાતે દેશને ગીફટની ભેટ આપી છે. ગીફટ વન ટાવર આઠ લાખ ચો.ફીટ બિલ્ટઅપ એરિયામાં ૧રર મીટર ઊંચાઇનો છે જેના ર૯ માળ છે. અત્યંત આધુનિક કન્સ્ટ્રકશન ટેકનોલોજીથી નવનિર્મિત ગીફટ ટાવર નં.ર પૂર્ણતાને આરે છે અને આગામી બે મહિનમાં તેનું ઉદ્દઘાટન થશે. બંને ગીફટ ટાવરનો પ્રોજેકટ ખર્ચ રૂા. ૧૦૦૦ કરોડ અંદાજવામાં આવેલ છે
વિશ્વસ્તરની હાઇટેક ફાઇનાન્સ સર્વિસીઝ માટેની આ GIFT CITY ગ્રીન સિટી સ્માર્ટ સિટી તરીકે સાબરમતી તટે આકાર લેશે. ગુજરાત સરકાર અને ઇન્ફ્રાસ્ટ્રકચર લિન્ઝીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસીઝ (IL&FS) ના સંયુકત સાહસરૂપે GIFT સિટીનું નિર્માણ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે થઇ રહયું છે. ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજીનો ગ્લોબલ બેન્ચમાર્ક સાથે વિનિયોગ કરીને GIFT CITY પ્રોજેકટ સાકાર કરવામાં મુખ્યમંત્રીશ્રીએ વિઝનરી નેતૃત્વ પુરૂં પાડયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનો આ સૌથી મોટો ટાવર એ જ ગુજરાતની શાન નથી પરંતુ વધુ મહત્વનું છે કે વિશ્વના બદલતા નાણાંકીય ક્ષેત્રમાં ગુજરાત નાણાંકીય સેવાઓ અને તેની ઉત્તમ હાઇટેક સેવાપધ્ધતિને એવી ઉંચાઇ ઉપર લઇ જઇ રહયું છે જે વિશ્વને ગુજરાતની હાઇટેક નાણાંકીય સેવાઓના સામર્થ્યની નવી શાખ પૂરી પાડશે, એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગુજરાતીઓની નસોમાં ફાઇનાન્સ અને ગુજરાતની આંગળીઓમાં એકાઉન્ટીંગ છે. આ વિરાસતની પરંપરાને મોડર્ન ટેકનોલોજી સાથે જોડીને ગુજરાતે એક નવા જ વૈશ્વિક સેવા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. GIFT- ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એક વાઇબ્રન્ટ એન્વાયર્નમેન્ટફ્રેન્ડલી ગ્રીન સિટી બનશે એનેા સર્વાંગ સંપૂર્ણ આધુનિક નગરનો સાબરમતી તટે વિકાસ થશે. ગુજરાતની નાણાંકીય સેવાઓ સાથે સંકળાયેલી તમામ સંગઠ્ઠનસંસ્થાઓને GIFT દ્વારા દુનિયાના નાણાંકીય સેવાઓના પરિમાણો સાથે જોડવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
ભારતની નાણાંકીય સેવાઓ માટે હાઇટેક સિકયોરીટીને આવરી લઇને ગુજરાતે નાણાકીય વિશ્વમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે અને ભારતના યુવાનોની ટેલેન્ટની વિશ્વકક્ષાએ નવી શકિત ઉભરશે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના વિકાસની ભવ્ય ઊંચી ઉડાનનું આ ગીફટ ટાવર પ્રતિક છે અને વિશ્વના નાણાંઅર્થકારણના ક્ષેત્રમાં ગુજરાતની ગીફટ સિટી સિમાચિન્હ બનશે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. પ્રારંભમાં ગિફટ સિટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય સચિવશ્રી સુધીર માંકડે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.
ગિફટ સિટી પ્રોજેકટની વિશેષતાઓ વિશે સ્વાગત પ્રવચનમાં શ્રી માંકડે જણાવ્યું કે ગુજરાતને વૈશ્વિક પ્રતિષ્ઠાની ઊંચાઇએ પહોંચાડનારો આ પ્રોજેકટ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ મળી લાખો યુવાનોને રોજગાર અવસર પૂરા પાડશે. સ્ટેટ ઓફ ધ આર્ટ બની રહેનારો ગિફટ સિટી પ્રોજેકટ રાજ્ય સરકાર અને ખાનગી સંચાલકો વચ્ચે PPP ધોરણે આકાર લઇ દેશની વર્તમાન સમયાનુકુલ જરૂરિયાતો માટેનું એક ફાઇનાન્સીયલ એકટીવીટી હબ બની રહે તેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આઇ. એલ. એફ. એસ.ના વાઇસ ચેરમેન શ્રી હરિશંકરને મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વની પરિપાટીએ આ પ્રોજેકટ સાકાર થયો છે તેનો હર્ષ વ્યકત કરતાં આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે માર્ગમકાનમંત્રી શ્રીમતી આનંદીબેન, નાણાંમંત્રીશ્રી નિતીનભાઇ, મંત્રીઓ સર્વશ્રી ભૂપેન્દ્રસિંહજી, રમણભાઇ વોરા, ગણપતભાઇ વસાવા, સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી તથા આમંત્રિતો અને યુવા વર્ગ ઉપસ્થિત રહયા હતા.