રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલાએ ગુજરાતના સ્વર્ણિમ જયંતી મહોત્સવનું શાનદાર ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, બહુરત્ના ગુર્જરી સંસ્કૃતિની આ પવિત્ર ભૂમિએ પ્રત્યેક યુગમાં મહાયુગ પુરૂષોને જન્મ આપ્યો છે, તેમણે રાષ્ટ્રનો ઇતિહાસ રચ્યો છે અને રાજ્યને ગૌરવશાળી બનાવ્યું છે.

રાજ્યપાલશ્રીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, લોક સભાના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણી, લોકસભાના વિપક્ષીનેતા શ્રીમતી સુષ્મા સ્વરાજ તથા રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી અરૂણ જેટલી સહિત વિવિધ રાજ્યોના મુખ્ય મંત્રીઓ, નાયબ મુખ્ય મંત્રીઓ અને મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિમાં સ્વર્ણિમ ગુજરાત મહોત્સવનો શાનદાર શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આજનો અવસર સાચા અર્થમાં સમગ્ર ગુજરાતવાસીઓ માટે એક ઐતિહાસિક અવસર છે. કોઇપણ રાજ્યની વિકાસયાત્રામાં ૫૦ વર્ષ અવધિ કોઇ લાંબી અવધિ નથી હોતી, છતાં નિઃસંદેહ આ એક મહત્વપૂર્ણ અવધિ અવશ્ય છે, ત્યાં પહોંચીને અતીતની ઉપલબ્ધિઓ અંગે ગંભીરતાથી વિચારવાનો અવસર પ્રાપ્ત થાય છે અને ભવિષ્યની પ્રગતિ માટે પ્રેરણાનો સંચાર થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પૂ.રવિશંકર મહારાજ જેવા મનિષીના આશીર્વાદથી શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા અત્યંત ઉત્સાહવર્ધક રહી છે. તેમણે મહાત્મા ગાંધીજીને ભાવભરી સ્મરણાંજલિ આપતાં જણાવ્યું કે પૂ.મહાત્મા ગાંધીજી માત્ર ગુજરાત માટે જ નહિ પણ સમગ્ર દેશ અને જગતના લોકો માટે અપ્રતિમ પ્રેરક મહાપુરૂષ રહ્યા છે. સત્ય અને અહિંસા તથા માનવતાવાદના એમના સિધ્ધાંતો આજે પણ સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપવા માટે સમર્થ અને પ્રભાવી છે. તેમના નેતૃત્વમાં ભારતને વિશ્વની ઐતિહાસિક રકતહિન ક્રાંતિના માધ્યમથી સ્વતંત્રતા મળી છે. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, દેશની અખંડતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ આ ધરતીના મહાન સપૂત હતા. તેમની પ્રેરણાના બળથી ગુજરાતે નવી કેડીઓ કંડારી છે.

૧લી મે, ૨૦૧૦ના સ્વર્ણિમ જયંતી મહોત્સવમાં ભાગીદાર બનવા આવનારા નાગરિકોથી અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ આખે આખું વિરાટ જનતા જનાર્દનથી છલકાઇ ગયું હતું.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાનશ્રી લાલકૃષ્ણ અડવાણીજીના પ્રેરક પ્રવચનો પછી ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાની ભવ્ય પ્રસ્તુતિરૂપે વંદે ગુજરાત કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં ચાર હજાર જેટલાં કલાકારોના વૃંદોએ પોતાની કલા અને સંસ્કૃતિનું કૌશલ્ય નિખાર્યું હતું.

લોકસભામાં ગુજરાતના પાટનગર ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે અત્યંત ગૌરવની વાત છે, એમ જણાવી પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગાંધીનગરના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાશીલતા અને એ કલ્પનાને સાકાર કરવાની કર્મઠતા આગવી છે. તેમની આ કલ્પનાશીલતા અને કર્મઠતા સ્વર્ણિમ ગુજરાત મહોત્સવમાં સ્પષ્ટ દેખાય છે અને એટલે જ આ ઉજ્વણી કોઇ સરકારી ઉજ્વણી નથી બની રહી પરંતુ સમગ્ર ગુજરાતી પ્રજાની ઉજ્વણી બની રહી છે. તેમણે આ ઉત્સવને ખરા અર્થમાં લોકોત્સવ બનાવ્યો છે. અને સ્વર્ણિમ ગુજરાતનો ખરો યશ એમણે ગુજરાતી પ્રજાને આપ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સ્વર્ણિમ જયંતી મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૫૦ વર્ષની વિકાસયાત્રા પૂરી થઇ છે અને પ્રત્યેક ગુજરાતીના પ્રેમ અને પ્રદાન થકી, તમામ સરકારોના યોગદાનથી ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇઓ પર પહોંચ્યુ છે આ સૌનો ઋણ સ્વીકાર કરવાનો આ અવસર છે. તેમાં પરિશ્રમ કરનારા શ્રમયોગીઓથી લઇને મહાગુજરાતના આંદોલનમાં પોતાની કુરબાની આપી દેનારા, શહાદત વહોરનારા તપસ્વીઓના કારણે આપણને આ ગુજરાત મળ્યું છે. તે સહુનું સ્મરણ કરીને નમન કરું છું. આ ધરતી ગાંધી બાપુની ભૂમિ છે, સરદાર પટેલનું ગુજરાત વારસ છે, રવિશંકર દાદા અને ઇન્દુચાચા જેવા પ્રેરણા પુરૂષોએ ગુજરાત વિશે જે સપના સજાવ્યા છે તેને આપણે મૂર્તિમંત કરવા છે.

ભારતને શકિતશાળી બનાવવા, ગુજરાતની સ્વર્ણિમ જયંતીનો અવસર સાડાપાંચ કરોડ ગુજરાતીઓની સંકલ્પશકિત પ્રદર્શિત કરવાનો અવસર છે. સ્વર્ણિમ જયંતીના પ્રસંગે ભારતભરમાંથી અને જગતના ૫૦ દેશો તેમજ પાંચેય ખંડોનું પ્રતિનિધિત્વ ગુજરાતમાં આવ્યું છે. રાજ્ય સરકારે સ્વર્ણિમ સિધ્ધિના ૨૦૦ ક્ષેત્રોમાં પૂરી તાકાત લગાવીને ગરીબમાં ગરીબ માનવીને જીવન સુખાકારીની નવી ઊંચાઇઓ ઉપર લઇ જવાનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત ૫૦ મુદ્દાઓના લાંબાગાળાના ૧૦ વર્ષના આયોજન સાથે સ્વર્ણિમ સોપાનો મૂર્તિમંત કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. જનતા જનાર્દનની સમૂહશકિત સંકલ્પ કરે તો ગામ અને નગર બધે નાગરિક કર્તવ્યભાવનો નાદ ગૂંજે એવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. તેમણે પ્રત્યેક યુવક યુવતીને સ્વર્ણિમ વર્ષમાં ૧૦૦ કલાકના સમયદાનનું આહવાન પણ કર્યું હતું. તેમણે વાંચે ગુજરાત અને ખેલકુદ મહાકુંભ જનઅભિયાનની રૂપરેખા આપી હતી.

સ્વર્ણિમ જયંતી મહોત્સવના આ આખા વર્ષના ૩૬૫ દિવસમાં સાડાપાંચ કરોડ ગુજરાતીઓના સાડાપાંચ કરોડ સંકલ્પોથી આવતીકાલનું ગુજરાત એવી ઊંચાઇ પર પહોંચી જશે જેની સામે કોઇ તાકાત સ્પર્ધા નહીં કરી શકે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ગુજરાતની સ્વર્ણિમ જયંતીના ઉત્સવમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા લોકસભાના વિપક્ષના નેતા સુશ્રી સુષ્મા સ્વરાજ, રાજ્યસભાના વિપક્ષી નેતા શ્રી અરૂણ જેટલી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, નાયબ મુખ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેકગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલ, વર્તમાન મંત્રીમંડળના સદસ્યો, સંસદસભ્યો, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને જાહેરજીવનના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ઘણી મોટી સંખ્યામાં સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.