ગૌભકિતના સેવા મહિમા સાથે ગૌશકિતનો આર્થિક મહિમા સ્વીકારીએ

ગૌપૂજન કરીને સત્સંગી ગૌભકત પરિવારોને સંબોધન

ગુજરાત એકમાત્ર સરકાર જેણે કઠોરત્તમ ગૌવંશ રક્ષા કાનૂન અમલમાં મૂકયો

સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્દેશ છતાં કેન્દ્ર સરકારે ગૌરક્ષા કાનૂન માટે ઘોર ઉદાસિનતા દાખવી કોટનની નિકાસ માટે કિસાનો પાસેથી એક્ષ્પોર્ટ ડયુટી લેતી કોંગ્રેસી સલ્તનત મટનની નિકાસ માટે પ્રોત્સાહક સબસીડી આપે છે!

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજસ્થાનના પથવાડામાં નંદગાવ ખાતે યોજાઇ રહેલા ભારતીય ગૌરક્ષા મહામહોત્સવમાં અતિથિવિશેષ તરીકે કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ નિર્દેશ પછી પણ ગૌવંશ રક્ષાનો કાનૂન લાગુ પાડવામાં ઉદાસિન શા માટે રહી છે તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગુજરાતની વર્તમાન સરકારે તો આઝાદી પછીના હિન્દુસ્તાનમાં સ્થાપિત હિતો અને ઢોંગી બિનસાંપ્રદાયિકોની સામે સંઘર્ષ કરીને સર્વોચ્ચ ન્યાયપાલિકા પાસેથી ગૌરક્ષા માટેના કાનૂનની લડાઇ જીતી હતી એટલું જ નહીં, તાજેતરમાં આ ગૌવંશ રક્ષાનો સંપૂર્ણ કાયદો વધુ કઠોરત્તમ બનાવીને તેનો અમલ કર્યો છે પરંતુ આ દેશની કમનસિબી છે કે, સર્વોચ્ચ અદાલતના આદેશ પછી પણ, કેન્દ્ર સરકારે ગૌરક્ષા કાનૂન માટે એક કદમ પણ ઉઠાવ્યું નથી અને સર્વોચ્ચ ન્યાયતંત્રને કોઇ જાણ કરવાની દરકાર પણ લીધી નથી એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજસ્થાનમાં ઝાલોર જિલ્લામાં નંદગાવ પાસે શ્રી ગોલોક મહાતીર્થમાં યોજાયેલા આ ગોકલ્યાણ મહા મહોત્સવમાં ભાગ લેવા મળેલા નિમંત્રણનો સ્વીકાર કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નંદગામની સુરભિ મંત્ર યજ્ઞશાળા અને ગૌશાળાની પરિક્રમાં કરી હતી અને ગૌમાતાનું પૂજન તથા આરતી કર્યા હતા.

ગોપૂજન પછી ગોલોકતીર્થના સંચાલક સ્વામિ દત્ત શરણાનંદજી સાથે સત્સંગ કરીને મુખ્યમંત્રીશ્રીએ મહોત્સવમાં યોજાઇ રહેલી શ્રી રમેશભાઇજીની ભાગવત કથામાં વિશાળ સત્સંગી સમૂદાયને ગૌમાતા કામધેનુનો મહિમા અને ગૌરક્ષા સાથે ગૌસંવર્ધનની આવશ્યકતા સમજાવી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં ગૌરક્ષા માટે અને ગૌમાતાની ભકિત કાજે ભૂતકાળમાં અનેક રાજામહારાજાસંતોમહંતો, વીરપુરૂષો મહાપુરૂષોએ અને જનસમૂદાયોએ પોતાના જીવન હોમી દીધા, બલિદાનો આપ્યા અને જીંદગી ખપાવી દીધી એનો ઉજવળ ઇતિહાસ છે, તેની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે કૃષિપ્રધાન ભારત દેશમાં ગૌવંશ સંવર્ધનથી આર્થિક ગ્રામ સમૃધ્ધિ આવી શકે છે પરંતુ કમનસિબે આ દેશમાં આઝાદી પછી પણ તત્કાલિન શાસકો ગૌવંશ રક્ષાનો કાનૂન લાવવા તૈયાર નથી થતા એટલું જ નહીં, દિલ્હીની ધરતી ઉપર ગૌરક્ષા અભિયાન માટે સંતોનું લોહી વહેવડાવેલું એ કમનસિબ ઇતિહાસ છતાં મહાત્મા ગાંધીજીના નામે સત્તા ભોગવી રહેલા શાસકોનું ગૌરક્ષા કાનૂન માટે પેટનું પાણી પણ હલતું નથી!

કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગૌરક્ષાના કાનૂનની વાત તો દૂર રહી, કોટનની નિકાસ માટે ખેડૂતો પાસેથી એક્ષ્પોર્ટ ડયુટી વસૂલે છે અને ગૌમાંસમટનની નિકાસ માટે સબસીડી આપે છે એવા માર્મિક પ્રહાર કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે બાંગલાદેશમાં ભારતના ગૌવંશની મોટાપાયે દાણચોરી થતી રહી છે અને વિદેશોમાં ગૌમાંસની નિકાસ માટે સ્થાપિત હિતોને મોકળું મેદાન મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના પડોશી રાજ્યોમાં ગૌરક્ષાનો કાનૂન નથી તેથી તેની મુંબઇ લઇને નિકાસ અને હેરાફેરી ગુજરાતના માર્ગો વીંધિને થાય છે અને ગુજરાત સરકારે તો કઠોર ગૌવંશ હત્યા પ્રતિબંધ અને ગેરકાનૂની હેરાફેરીના કાયદા હેઠળ ગુજરાતમાંથી પસાર થતા ગૌમાંસ પરીક્ષણ માટે બાર જેટલી મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરી કાર્યરત કરી છે. પાસાના કાનૂનનો ઉપયોગ કરીને બસો જેટલા ગૂનેગારોને જેલમાં મોકલ્યા છે.

ગુજરાત સરકાર ગૌવંશ રક્ષા સાથે ગૌસંવર્ધન માટે પણ સતત પ્રતિબધ્ધ છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. રાજ્યના ડાંગ જિલ્લા જેવા આદિવાસી ક્ષેત્રમાં વનબન્ધુ કલ્યાણ યોજના હેઠળ વનવાસીઓના આર્થિક જીવનધોરણ ઉંચે લાવવામાં ગાયઉછેરસંવર્ધનના ફળદાયી પરિણામો આવ્યા છે અને આદિવાસીઓની આર્થિકસામાજિક સ્થિતિ સુધરતાં ધર્માંતરની પ્રવૃતિ ઉપર પણ રોક આવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં દર વર્ષે રપ૦૦થી ૩૦૦૦ જેટલા પશુ આરોગ્ય મેળાનું અભિયાન હાથ ધરીને ૧૧ર જેટલા પશુરોગો સદંતર નાબૂદ કર્યા છે. દુનિયામાં એકમાત્ર ગુજરાત પશુઓના મોતિયાની શસ્ત્રક્રિયા અને દંતચિકિત્સા કરે છે જેના પરિણામે ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં દશ વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત સરકારે કૃષિપશુપાલન આધારિત અર્થતંત્રના સંતુલન માટે નિયમિત ખેતીપશુપાલન અને વૃક્ષની ખેતી સરખે હિસ્સે કિસાનોમાં પ્રેરિત કરી છે અને તેનાથી કિસાનોને અકાળઆપત્તિ વેળાએ પણ આત્મહત્યા કરવાની નોબત આવતી નથી તેની પ્રેરક ભૂમિકા તેમણે આપી હતી. મુખ્યુમંત્રીશ્રીએ ગૌભકિત સાથે ગૌવંશની આર્થિક શકિતનો સમન્વય કરીને કૃષિપ્રધાન અર્થતંત્રને સંપણ બનાવવા અને સંતોમહંતો દ્વારા ગૌવંશ સેવા સંવર્ધન માટેના મહિમાને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય રાજસ્થાન પ્રવાસી મહાસંઘના મહામંત્રીશ્રી સુનીલ સિંગી અને સિરોહીના સાંસદ ઉપસ્થિત હતા