રાજ્ય પોલીસ દળની ઉત્તમ કામગીરીઓને જનતા સુધી પહોંચાડવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન
અમદાવાદ:સોમવાર: મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત પોલીસની ઉત્તમ કામગીરીઓ જનતા સુધી પહોંચાડવાનું પ્રેરક સૂચન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનો આખો દાયકો સમાજ જીવનમાં સુખ શાંતિનો બની રહ્યો છે. તેમાં રાજ્યના પોલીસ દળની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સમાજમાં શાંતિ અને સલામતિનું વાતાવરણ જાળવવાની પોલીસની ઉત્તમ ફરજ મહત્વનું યોગદાન રહ્યું છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજ્ય પોલીસ દળ આયોજિત પોલીસ પરિવાર સ્નેહમિલન કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છા્ઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસની ઉત્તમ કામગીરીઓ જનતા સમક્ષ મૂકવા માટે સોશ્ય્લ મીડિયા સહીત અન્ય માધ્યમોનો વિનિયોગ કરીને આ સિદ્ધિઓને વ્યકત કરવી જોઇએ. જેમાં નાનામાં નાના પોલીસ જવાનથી લઇને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કરેલી જનસેવા અને સુરક્ષા સલામતિની કામગીરીઓ જનતા સમક્ષ પ્રદર્શીત કરવી જોઇએ.
કપરા અને કઠીન સંજોગો વચ્ચે પણ ધૈર્ય અને સંયમથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી એ નાનીસુની સિદ્ધિ નથી. અને ગુજરાત પોલીસ દળ પોતાની ઉત્તમ કામગીરીઓ માટે ગૌરવ ધરાવી શકે તેમ છે.
ગુજરાત પોલીસ દળના આધુનિકરણ ઇ-ગવર્નન્સ ટેકનોલોજીના નેટવર્કથી નાગરિક સુરક્ષા માટે નવા આયામો હાથ ધર્યા છે. એની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં લોકતંત્રની ગરીમા જાળવવા માટે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા અને સમાજની સુરક્ષા માટે રાજય પોલીસ દળે સંપૂર્ણ સજ્જતા સાથે પડકારો ઝીલવાના છે. આ સંજોગોમાં તનાવમુક્ત ફરજો બજાવવા તેમણે પોલીસ જવાનો અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર પોલીસ પરિવારની સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી પ્રમોદકુમાર તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ મુખ્યસચિવ શ્રી ડૉ. વરેશ સિન્હા સાથે મુખ્યમંત્રીશ્રીનું સ્નેહમિલનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.