પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી યોગીજી મહારાજ હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ધાટન
ભારતીય સંતોએ સેવાનું અદ્ભૂત કામ કર્યું છે તેનો જોટો દુનિયામાં જડે એમ નથી -નરેન્દ્રભાઇ મોદી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં યોગીજી મહારાજ હોસ્પિટલનું આજે ઉદ્ધાટન કરતા જણાવ્યું કે ભારતીય સંતોએ સેવાનું જે અદ્ભૂત કામ કર્યું છે તેનો દુનિયામાં જોટો જડે એમ નથી. દુનિયાને આ સાંસ્કૃતિક જીવનની ધારાની અનુભૂતિ કરાવવી જોઇએ. શાહીબાગમાં બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સંસ્થા સંચાલિત પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ૧૦૦ પથારીઓની આધુનિકતમ આ હોસ્પિટલના સખાવતી દાતાશ્રીઓનું સન્માન મુખ્યમંત્રીશ્રી અને મહંતસ્વામીશ્રીએ કર્યું હતું.
આપણા સંતોએ ગુજરાતનું સ્વાસ્થ્ય, તનનું અને મનનું સ્વાસ્થ્ય સમૃધ્ધ રાખ્યું છે જેમણે ૪૦ લાખ લોકોને વ્યવસનમૂકત કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજની નશ્રિામાં આ યોગીજી મહારજ હોસ્પિટલનું નિર્માણ થયું છે જે ગુજરાતના સ્વાસ્થ્યની કાળજી રાખશે એમ તેમણે જણાવ્યું હતું. ભારતીય આરોગ્ય સેવા, ર્ડાકટરો, નર્સોની જેટલી જરૂરિયાત છે તેના પ્રમાણમાં આપણે ધણા પછાત છીએ અને અમારી સામે તેની પૂર્તિ કરવાનો મોટો પડકાર છે ત્યારે સરકારની સાથે સમાજની આ પ્રવૃત્તિ જોડાય તો સરકારનો જ બોજ ધટે છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સંતોની સેવાના કાર્યોનો દુનિયામાં જોટો જડે એમ નથી તેનું ગૌરવ વ્યકત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્રમુખસ્વામી મહારાજ અને યોગીજી મહારાજની શિષ્ય-ગુરૂભકિતની મહાન પરંપરાનો ભાવપૂર્વક ઉલ્લેખ કરી જણાવ્યું કે માનવીને સ્વાસ્થ્ય ચિકિત્સાના પાયામાં આયુર્વેદનો મહિમા આત્મસાત કર્યો છે.
તબીબી વિજ્ઞાનના કારણે માનવીની સરેરાશ ઉમંર વધી છે અને પાછલી અવસ્થામાં વ્યકિતની તંદુરસ્તી જળવાઇ રહે એ માટે મુખ્યમંત્રીશ્રીએ તબીબી શિક્ષણનું ફલક કેવું વ્યાપક વિસ્તાર્યું છે તેની રૂપરેખા આપી હતી. જિલ્લે જિલ્લે નર્સિંગ કોલેજ અને ૬૦૦૦ જેટલી બેઠકો મેડિકલ કોલેજોની ઉભી કરી છે તેમ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસની આ હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા હતા. હોસ્પિટલની વિગતો આપતાં ર્ડા વી.પી.પટેલે જણાવ્યું કે આધુનિક આરોગ્ય સુવિધાથી સજ્જ આ હોસ્પિટલમાં કુલ ૧૦૦ બેડની સુવિધા છે અને જેમાં એલોપેથી સાથે આયુર્વેદની અને પરંપરાગત સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમાં ૧૦૦ તાબીબો ૨૫૦ કરતાં વધુ પેરામેડિકલ સ્ટાફ છે. આ પ્રસંગે આ હોસ્પિટલ બનાવવામાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપનાર શ્રી પુરૂષોત્તમભાઇ ડી. પટેલ, શ્રી ફુલચંદ અગ્રવાલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભરતભાઇ બારોટ, હોસ્પિટલના તબીબો, દાતાઓ, સત્સંગીઓ તથા આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.