મુખ્યમંત્રીશ્રી - વરિષ્ઠ નાગરિકો માટેની સાર સંભાળનું આદર્શ ઊર્જા કેન્દ્ર ગુજરાત પુરું પાડશે

અડવાણીજી

શાંતિ નિકેતન જેવી વડીલો માટેની વ્યવસ્થા દેશમાં પ્રેરીત થવી જોઇએ

અમદાવાદના શ્રેષ્ઠી મહાજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટની આગવી પહેલ

વરિષ્ઠ વડીલો માટેના શાંતિ નિકેતન સિનીયર લીવીંગનું ઉદ્દધાટન

દાતાશ્રીઓનું ઉષ્માભર્યું અભિવાદન

 

પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સંસદસભ્ય શ્રી એલ. કે. અડવાણીની અધ્યક્ષતામાં આજે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અડાલજમાં શાંતિ નિકેતન સિનીયર લીવીંગ સંકુલમાં વરિષ્ઠ વડીલો માટેના આધુનિક સારસંભાળ આવાસ નવદીપ સંકુલનું ઉદ્દધાટન કર્યું હતું.

અમદાવાદના પ્રતિષ્ઠિત મહાજન શ્રેષ્ઠીઓના બનેલા ગર્વનીંગ બોર્ડ અન્વયે આ આધુનિકતમ્‍ વરિષ્ઠ નાગરિકો માટેના નવદીપ સંકુલનું બે લાખ ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ થયું છે. સરસપુર સેવા સમિતિના સહયોગમાં અમદાવાદના અખિલ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરાશે. ટ્રસ્ટ વતી શ્રી અડવાણીજી અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાતાશ્રીઓનું અભિવાદન કર્યું હતું.

શ્રી એલ. કે. અડવાણીજીએ આ શાંતિ નિકેતનને વરિષ્ઠ નાગરિકો માટે સમાજશક્તિનો એક નવો પ્રયોગ ગણાવ્યો હતો. આ એવો અભિગમ છે જેનું સફળ પરિણામ દશ વર્ષ પછી જોવા મળશે તેવો વિશ્વાસ શ્રી અડવાણીજીએ વ્યકત કર્યો હતો.

જૂની અને નવી યુવા પેઢી વચ્ચેના અંતરથી સર્જાતા સામાજિક અને પારિવારિક પડકારોનો ઉલ્લેખ કરતાં શ્રી અડવાણીજીએ જણાવ્યું કે, પરિવાર પ્રથા એ હિન્દુસ્તાનની એવી વ્યવસ્થા છે જેની દુનિયામાં પ્રસંશા થાય છે. આજના યુગમાં ન્યુકલીયર ફેમીલીના સમાજમાં શાંતિ નિકેતન જેવી વ્યવસ્થા દેશમાં અન્ય પ્રદેશોમાં પણ સમાજશક્તિ દ્વારા વિકસીત થાય તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું અને આ નવદીપ સંકુલમાંથી પ્રેરણા લઇને પરિવાર વ્યવસ્થા નવા સ્વરૂપે સંક્રમિત થાય તેવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બદલાતા સમાજજીવનના પ્રવાહોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, પ૦૦૦ વર્ષથી સમાજજીવનમાં પરિવાર પ્રથાની વ્યવસ્થામાં જ આંતર ઊર્જા અને સ્વયંભૂ પ્રાણતત્ત્વ રહેલું છે તે ભારતની બૃહદ પરિવાર વ્યવસ્થા રહી છે પરંતુ કાળક્રમે સમયની થપાટો સાથે ગુલામીકાળની મુક્તિના આંદોલનમાં સમાજ શક્તિ લપેટાઇ ગઇ હતી અને પરિવાર વ્યવસ્થામાં દિપણ થવાનો પ્રારંભ આજે માઇક્રોફેમિલી રૂપે વિસ્તર્યો છે ત્યારે પરિવારપ્રથામાં વરિષ્ઠ વડીલો દેશ કે સમાજ ઉપર બોજ બની રહેતાં નથી. ભારતમાં હજુ પરિવાર અને સમાજ વૃદ્ધો-વરિષ્ઠોને સાચવે છે. છ કરોડ જનસંખ્યામાં માંડ ૧૭૦ વૃદ્ધાશ્રમો જ ચાલે છે તેની પ્રતીતિ કરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

પેઢીઓ વચ્ચેના અસંતુલનમાં જનરેશન ગેપથી સૌથી વધુ વરિષ્ઠ વડીલો અને બાળકો ભોગ બને છે ત્યારે વરિષ્ઠ વડીલોની જેમ બાળકના સારસંભાળની નવતર સમયાનુકુળ વ્યવસ્થા ઉભી થવી જોઇએ એવી હિમાયત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંયુકત કુટુંબમાંથી વાત્સલ્ય સ્નેહ, હૂંફ મળતા ન હોય તો આ સ્થિતિ બાળ પેઢીને કયાં લઇ જશે? માઇક્રો ફેમિલી જોતા બાળક કે વડીલને કોઇના ભરોસે છોડી દેવાય નહીં. આ દિશામાં બાળઉછેર અને બાળવિકાસ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી નવી પહેલ છે.

મુખ્ય મંત્રીશ્રીએ સમાજમાં તરછોડાયેલા, બાળકો અને મહિલાઓના સ્વમાનભેર પુનઃસ્થાપન માટે બાલગોકુલમ્‍નો અભિગમ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી.

સમાજજીવનની શક્તિમાં મહાજન પરંપરા એ સેવા પ્રવૃત્ત્િાના અનેક નવા સંસ્કાર સ્વરૂપો વિકસાવ્યા છે એને પ્રેરણારૂપ ગણાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાંતિ નિકેતન સમાજમાં વરિષ્ઠ નાગરિકો માટે નવી ઊર્જા ચેતનાનું કેન્દ્ર બનશે અને નવું નજરાણું દેશને મળશે, તેમ જણાવ્યું હતું.

પ્રારંભમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉત્કર્ષ શાહે સૌને આવકારી શાંતિ નિકેતન સિનીયર લીવીંગની અભિભાવના પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ તથા વેપાર-ઉઘોગ જગતના અગ્રણીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.