રણોત્‍સવ

રવિવારે પરોઢ થતા પૂર્વે આથમતી પૂનમની રૂપેરી ચાંદની અને પરોઢિયે કેસરવર્ણા લાલરંગી સૂર્યોદયના સાક્ષાત્‍કાર કરવા સફેદ રણમાં વિહાર કરતા નરેન્‍દ્રભાઇ મોદી

આ વર્ષનો રણોત્‍સવ અનોખું સંભારણું બની ગયો

: નરેન્‍દ્રભાઈ મોદી :

પૃથ્‍વી ઉપરના અવિસ્‍મરણીય પ્રકાશ-અંધકારનો ચન્‍દ્રગ્રહણથી સફેદ રણમાં પ્રકૃતિદત નજારો

શિયાળાની શીત લહેરો વચ્‍ચે ગગનમાં બલૂન સફારી ઉડ્ડયન વિહાર

ચન્‍દ્રગ્રહણ પછી મોડી રાત્રે એક કલાક સુધી દુર્ગમમાં ચાંદનીના પર્યાવરણની આધ્‍યાત્‍મિક અનુભૂતિ

રણોત્‍સવથી કચ્‍છની સાંસ્‍કૃતિક વિરાસત વિશ્વખ્‍યાત બની ગઇ

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પરોઢ થતા પૂર્વે, આથમતી પૂર્ણિમાની રૂપરી ચાંદનીની આધ્‍યાત્‍મિક ચેતનાના સાક્ષત્‍કારમાટે આજે રવિવારની વહેલી સવારે કચ્‍છના સફેદરણમાં વિહાર કર્યો હતો. શિયાળાની શીત લહરો વચ્‍ચે રણોત્‍સવમાં રવિવારના સુપ્રભાતે સફેદરણની ક્ષિતિજો જ્‍યારે રતુંબડા કેસરભીના સૂર્યોદયથી દેદિવ્‍યમાન બની તેનો આહ્‌લાદક પરિતોષ પણ મુખ્‍યમંત્રીશ્રીએ મેળવ્‍યો હતો.

રવિવારના વહેલા પ્રભાતમાં પણ રણોત્‍સવ માણવા આવેલા દેશ-વિદેશના સહેલાણી પરિવારો પણ સફેદ રણની શ્વેતચાંદની અને તેની સાથોસાથ પૂર્વની ક્ષિતિજે ઉગતા સૂર્યના દર્શનનો અલૌકિક લહાવો લીધો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ જેમ સફેદરણમાં ચાંદની રાત કે અમાવસ્‍યાના અડાબીડ અંધકારનું અનોખું સૌન્‍દર્ય હોય છે એમ વહેલી પરોઢે શીતલ ચાંદની, તારામંડળનું દર્શન તથા એ પછી તુરત કેસરવર્ણા લાલરંગની સૂર્ય પ્રકાશિત ગગન-રણની ક્ષિતિજનું દર્શન પણ અદ્‌ભૂત નજારો છે એમ પ્રવાસન પ્રેમીઓસાથે વિહાર કરતા જણાવ્‍યું હતું.

સફેદ રણમાં રવિવારની સવારની સ્‍ફૂર્તિ અને ચેતનાને આત્‍મસાત કર્યા પછી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રણોત્‍સવમાં પહેલીવાર આકર્ષણ બનેલા બલૂન-સફારીનો ઉડ્ડયન વિહાર પણ કર્યો હતો. માગસર પૂર્ણિમાની શનિવારની રાત્રે ચન્‍દ્રગ્રહણ નિમિત્તે સફેદ રણમાં પ્રકૃતિએ રણોત્‍સવના આ વર્ષમાં પૂનમ અને અમાસના સંગમનું દિવ્‍ય પર્યાવરણ સહેલાણીઓને ભેટ ધર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ શિયાળાની શીતલતા અને રણની વિશાળતા વચ્‍ચે રેતાળ ભૂમિના હેતાળ સંસ્‍કાર સમો ‘‘વલો અસાંજો કચ્‍છ''ના સાંસ્‍કૃતિક વિરાસતની ઐતિહાસિક ગાથાની પ્રસ્‍તુતિ પ્રવાસી પરિવારોના વિશાળ સમૂદાય સાથે નિહાળી હતી. મહાભારતકાળથી આજ સુધીની માનવીય મૂલ્‍યો અને સંસ્‍કૃતિના જતનની કચ્‍છની લોકવાર્તાઓ સાથે1200 જેટલા કલાકાર કસબીઓને તેમણે બિરદાવ્‍યા હતા.

શનિવારની સંધ્‍યાએ સફેદરણમાં ચંન્‍દ્રદર્શનના વિહાર કરતા પૂર્વે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ બોર્ડર સિક્‍યોરિટી ફોર્સના જવાનોના કેમલ-શોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સાંસ્‍કૃતિ કાર્યક્રમ સંપન્‍ન થયા પછી અને ચન્‍દ્રગ્રહણ પૂર્ણ થયા બાદ મુખ્‍યમંત્રીશ્રી અને સહેલાણીઓએ સફેદ રણમાં દૂર-સૂદૂર સતત એક કલાકની પદયાત્રા કરી હતી. આમ પૂનમ અને અમાસના બંનેના પ્રકાશ-અંધકારનો સાક્ષાત્‍કાર આ વર્ષના રણોત્‍સવમાં અવેલા પર્યટક પરિવારો માટે જીવનનું સંભારણું બની ગયો હતો.

સાંસ્‍કૃતિ કાર્યક્રમનું રણમાં ઉદ્‌ઘાટન કરતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે રણોત્‍સવની લોકપ્રિયતા કચ્‍છને માટે વિશ્વ પ્રવાસનની બની છે. એક જ વર્ષમાં કચ્‍છના પ્રવાસીઓ 60,000નો આંક વટાવી ગયા છે. માંડવીમાં ક્રાંતિગુરૂ શ્‍યામજી કૃષ્‍ણ વર્માના સ્‍મારક ઇન્‍ડિયા હાઉસની મૂલાકાત સવાત્રણ લાખ લોકોએ લીધી છે. ઔદ્યોગિક ક્ષેત્રે ધબકતું કચ્‍છ હવે પ્રવાસન ક્ષેત્રે પણ વાઇબ્રન્‍ટ બની રહ્યું છે. કચ્‍છના ટુરિઝમ ડેસ્‍ટીનેશનનો લાભ રોજગાર ક્ષેત્રને વિશાળરૂપે મળશે એમ તમેણે જણાવ્‍યું હતું.

કચ્‍છના રેગિસ્‍તાનની દુર્ગમ ભૂમિ વિશે કોઇ જાણતું પણ નહોતું તેના બદલે કચ્‍છ જિલ્લો આખો રણ-દરિયો-ડુંગરા-રેતી-પથ્‍થરો-બધીજ વિરાસત આજે વિશ્વ પ્રવાસીઓને આકર્ષી રહી છે એમ તેમણે જણાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ રણોત્‍સવની અભૂતપૂર્વ સફળતા માટે કચ્‍છની જનતા અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્‍યા હતા અને સીમા સુરક્ષાદળના સહયોગની પણ પ્રસંશા કરી હતી. રણોત્‍સવમાં મુખ્‍યમંત્રીશ્રી સાથે રાજ્‍ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર, રાજ્‍ય મંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા, પ્રવાસન નિગમ અધ્‍યક્ષ શ્રી કમલેશભાઇ પટેલ, કચ્‍છના ધારાસભ્‍યશ્રીઓ તથા પ્રવાસન અગ્રસચિવ શ્રી વિપુલ મિત્રા, પ્રભારી સચિવ શ્રી જે.પી.ગુપ્‍તા સહિતના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્‍થિત હતા.