નિર્દોષ નાગરિકોને રંજાડનારાને કાયદાનો ડર હોવો જ જોઇએ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સચિવાલય જનસંપર્ક કક્ષમાં સ્વાગત ઓન-લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળીને તેમને સંતોષની અનુભૂતિ કરાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકની લેખિત રજૂઆત સંદર્ભમાં સંબંધકર્તા વિભાગના સચિવ અને જિલ્લા તંત્ર સાથે ઓનલાઇન સંવાદ કરીને નિરક્ષીર ન્યાયની અનુભૂતિ કરાવી હતી. ગુજરાતમાં સામાન્ય નાગરિક કે નિર્દોષને રંજાડનારાને કાયદાનો ડર હોવો જ જોઇએ એવી સ્પષ્ટ તાકીદ મુખ્યમંત્રીશ્રીએ વહીવટી અધિકારીઓને કરી હતી.
ગુજરતમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ નેટવર્ક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષા સુધી વિસ્તરેલું છે અને સરેરાશ ૭૮ ટકા નાગરિક રજૂઆતોનો સ્થળ ઉપર જ નિરાકરણ થાય છે. યુનોનો બેસ્ટ પબ્લીક સર્વિસ એવોર્ડ સ્વાગત ઓન લાઇન કાર્યક્રમને મળેલો છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, સંબંધકર્તા સચિવશ્રીઓ જિલ્લાઓના કલેકટરો અને પોલીસ વડાઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ શ્રી એ. કે. શર્મા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા