કૃષિમહોત્સવવિડીયોકોન્ફરન્સ

મુખ્ય મંત્રીશ્રીનો ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપ

ખેડૂતો સરકારો ઉપર ઓશિયાળા રહે નહીં એ દિશામાં કિસાનોના વ્યાપક હિતો આ સરકાર જાળવી રહી છે

શાકભાજીના વાવેતરમાં જ બમણો અને ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો

જમીનમાં વાવેતરથી કૃષિ અર્થ બજાર વ્યવસ્થા સુધી ખેડૂતો માટે અનેક યોજનાઓ છે

ઉત્તમ ખેતીની સ્પેશ્યિાલીટીની નવી દિશા ગુજરાતે અપનાવી છે

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવ અભિયાન દરમિયાન વિડીયો કોન્ફરન્સથી ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ સરકાર કૃષિ બજાર અર્થતંત્ર સુધી ખેડૂતોના વ્યાપક હિતો જાળવી રહી છે અને ખેડૂતને સરકારો ઉપર ઓશિયાળા રહે નહીં એ દિશામાં ખેડૂતોને શક્તિશાળી બનાવવા છે. વધારે પાકે તો ભાવ ધટે, ઓછું પાકે તો ભાવ વધે એવા કૃષિબજાર અર્થકારણમાં ખેડૂતોના હિતોની કાળજી આ સરકાર લઇ રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

ખેતીવાડીમાં પણ હવે સ્પેશિયાલિટી આવી ગઇ છે. નવા પાકો નવા પ્રયોગો સાથે માત્ર ધાન્ય પાકોની ખેતી એ ખેતી નથી રહી પરંતુ જુદી જુદી બાગાયત, મસાલા પાકોની શાકભાજીની ખેતી પણ આર્થિક રીતે પોષક એવી કૃષિ ઉઘોગની ખેતીની સ્પેશિયાલિટીનું બજાર બની ગઇ છે. ગુજરાતનો ખેડૂત શાકભાજીની ખેતીમાં ખૂબ જાગૃત બન્યો છે. મોટા શહેરોની આસપાસના ગામોમાં શાકભાજી પકવીને શહેરોમાં વેચવા મોકલતા ખેડૂતો મોટી સંખ્યામાં છે. ચીનમાં તો મોટા શહેરો આસપાસ શાકભાજી ખેતીની આવક ૪૦ ટકા છે અને ગુજરાતે પણ યોજના બનાવી છે જેમાં ગુજરાતના પ૦ નગરોના ગંદા કચરા અને ગંદા પાણીમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટથી ખાતર અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણી પુરું પાડીને ખૂબ સારા શાકભાજી ઉત્પાદનનું મોટું શહેરી બજાર મળશે. કુપોષણની સમસ્યા હલ કરવા પોષક શાકભાજીનો ઉપયોગ એક સાચો રસ્તો છે, એમ તેમણે જણાવ્યું હતું.

વૈજ્ઞાનિક ઢબે શાકભાજીની ખેતીને મહત્વ આપવા ઉપર ભાર મુકતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, શાકભાજીની ખેતીની આવક રૂા. ૯૦૦૦ કરોડ ઉપર પહોંચી છે. શાકભાજીના વાવેતર-ઉત્પાદનમાં ગુજરાત દેશની સરેરાશ કરતાં વધારે છે.

કૃષિ મહોત્સવની કમાલનું દ્રષ્ટાંત શાકભાજી વાવેતર વિસ્તારથી આપતાં તેમણે જણાવ્યું કે, દેશમાં આ વધારો દશ વર્ષમાં ૭૦ ટકા થયો છે. મહારાષ્ટ્રમાં તો માત્ર પ૧ ટકા થયો છે પણ ગુજરાતમાં ૧રપ ટકા શાકભાજી વાવેતર વિસ્તાર વધ્યો છે. ત્રણ ગણી શાકભાજીની ખેતી ગુજરાતમાં વધી છે. આજે ૧.૦પ કરોડ ટન શાકભાજીનું ઉત્પાદન થાય છે. શાકભાજીના સ્વતંત્ર માર્કેટ યાર્ડ બન્યા છે. શાકભાજીના પરિવહનની સીધી વ્યવસ્થા વિકસી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

શાકભાજીના વાવેતરમાં બસો ટકા પરંતુ ઉત્પાદનમાં ત્રણસો ટકા વધ્યા છે. આદિવાસી ખેડૂતો તો મંડપથી શાકભાજીની ખેતીમાં નિપૂણ બની ગયા છે એની વિગતો આપી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, શાકભાજીમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાથી ખૂબ મોટું બજાર મળી રહેવાનું છે. કેટલાય પ્રગતિશીલ ખેડૂતો આ દિશામાં મબલખ કમાણી કરી રહ્યા છે.

ખેતીમાં નવા પ્રયોગ કરનારા સફળ આદિવાસી ખેડૂતોની પ્રસંશાનો નામોલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટૂંકી જમીનમાં નેટહાઉસ/ પોલી હાઉસ, ગ્રીન હાઉસ બનાવવા અને શાકભાજી ઉત્પાદનથી ખેતી કરવા અનેક પ્રકારની સહાય મળે છે. બટાટામાં ગુજરાતે વિશ્વ રેકોર્ડ કરેલો છે. ટમેટા, ડુંગળીના ઉત્પાદનમાં બમણો, કોબીજ-ભીંડા, સુરતી પાપડી ત્રણ ગણો ઉત્પાદન વધારો છે. અમેરિકામાં તો સુરતી પાપડીનું મોટું બજાર છે.

શાકભાજીના હાલના ઉત્પાદનમાં ૬પ ટકા વધારો હજુ કરવો છે એ માટે ૬૦૦૦ જેટલા નેટહાઉસ/ગ્રીન હાઉસ છે તેને રપ,૦૦૦ સુધી લઇ જવા છે. કેન્દ્ર સરકારના સહાયના ધોરણો કરતાં વધુ ઉદાર સહાય માટે રૂા. ૩પ કરોડ ફાળવ્યા છે. ૧૦૦ હાઇટેક વેજીટેબલ નર્સરી અને પ૦ ટીસ્યુકલ્ચર લેબ શાકભાજી માટે વધારીશું. કોલ્ડ સ્ટોરેજ બાર મહિને રપ થી ૩૦ નવા ઉભા કરવા છે, એમ તેમણે જણાવ્યું હતું.

દેવીપૂજક સમાજ માટે ઉત્તમ શાકભાજી નદીના પટમાં પકવે તે માટે ઉત્તમ બિયારણ સહિતની ઉદાર સહાય આપવાની યોજના પણ મુખ્ય મંત્રીશ્રીએ રજૂ કરી હતી.

કૃષિ ઉત્પાદનમાં શાકભાજી રોકડિયા આવક છે. કૃષિ મહોત્સવે નવી દ્રષ્ટિ આપી છે, સ્પેશિયાલાઇઝ ખેતીની દિશા બતાવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.