મુખ્‍યમંત્રીશ્રીનોવડાપ્રધાનશ્રીનેવધુએકવિરોધપત્ર

સામાન્‍ય નાગરિકોની સ્‍થાવર મિલ્‍કતની તબદિલીની નોંધણી ઉપર TDS કર કપાતની કેન્‍દ્રીય દરખાસ્‍ત તાત્‍કાલિક પાછી ખેચો

કેન્‍દ્રીય બજેટની સૂચિત દરખાસ્‍ત જનહિત વિરોધી અને રાજ્‍યની આવક ઉપર તરાપ મારનારી છે

ભારત સરકારની સમવાયતંત્ર વિરોધી અને રાજ્‍યની સ્‍વાયતતા ઉપર હસ્‍તક્ષેપ કરતી કેન્‍દ્રીય નીતિઓ સામે ઉગ્ર આક્રોશ

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વડાપ્રધાનશ્રી મનમોહનસિંહને આજે પાઠવેલા પત્રમાં, આ વર્ષના બજેટમાં સ્‍થાવર મિલ્‍કતની નોંધણી માટેના ચૂકવણા ઉપર ડિડકશન ટેક્ષ એટસોર્સ (TDS) ની જે દરખાસ્‍ત કરી છે તે જનવિરોધી અને ભારતના સમવાયતંત્રના માળખાની ભાવનાનું ઉલ્લંઘન કરનારી હોવાથી તાત્‍કાલિક પાછી ખેંચી લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્‍યું છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્‍દ્ર સરકાર દેશના સમવાયતંત્રના માળખા (ફેડરલ સ્‍ટ્રકચર) અને રાજ્‍યોની સ્‍વાયતતાને વિપરીત અસર પહોચાડતા શ્રેણીબધ્‍ધ નિર્ણયો લીધા છે તે અંગે તેમણે પ્રધાનમંત્રીશ્રીનું વારંવાર ધ્‍યાન પણ દોર્યું છે.

આ સંદર્ભમાં, મુખ્‍યમંત્રીશ્રીએ આ વર્ષના કેન્‍દ્રીય બજેટમાં સ્‍થાવર મિલ્‍કતની નોંધણી માટેની ચૂકવણી ટેક્ષ ડિડકશન એટ સોર્સ (TDS) વેરો ઉઘરાવવાની જે દરખાસ્‍ત કરી છે તે રાજ્‍યની સત્તાઓ ઉપર હસ્‍તક્ષેપ કરનારી અને વ્‍યાપક રીતે જનહિત વિરોધી છે તેમ જણાવ્‍યું છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે કેન્‍દ્રના નાણાંમંત્રીએ સ્‍થાવર મિલ્‍કતની તબદિલી અંગેની નોંધણી માટે લેવાની ફી સંદર્ભમાં 1 ટકાના ધોરણે ટેક્ષ ડિડકશન કરવાની દરખાસ્‍ત કરેલી છે.

આવી મિલ્‍કતની તબદિલીના પેમેન્‍ટ અંગે કરેલું કે કરવા માટેનું ચૂકવણું (એ) નિર્દિષ્‍ટ શહેરી વિસ્‍તારોમાં આવેલી સ્‍થાવર મિલ્‍કત પ૦ લાખ રૂપિયા હોય. (બી) આ સિવાયના અન્‍ય વિસ્‍તારોમાં આવી મિલ્‍કત ર૦ લાખ રૂપિયા હોય એવા કિસ્‍સામાં, ભારત સરકાર TDS દાખલ કરવા માંગે છે તે દર્શાવે છે કે આવો વેરો પાયામાંથી જ ઉઘરાવવાનો કેન્‍દ્ર સરકારનો ઇરાદો છે, એટલું જ નહિં સમગ્ર પણે “રિયલ એસ્‍ટેટ” સેકટરમાં મિલ્‍કતોની થતી તબદિલીઓ ઉપર કેન્‍દ્રીય તંત્ર વ્‍યવસ્‍થા પ્રસ્‍થાપિત કરવાનો ઇરાદો પણ ધરાવે છે. આ સુધારો દાખલ કરવામાં ભારત સરકાર માત્ર તેની કેન્‍દ્રીય તિજોરીમાં કરવેરાની આવક વધારવાનો મૂદો જ કેન્‍દ્રસ્‍થાને રાખે છે પરંતુ તેના કારણે અન્‍ય સંબંધકર્તાઓને જે વિપરીત અસરો થવાની છે તેની કોઇ દરકાર લક્ષમાં લીધી નથી. પહેલું તો એ, કે સામાન્‍ય નાગરિકોને આના કારણે બિનજરૂરી મુસિબતોનો વ્‍યાપકપણે સામનો કરવાનો આવશે એટલું જ નહીં, મિલ્‍કતની તબદીલીના દસ્‍તાવેજોની નોંધણી કરાવવામાં જ અસહ્ય વિલંબ ઉભા થશે કારણ કે, TDS ના ચૂકવણા અને તેની કપાતના પૂરાવા ઉપલબ્‍ધ કરવાની સૂચિત પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જશે અને દસ્‍તાવેજોની નોંધણીની પ્રક્રિયા અત્‍યંત વિલંબમાં મૂકાશે.

દસ્‍તાવેજોની નોંધણી અને કરવેરાની કપાત બંનેનું સત્તાતંત્ર અલગ હોવાના કારણે સામાન્‍ય નાગરિકો માટે અનેક પ્રશ્નો ઊભા થશે, એટલું જ નહીં, સૌથી ગંભીર અસર તો રાજ્‍ય સરકારના અધિકારમાં આવતી સ્‍ટેમ્‍પ ડયૂટીની આવકની વસૂલાત જે રાજ્‍યની તિજોરીનો મહત્‍વનો હિસ્‍સો છે તેના ઉપર જ વિપરીત અસર પડશે.

મુખ્‍યમંત્રીશ્રીએ વડાપ્રધાનનું એ હકિકત પ્રત્‍યે ધ્‍યાન દોર્યું છે કે રાજ્‍ય અને કેન્‍દ્રને સંબંધીત તેમજ સામાન્‍ય જનસમૂદાયને અસરકર્તા આ મૂદા અંગે કેન્‍દ્ર સરકારે રાજ્‍યો સાથે કોઇ પરામર્શ કરવાની દરકાર કરી નથી. આના ઉપરથી એવું ફલિત થાય છે કે ભારત સરકાર માત્રને માત્ર પોતાની તિજોરી, રાજ્‍યોની નાણાંકીય આવકના ભોગે ભરવા માંગે છે. આ બાબત ફરી એકવાર કેન્‍દ્ર સરકારની સમવાયતંત્ર વિરોધી માનસિકતાનો પ્રતિઘોષ પાડે છે.

મુખ્‍યમંત્રીશ્રીએ આ તમામ મૂદૃૃાઓને ધ્‍યાનમાં લઇને કેન્‍દ્રીય બજેટમાં સ્‍થાવર મિલ્‍કતની તબદિલીની નોંધણી પર લેવાનારા સૂચિત TDS કરની કેન્‍દ્રીય દરખાસ્‍તનો વિરોધ કરીને તે તાત્‍કાલિક પાછી ખેંચવા વડાપ્રધાન સમક્ષ માંગણી કરી છે.