કેન્દ્રના વર્તમાન શાસકો ભારતની મહાન વિરાસત અને મહાપુરૂષોના ગૌરવ-ઇતિહાસની ધોર ઉપેક્ષા કરે છે- નરેન્દ્રભાઇ મોદી

ઉદયપુર - મહારાણા પ્રતાપ જન્મજ્યંતી સમારોહમાં મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજસ્થાનના જયપુરમાં મહારાણા પ્રતાપની ૪૭રમી જ્યંતીના સમારોહમાં અતિથિવિશેષ પદેથી કેન્દ્રની વર્તમાન સરકારની દેશની મહાન વિરાસત અને મહાપુરૂષોના પરાક્રમોના ગૌરવવંતા ઇતિહાસની ઉપેક્ષા કરવા માટે આકરી ટીકા કરી હતી અને જણાવ્યું કે ઇતિહાસનું ગૌરવ નહીં કરનારા નવો ઇતિહાસ રચી શકતા નથી.

૪૭ર વર્ષો પછી પણ મહારાણા પ્રતાપ આપણા હ્વદયમાં જીવિત છે અને માભોમ કાજે જીવવાનો રાહ બતાવે છે તેનો રાઝ સમજાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે રાજ પરિવારના હોવા છતાં તેમણે જીવનમાં એક ધડી પણ વિશ્રાંતિની નથી માણી, જીવનની પ્રત્યેક ક્ષણ અને શરીરનો હરેક ક્ષણ માતૃભૂમિ માટે ખપાવી દીધા હતો.

આજે રાણાપ્રતાપ જીવતા હોત તો તેમને પણ કહેવાતા બિનસાંપ્રદાયિક તત્વોએ બદનામ કરી નાંખ્યા હોત કારણ કે, આ પરાક્રમી પુરૂષે ગૌરક્ષા-નારીરક્ષા-ગૌરવ, મંદિરરક્ષા-સંસ્કૃતિ રક્ષા અને દેશરક્ષા માટે જીવન સમર્પિત કર્યું હતું. આજના એક પરિવાર પૂજાના વાતાવરણમાં આપણા પરાક્રમી પૂર્વજોના આખા ઇતિહાસને ભૂલાવી દેવામાં આવ્યો છે. શું એક જ પરિવારે બલિદાન આપેલું છે? ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા, વીર ભગતસિંહ, રાજગુરૂ, વીર સાવરકર જેવા અનેક અનેક ક્રાંતિવીરોના દેશ કાજે સમર્પિત જીવનના ઇતિહાસનું ગૌરવ કરવાની કોઇ પરવા જ દિલ્હીના શાસકોએ રાખી નથી એ આ દેશની કમનસિબી છે એમ તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું.

જે સમાજ પોતાની વિરાસત અને ઇતિહાસનું ગૌરવ કરતો નથી તે સમાજ કઇ રીતે ઇતિહાસ રચી શકે એવો સવાલ ઉઠાવીને મુખ્યમંત્રીશ્રીએ હરેક યુગમાં અનેક મહાપુરૂષોએ ઇતિહાસ રચેલો છે એનું ગૌરવ થવું જ જોઇએ તેના ઉપર ભાર મૂકયો હતો.

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે તેનું દ્રષ્ટાંત આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મેવાડના સ્થાપકના માતા વલભી-ગુજરાતના મહારાણી હતા જેના વંશજ રાણા પ્રતાપ છે. રાણા પ્રતાપના વફાદાર અશ્વ-ઐતિહાસિક ‘ચેતક’ની મા પણ ગુજરાતના કાઠિયાવાડની હતી. મહારાણા પ્રતાપ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં અરવલ્લીના ડુંગરોમાં વિજયનગરના જંગલોમાં માતૃભૂમિની રક્ષા કાજે ટેક લઇને ફરતા હતા ત્યારે તેમના સાથીઓ ભીલ આદિવાસી હતા. રાજસ્થાનને નર્મદા કેનાલમાંથી પાણી પૂરવઠો આપીને મરૂભૂમિને નવપલ્લવિત કરવાનું ગુજરાતે પૂણ્યકાર્ય કરેલું છે.

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર ઉપર પિન્ક રિવોલ્યુશન દ્વારા પશુઓની કતલ કરીને દેશની સંસ્કૃતિનો નાશ કરવા માટેના કારસાનો આક્ષેપ કર્યો હતો. મટનની નિકાસ માટે સબસીડી આપવાની કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. અને ગુજરાતે તો ગૌવંશ રક્ષાનો કાયદો કર્યો અને શ્વેતક્રાંતિ તથા કૃષિક્રાતિનું નેતૃત્વ કર્યું છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્રની સરકારે ભારતની વિરાસત અને ઇતિહાસના ગૌરવને જાળવવા પ્રયાસો કર્યા નથી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મોતી મગરીમાં રાણા પ્રતાપની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા.