વનવાસી ક્ષેત્ર ઝંખવાવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ

મુખ્ય મંત્રીશ્રીએ રપ૧ નવયુગલોને સુખી દામ્પત્યની શુભેચ્છા આપી

સમૂહલગ્નોને મળી રહેલી વ્યાપક સમાજ સ્વીકૃતિઃ સમૂહ લગ્નોના તલસ્પર્શી ઉત્તમ આયોજન માટેનું શાસ્ત્ર વિકસાવીએ

ગુજરાતના આગામી દશકાના વિકાસમાં શિક્ષિત આદિવાસી નવી પેઢી - નવી તાકાત બનશે

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમૂહલગ્નોને મળી રહેલી વ્યાપક સમાજ સ્વીકૃતિને આવકારતાં એવું પ્રેરક સૂચન કર્યું હતું કે, સમૂહલગ્નોના ઉત્તમ આયોજન માટેનું વૈજ્ઞાનિક શાસ્ત્ર વિકસાવવાની જરૂર છે.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત જિલ્લાના ઝંખવાવમાં સહારા માનવકલ્યાણ ટ્રસ્ટ વાડીના ઉપક્રમે યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને રપ૧ નવયુગલોને સુખી-સંપન્ન દાંમ્પત્યની શુભેચ્છા પાઠવી હતી. વનવાસી ક્ષેત્રમાં સમૂહલગ્નોની સામાજિક સ્વીકૃતિને આવકારતાં તેમણે જણાવ્યું કે, સમૂહલગ્નના સમગ્રતયા તલસ્પર્શી આયોજન અંગેનું વૈજ્ઞાનિક શાસ્ત્ર હવે તૈયાર કરવાનો પણ સમય પાકી ગયો છે.

મંત્રીશ્રીએ રપ૧ નવયુગલોને સુખી દામ્પત્યની શુભેચ્છા આપી સમૂહ લગ્નોને મળી રહેલી વ્યાપક સમાજ સ્વીકૃતિઃ સમૂહ લગ્નોના તલસ્પર્શી ઉત્તમ આયોજન માટેનું શાસ્ત્ર વિકસાવીએ ગુજરાતના આગામી દશકાના વિકાસમાં શિક્ષિત આદિવાસી નવી પેઢી - નવી તાકાત બનશે

 

સમૂહલગ્નની સમાજ વ્યવસ્થાને ગુજરાત સરકાર ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને દરેક નવદંપતિની સૌભાગ્યકાંક્ષી કન્યાને અપાતી રૂ. પ૦૦૦ની સહાય બમણી કરીને રૂ. ૧૦,૦૦૦ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

સમૂહલગ્નમાં હવે સાધનસંપન્ન પરિવારોની નવી પેઢી પણ જોડાય છે જેણે સમૂહલગ્નોત્સવને નવી પ્રતિષ્ઠા અપાવી છે. એને પણ આવકારતાં મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, સમૂહલગ્નની પ્રથાએ સમાજમાં આર્થિક ખર્ચા, દુર્વ્યય, કુરિવાજોની સ્થિતિમાં સુધારાત્મક માનસિકતા ઉભી કરી છે. ખાસ કરીને ગરીબ પરિવારોમાં લગ્નોત્સવના ખોટા ખર્ચા માટે દેવા-વ્યાજના ચક્કરમાંથી બહાર આવવાની દિશા અપનાવવામાં આવી છે.

મુખ્ય મંત્રીશ્રીએ આદિવાસી ક્ષેત્રમાં દીકરી-દિકરા વચ્ચે ભેદભાવ નથી અને ભ્રૃણહત્યાના પાપનો ભાગીદાર આદિવાસી સમાજ બન્યો નથી એનું ગૌરવ વધારતાં જણાવ્યું કે, સુખી સંપન્ન અને સુશિક્ષિત પરિવારોમાં પણ માના પેટમાં દિકરીને મારી નાખવાનું ભ્રૃણહત્યાનું પાપ ચાલે છે.

ગુજરાતની આવતીકાલને ધડવામાં વનવાસી આદિવાસીઓની નવી પેઢી એક ખૂબ મોટું પરિબળ બની રહેશે એવો દ્રઢ વિશ્વાસ મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. આદિવાસીઓની નવી પેઢીમાં દીકરાઓ સાથે દીકરીઓ પણ ઉમરગામથી અંબાજીના આખા પૂર્વપટ્ટામાં શિક્ષણની ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની સુવિધાઓનો લાભ લઇ રહી છે. છેલ્લા દશ વર્ષમાં ગુજરાતના બધા જ ૪૩ આદિવાસી તાલુકામાં આઇ.ટી.આઇ અને વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરી દીધી છે. અગાઉ આદિવાસીઓ માટે મેડીકલ-એન્જીનીયરીંગમાં અનામતની જોગવાઇ હતી પરંતુ ધરતી ઉપર વિજ્ઞાન શિક્ષણની આદિવાસીઓ માટે કોઇ જોગવાઇ જ નહોતી. આ સ્થિતિ આ સરકારે બદલી નાંખી છે. આજે ૮૦ જેટલા આદિવાસી યુવાનો વિદેશમાં સરકારની સહાયથી અભ્યાસ કરે છે.

મુખ્ય મંત્રીશ્રીએ દશ વર્ષ પહેલાં વિકાસના ટુકડા ફેંકીને આદિવાસીઓને ઓશિયાળા બનાવી દેવાયેલા તેની ભૂમિકા આપી જણાવ્યું કે, આજની સરકાર વનબંધુ યોજના દ્વારા આદિવાસીઓને વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવી રહી છે. વનબંધુ યોજના આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦,૦૦૦ કરોડની અમલમાં મુકી છે. ભૂતકાળમાં આદિવાસી યુવાનો ભારત માતાની સુરક્ષા કાજે માત્ર આઠ ટકા યુવાનો જ લશ્કરમાં જોડાતા. આજે સરકારે તેમની લશ્કરમાં જોડાવા માટેની પૂર્વતૈયારીની તાલીમની વ્યવસ્થા કરીને લશ્કરમાં જોડાવાની આદિવાસીની ટકાવારી ૩પ થી ૪૦ ટકા ઉપર પહોંચાડી છે, એમ પણ જણાવ્યું હતું.

સમૂહલગ્નોનો વ્યાપ વધતાં સમાજમાં દીકરીને બોજરૂપ ગણવાનું અટકશે તેવી લાગણી વ્યકત કરતાં કેવલ જ્ઞાનપીઠ, સારસારના આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજે લક્ષ્મી સ્વરૂપ દીકરીઓની ભ્રૃણહત્યા ન કરવાનો સંકલ્પ લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આદિવાસી સંસ્કૃતિ માનવ સંસ્કૃતિનું મૂળ છે અને સંગઠન તથા શિક્ષણ જ સમાજને સર્વોચ્ચ વિકાસ તરફ દોરી જશે તેવી લાગણી વ્યકત કરતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આદિજાતિઓના સર્વોચ્ચ વિકાસની સહુથી વધુ ચિંતા સેવનારા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સવાયા આદિવાસી પુરવાર થયા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતનો આદિજાતિ વિકાસ દેશમાં ઉદાહરણરૂપ બન્યો છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સાંસદ શ્રી ભારતસિંહજી પરમારે આદિવાસી સમાજના વિકાસ માટે શિક્ષણને અનિવાર્ય ગણે તેવી ભલામણ કરતાં જણાવ્યું હતું કે, આ આયોજન સંત સમાજ અને દીકરીઓના આશીર્વાદ સમાન છે. આ પ્રસંગે વિવિધ સંતો, મહંતો, સંસ્થાઓ, વગેરેએ કન્યા કેળવણી નિધિ માટે રૂ. ૧ર લાખથી વધુ રકમનું યોગદાન અર્પણ કર્યું હતું.

આ સમૂહલગ્નોત્સવ પ્રસંગે નવદંપતિઓને શુભાશિષ આપનારાઓમાં સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના સ્થાપક શ્રી અમરસિંહભાઈ વસાવા, સંસદીય સચિવ શ્રી હર્ષદભાઈ વસાવા, કિશોરભાઈ વાંકાવાળા, ભારતીબેન રાઠોડ સહિત ધારાસભ્યશ્રીઓ, સુરત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી અજયભાઈ ચોકસી સહિત પક્ષ પદાધિકારીઓ, નવદંપતિઓના પરિવારજનો, મહોત્સવ આયોજનના સહભાગી દાતાઓ, નિગમના અધ્યક્ષો, પૂર્વ સાંસદો, સામાજિક અગ્રણીઓ, જિલ્લા કલેકટર શ્રી એ. જે. શાહ સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ જનસમુદાય હાજર રહ્યા હતા.