મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આજે ફ્રાંસની વિશ્વખ્યાત ઓટો કંપની પિજીયોટનો સાણંદ નજીક ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા માટેના રાજ્ય સહયોગના સમજૂતિ કરાર Peugeot કંપની અને ગુજરાત સરકાર વચ્ચે સંપન્ન થયા હતા.

રૂ. ૪૦૦૦ કરોડના મૂડીરોકાણ સાથે પિજીયોટ ઓટો કંપનીનું ગુજરાતમાં કાર મેન્યુફકેચરીંગ ક્ષેત્રે આગમન થયું છે અને સાણંદમાં નેનો કાર તથા ફોર્ડ કાર કંપની પછી હવે ફ્રાન્સની પિજીયોટ કંપનીનો ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ પ્રોજેકટ સ્થપાશે. જેમાં વાર્ષિક રૂ. ૩.૪૦ લાખ આધુનિક વાહનો, ત્રણ લાખ ઓટો એન્જીનો અને ત્રણ લાખ ગિયર બોક્ષનું ઉત્પાદન થવાનું છે. પિજીયોટ કંપનીનો પ્રોજેકટ કાર્યાન્વિત થતાં એકંદરે પ,૦૦૦ જેટલા કુશળ રોજગારીના અવસર પ્રાપ્ત થશે.

મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પિજીયોટ કંપનીના ચેરમેન શ્રીયુત ફિલીપ વેરિન Mr. PHILIPPE VARIN અને રાજ્યના ઉઘોગ અગ્ર સચિવ શ્રી એમ. શાહુ વચ્ચે આજે આ પ્રોજેકટ માટે રાજ્ય સહયોગના સમજૂતિ કરાર થયા હતા. ઉઘોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ પિજીયોટ કંપનીના ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવાના આ અવસરને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાત ગ્લોબલ ઓટોહબ બની રહ્યું છે અને સાણંદના ઓટો ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાંથી ટાટા નેનો ઉપરાંત ફોર્ડ કંપની અને પિજીયોટના વાહનોની વિશ્વ બજારોમાં નિકાસની સુવિધાની ક્ષિતિજો સાકાર થતાં ગુજરાતનું સાણંદ હવે લાર્જેસ્ટ ઓટો સપ્લાયર એન્ડ એક્ષ્પોર્ટ હબ બની રહેવાનું છે. ગુજરાત ગ્લોબલ ઓટો હબ બનવાની ક્ષમતા ધરાવે છે તેની દુનિયાને પ્રતીતિ થઇ રહી છે.

ગણેશ ચતુર્થીના પૂનિત પર્વે વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદથી બધા જ અવરોધોનો અંત આવે છે એવો નિર્દેશ આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, હજુ ગયા મહિને અમેરિકાની ફોર્ડ કંપનીનો ઓટો કાર પ્રોજેકટ ગુજરાતમાં સ્થાપવાના કરાર થયા હતા અને આજે ફ્રાન્સની કંપનીનો પ્રવેશ થયો છે. ગુજરાત માત્ર દેશ-વિદેશોના પૂંજીનિવેશકો માટેના આકર્ષણનું જ નહીં, વિવિધ ક્ષેત્રોમાં ગ્લોબલ માર્કેટ માટેનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે અને હવે ગુજરાત ઓટો એક્ષ્પોર્ટ માટેનું ગ્લોબલ હબ બની ગયું છે. ગુજરાતના ઓટો મેન્યુફેકચરીંગના પરંપરાગત ઔઘોગિક ક્ષેત્ર ઉપર ઓટો સપ્લાય અને ઓટો ટેકનોલોજી અપગ્રેડેશનનો મોટો પ્રભાવ સાણંદમાં થવાનો છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે. હજુ બીજી ઓટોમોબાઇલ કંપનીઓ પણ ગુજરાતમાં ભાગીદાર બનવાની છે.

ગુજરાતમાં ઓટો એન્જીનિયરીંગ મેન્યુ ફેકચરીંગ માટેનો વિશાળ અવકાશ જોતા ઓટો સ્કીલ ડેવલપમેન્ટનું નવું સેકટર પણ ખુલી ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં, પિજીયોટ કંપની પણ જાહેર-ખાનગી ભાગીદારીથી સાણંદમાં ઓટોમોટીવ સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ સ્થાપીને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં Skill ટેકનો ઇનોવેશનની પહેલ કરશે એવી અપેક્ષા મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

આશરે પ૮૪ એકર જમીન ઉપર આકાર લેનારા પિજીયોટ ઓટો પ્રોજેકટને ભારતમાં આ પ્રકારનો સૌ પ્રથમ પ્રોજેકટ ગણાવતાં પિજીયોટ કંપનીના ચેરમેન શ્રીયુત ફિલીપ વેરીને જણાવ્યું કે, ગુજરાતની પસંદગી કરીને ભારતમાં પિજીયોટ કંપનીનું પ્રોજેકટ વિસ્તરણ સીમાચિન્હરૂપ બની રહેશે. ભારત સને ર૦ર૦માં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટીવ સેકટરનું માર્કેટ બની રહેવાનું છે અને ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રગતિશીલ શાસનથી જે પ્રોએકટીવ બિઝનેસ એન્વાયર્નમેન્ટ, ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને કાર ખરીદનારા માટેના બજારનું ભૌગોલિક કેન્દ્રબિન્દુ છે તે જોતાં, પિજીયોટ અને ગુજરાતની ભાગીદારી પરસ્પર સમૃદ્ધિને સંવર્ધિત કરશે. ગણેશચતુર્થીના પર્વ પ્રસંગે ગુજરાતમાં નવા ""સિંહ'' Peugeotનું આગમન થઇ ગયું છે, એમ તેમણે સહર્ષ જણાવ્યું હતું.