મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો પ્રત્યેક તાલુકો વિકાસ માટે પોતાનો ભાગ્યવિધાતા બને એવા નિર્ધાર સાથે તાલુકા સરકારનું ગૌરવરૂપ મોડેલ ઉભૂં કરવા તાલુકા ક્ષેત્રના તમામ અધિકારીઓને પ્રેરક આહ્‍વાન કર્યું છે.

સક્ષમ વિકેન્દ્રીત તાલુકા પ્રશાસનની ક્રાંતિકારી વિભાવનાને સાકાર કરવા રાજ્યના તમામ રરપ તાલુકામાં “આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો-“નો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ થયો છે. તાલુકા સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવા માટે તાલુકાના તમામ અધિકારીઓ સક્ષમ તાલુકા ટીમ તરીકે પોતાના સામર્થ્ય અને શકિતની પ્રતીતિ કરાવે તે માટેનું માર્ગદર્શન આપવા આજથી ગુજરાતમાં ત્રણ દિવસ માટે ત્રણ વિભાગીય સેમિનારો યોજવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનો સેમિનાર આજે રાજકોટમાં યોજવામાં આવ્યો હતો અને આઠ જિલ્લાઓના તમામ તાલુકાઓના મળીને ૬૦૦ જેટલા તાલુકા અધિકારીઓની રર જૂથ ચર્ચાઓ યોજીને તાલુકાનો સમગ્ર વહીવટ સમર્થ અને શકિતશાળી બને તે માટે આયોજન રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી તથા મહેસૂલ અગ્રસચિવશ્રી પી. પનીરવેલ સહિત રાજ્ય તથા જિલ્લા કક્ષાના અધિકારીઓએ "આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો' વિશેની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પનાને મૂર્તિમંત કરવાની સવિસ્તર ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છના આ ક્ષેત્રિય સેમિનારમાં વિડિયો કોન્ફરન્સથી ગાંધીનગરથી જ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. ગુજરાત આજે ર૧મી સદીના પ્રથમ દશકમાં વહીવટ અને વિકાસની નવતર સિધ્ધિઓ અને સફળ આયામો સાથે નવી ઊંચાઇ ઉપર પહોંચ્યું છે અને તેમાં ટીમ ગુજરાત તરીકે રાજ્યો રાજ્યો વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધામાં અગ્રેસર રહ્યું છે એમાં ર૬ જિલ્લાઓના વહીવટીતંત્રની ટીમોએ આધારસ્થંભ બનીને દશ વર્ષથી ગુજરાતના વિકાસનું વિઝન સાકાર કરીને ટીમ ગુજરાતની સમર્થતા પૂરવાર કરી છે હવે, રાજ્યના રરપ તાલુકા પણ વાઇબ્રન્ટ બને, પોતાના વિકાસ માટેનું સર્વાંગીણ દર્શન અને જનસામાન્યની પ્રત્યેક સમસ્યાના સમાધાન માટેની શકિત પ્રદર્શિત કરે એવી નેમ રાખી છે. રરપ તાલુકાના આધારસ્થંભ ઉપર ઉભેલું ગુજરાત પ્રગતિની કેવી ઊંચાઇ સર કરશે એનું ગૌરવ, તાલુકા સરકારનું નેતૃત્વ લેનારા, પ્રજાશકિતને વિકાસમાં પ્રેરિત કરનારા અને સમસ્યાના સમાધાનથી તાલુકાની આગવી તાકાત બતાવનારા અધિકારી તરીકે લેવા તેમણે પ્રેરણા આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સંસાધનોની કોઇ કમી નથી પરંતુ માત્ર વિભાગોની યોજનાઓનું સુચારૂ અમલીકરણ અને ભૌતિક માળખાકીય સુવિધા વિકાસ પુરતો સીમિત ઉદ્‍ેશ “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા''નો નથી જ. તાલુકાના પ્રત્યેક ગામમાં વિકાસનો ધબકાર ઝીલાય અને છેવાડાના સામાન્ય માનવીની જીંદગીમાં બદલાવ આવે, તાલુકાની તમામ વહીવટી શકિત પૂરા મિજાજની ટીમ તાલુકાની તાકાત વિકાસના વિઝનને નિતનવા આયામો સાથે સાકાર કરે એવી અપેક્ષા છે.

“રોજબરોજના કામોમાં અડચણો આવશે, અંતરાયો આવશે, અગ્રતાક્રમ બદલાશે પરંતુ આ આપણું લક્ષ્ય કયાંય વિચલિત નહી થાય તેવા મક્કમ નિર્ધાર સાથે તાલુકા સરકારનું સામર્થ્ય ઉભૂં કરવું છે'' એવી પ્રેરણા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે તાલુકા ગરીબ કલ્યાણ મેળાએ તાલુકા ટીમની શકિતને સફળતાથી પ્રદર્શિત કરી છે, આજ ક્ષમતા અને પ્રતિબધ્ધતા સાથે તાલુકામાં વિકાસની તંદુરસ્ત સ્પર્ધાનું અને પ્રજાશકિતને પ્રેરિત કરવા માટેના વિશ્વસનિય નેતૃત્વનું વાતાવરણ ઊજાગર કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ત્રણેય ઝોનલ સેમિનારોના મળીને રરપ તાલુકાના એકંદર બે હજાર જેટલા તાલુકા અધિકારીઓ સામૂહિક મંથન કરીને પોતાના તાલુકામાં જાય અને સંબંધકર્તા જિલ્લાઓની પંચાયતોના પ્રમુખશ્રીઓ અને પદાધિકારીઓ સહિતની ટીમ દરેક તાલુકામાં આગવી શકિત અને ક્ષતિઓનું મૂલ્યાંકન કરે અને વિકાસનું ર૦૧પ સુધી વિઝન ધડીને અમલમાં મૂકે તેવું પ્રેરક સૂચન કર્યું હતું. દરેક તાલુકો એક સપ્તાહમાં એક ઉત્તમ કાર્ય કરે તો પણ, મહિનામાં રરપ તાલુકાના ૧૦૦૦ ઉત્તમ કામોથી તાલુકાની વિકાસની આખી તાસીર અને તકદીર બદલાઇ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

તાલુકા ટીમને પૂરતા સંસાધનો અને નિર્ણાયક મોકળાશથી કામ કરવાનો આ અનેરો અવસર છે અને હિંમતપૂર્વક નવા આયામોનો અમલ કરતાં કોઇ ભૂલ થઇ જાય તો તેને સુધારી લેવાની પણ તક છે, એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ સહિયારા પુરૂષાર્થ અને સામૂહિક પરિશ્રમથી ખૂટતી કડીઓ એકત્ર કરીને, જોડીને તાલુકાને વિકાસના ઉત્તમ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરે તે માટેના વિવિધ સૂચનો તેમણે કર્યા હતા.

આપણે એવા પ્રત્યેક તાલુકાના વિકાસની સ્પર્ધા કરીએ જેમાં આખો દેશ તાલુકાની ઉત્તમ શકિતને નિહાળવા પ્રેરિત થાય એવું પણ આહ્્‍વાન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકા ટીમના સૌ હોનહાર અને ઉત્તમ વ્યવસ્થાપન અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક તાલુકાની પ્રજાશકિતને તાલુકા સરકારના અભિગમને સાર્થક કરવા માટે જોડવાની પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક તાલુકામાં વિકાસની દ્રષ્ટિને વરેલા સામાજિક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને અન્ય સેવા ક્ષેત્રોનો આગેવાન સમૂહ સારા કામની સુવાસ ફેલાવામાં પોતાનું ઉત્તમ યોગદાન આપે તેવા વાતાવરણનું નિર્માણ કરવું છે અને મૌલિક યોગદાન માટે સમાજની શકિતને પ્રેરિત કરવી છે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ માટે જનશકિતનો આટલો વ્યાપક અને ઉમદા સહકાર મળી રહ્યો છે. કોઇ અવરોધ નથી, ત્યારે આપણે ટેકનોલોજીના સેવા સુવિધાના નેટવર્કથી પબ્લીક ડિલીવરી સીસ્ટમમાં છેક ગ્રામ્યસ્તર સુધી પ્રશાસનિક વહીવટી ક્ષમતાનો પરિચય કરાવીએ.

મુખ્યમંત્રીશ્રી આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના બધા તાલુકા અધિકારીઓના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા આવા જ સેમિનારમાં માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેશે.