ગુજરાત ગૌરવ દિવસ
ભારતનાં વિકાસ માટે ગુજરાતનો વિકાસ
પ્રિય મિત્રો,ગુજરાત ગૌરવ દિવસનાં અવસર પર આપ સૌને અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. વર્ષ ૧૯૬૦ માં ૧ લી મે નાં રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો. આજનો દિવસ એક બાજુ વીતેલા વર્ષો ઉપર નજર નાંખવાનો તો બીજી બાજુ વધુ સશક્ત, વધુ વાઈબ્રન્ટ અને વધુ વિકસીત ગુજરાતનાં નિર્માણ માટે આગળ નજર દોડાવવાનો છે. આજનાં દિવસે, મહાગુજરાત આંદોલનમાં પોતાની જાત હોમી દેનાર પ્રત્યેક શેરદિલ વ્યક્તિઓને આપણે સલામ કરીએ છીએ; આપણે સલામ કરીએ છીએ એ તમામ મહાન નર-નારીઓને જેમણે ઝળહળતા ગુજરાતનાં નિર્માણ માટે સામી છાતીએ ગોળીઓ ઝીલી લીધી હતી. આપણા માટે એ ગૌરવની વાત છે કે એ મહાન નર-નારીઓની કુરબાનીને ગુજરાતે એળે નથી જવા દીધી.
તમામ વિધ્નો છતાં પણ ગુજરાત વિકાસનાં પથ ઉપર આગળ વધતું રહ્યું છે. મસમોટી મુશ્કેલીઓ આવી, પણ આપણા રાજ્યે આ તમામ આપત્તિઓને અવસરમાં પલટી નાંખી અને સર્વાંગી વિકાસ સાધ્યો. આજે ગુજરાત સમગ્ર દુનિયામાં વિકાસનો પર્યાય બની ગયું છે. અને આ વિરાટ વિકાસનાં પાયામાં છ કરોડ ગુજરાતીઓની શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના રહેલી છે. ગુજરાતનાં ખૂણેખૂણામાં આશા અને હકારાત્મકાની લહેર ફેલાઈ ગઈ છે. પણ આપણે અહીંથી અટકવું નથી. વિકાસની ગતિ હજી તેજ કરવાનો આપણો દ્રઢ નિર્ધાર છે, જેથી ગરીબમાં ગરીબ માણસ પણ આ વિકાસયાત્રાનો સક્રિય ભાગીદાર બની શકે. વિકાસ એ જ આપણો એકમાત્ર મંત્ર છે, આપણું એકમાત્ર સ્વપ્ન છે.
આવો, આપણે સૌ ભેગા મળી ‘સૌનો સાથ, સૌનો વિકાસ‘નાં મંત્ર સાથે આગળ વધીએ. ભારતનાં વિકાસ માટે ગુજરાતનો વિકાસ કરવો એ આપણું ઉદ્દેશ્ય છે. આજનાં આ ઐતિહાસિક દિવસે, ગઈકાલ સાંજનાં મારા જનતાજોગ સંદેશને હું અહીં મુકી રહ્યો છું.
Video of Shri Narendra Modi's message on the eve of Gujarat Gaurav Diwas
જય જય ગરવી ગુજરાત! ભારત માતા કી જય!નરેન્દ્ર મોદી
Read Shri Narendra Modi’s message on eve of Gujarat Gaurav Diwas in text