પ્રો. જગદીશ શેઠની ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના વિકાસવિઝન સાથે નિકટતા ધરાવતી વ્યૂહરચના 

વિશ્વખ્યાત પ્રો. જગદીશ શેઠનું હાર્દરૂપ પ્રવચન 

 ગુજરાત કઇ રીતે ગ્લોબલ બિઝનેસ ડેસ્ટીનેશન બને ?   

ગુજરાત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પોતાનું નિર્ણાયક સ્થાન લે એવી બધી જ ક્ષમતા - સંભાવના છે : નરેન્દ્રભાઈ મોદી  

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થકારણમાં ગુજરાત પોતાનું નિર્ણાયક સ્થાન લઇ શકે એવી બધી જ ક્ષમતા આપણામાં છે. આપણે ગુજરાતની બ્રાન્ડ ઇમેજ મેઇડ ઇન ગુજરાતની ઓળખ ઉભી કરીશું.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટર૦૧૩ ના ભાગરૂપે મહાત્મા મંદિરમાં નિષ્ણાંત પ્રવચનોની વ્યાખ્યાન શ્રેણીમાં આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રા પ્રો. જગદીશ શેઠના હાર્દરૂપ પ્રવચનનું સમાપન મુખ્ય મંત્રીશ્રી કરી રહ્યા હતા. 

પ્રો. જગદીશ શેઠે ગુજરાત ગ્લોબલ બિઝનેસ ડેસ્ટીનેશન કઇ રીતે બને તેની વ્યૂહાત્મક ક્ષમતાના આઠ મુદ્દા પ્રસ્તુત કર્યા હતા.  સ્પર્ધાત્મક વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ગુજરાત પાસે ચાર સ્પર્ધાત્મક પ્લસપોઇન્ટ છે તેની ભૂમિકા આપતાં પ્રો. જગદીશ શેઠે જણાવ્યું કે, ગુજરાત પાસે સંસાધન  Resources, વ્યૂહાત્મક ભૂમિ - (Location), ગુજરાતી એન્ટરપ્રિનિયોરશીપ અને નેતૃત્વ (લીડરશીપ)ની આગવી ક્ષમતાના એડવાન્ટેજ પોઇન્ટ છે. 

પ્રો. જગદીશ શેઠે જણાવ્યું કે, (૧) અસંગઠ્ઠિત માર્કેટમાંથી સંગઠ્ઠિત બજાર વિકાસ, (ર) બિઝનેસ  એકાઉન્ટીંગ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ, (૩) સ્થાનિક અને વૈશ્વિક બૌદ્ધિક પ્રતિભા આકર્ષિત કરવા, (૪) કોસ્મોપોલીટન કલ્ચર વિકસાવવા, (પ) પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ સુદ્ઢ અને વ્યાપક બનાવવા, (૬) વિશ્વકક્ષાની ઇન્સ્ટીટયુશનો વિકસાવવા, (૭) ગ્લોબલ માઇન્ડસેટ અને બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરવા અને (૮) ગુજરાતની સકારાત્મક ગ્લોબલ ઇમેજ (વૈશ્વિક શાખની બ્રાન્ડ) ઉભી કરવાના પ્રેરક દિશા નિર્દેશ કર્યા હતા.  પ્રો. જગદીશ શેઠે વિશ્વ અર્થવ્યવસ્થાના સ્પર્ધાત્મક યુગમાં કઇ રીતે ર૦ર૦ સુધીમાં નવા આર્થિક - સામાજિક સમીકરણો આકાર લેશે અને તેમાં ચીન, ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થા કેવી ભૂમિકા નિભાવશે એનું વ્યૂહાત્મક વિશ્લેષણ રજૂ કર્યું હતું.  પ્રો. જગદીશ શેઠે જણાવ્યું કે, ર૦ર૦ પછી ચીનનો આર્થિક વિકાસ ધીમો પડી જશે. કારણ કે તેની વન ચાઇલ્ડ ફેમિલી પોલીસી - ચીનને એજીંગ કંટ્રીતરીકે વર્કફોર્સ ઘટાડી દેશે. જયારે ભારતનો વિકાસ ર૦ર૦ પછી વધુ ગતિશીલ બનશે જે ભારતમાં આર્થિક ઔદ્યોગિક સુધારા અને માળખાકીય સુવિધા વિકાસમાં રોકાણોની નીતિઓના કારણે શકય બનશે.  વિશ્વના અર્થતંત્રમાં માર્કેટસ્ટ્રેટજીના બદલાવમાં મેચ્યોર માર્કેટમાંથી ઇમરજિંગ માર્કેટના ટ્રાન્સફોર્મેશન માટે ચીન અને ભારત વૈશ્વિક અર્થતંત્ર ઉપર કેવો અને કઇ રીતે પ્રભાવ પાડી શકે તેની વિસ્તૃત ભૂમિકા પણ પ્રો. શેઠે આપી હતી. CHINDIA RISING ની થીયરી તેમણે સમજાવી હતી. 

ગુજરાતના ઇકોનોમિક ગ્રોથ કરતાં પણ ઇન્કલુઝીવ ગ્રોથ (આર્થિક વિકાસ કરતાં સર્વાંગી વિકાસ)ની મુખ્ય મંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને નેતૃત્વની રાજકીય નિર્ધારશક્તિની પ્રસંશા કરતાં પ્રો. જગદીશ શેઠે જણાવ્યું કે, રાજકીય સ્થિરતા અને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ સાથેનું ગુડગવર્નન્સ ગુજરાતે બતાવ્યું છે.  મુખ્ય મંત્રીશ્રીએ પ્રો. જગદીશ શેઠના હાર્દરૂપ મુદ્દાઓનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ગુજરાત પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વ્યૂહાત્મક બેસ્ટ લોકેશન ધરાવે છે. ગુજરાતે ઇન્ફર્મેશન ટેકનોલોજી કોમ્યુનિકેશન માટે ર૦૦૯માં પહેલ કરી બધા ૧૮,૦૦૦ ગામોને બ્રોડ બેન્ક કનેકટીવીટીથી જોડી દીધા છે ત્યારે ભારત સરકારે ૩૦૦૦ ગામોમાં સુવિધા માટે લક્ષ્ય નક્કી કરેલું. હવે નૂતન માનવ સંસ્કૃતિનો વિકાસ ઇન્ફર્મેશન હાઇવે ઉપર જ થવાનો છે અને ગુજરાતે તેની પહેલ કરી છે એ જ રીતે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરી સાઇબર ક્રાઇમની દુનિયામાં સમૃદ્ધ દેશોને ભાગીદાર બનાવ્યા છે. 

નવોદિત મધ્યમ વર્ગના વિકાસ  અપેક્ષાઓ સાથે સુસંગત રહીને હિન્દુસ્તાન માત્ર બજાર નહીં પણ વીન - વીન સિચ્યુએશન માટે માર્કેટ ઇકોનોમીનું ભાગીદાર બને એ જરૂરી છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વિકસી રહેલા ભારતનું એક રાજ્ય સમૃદ્ધ દેશો સાથે ભાગીદારી કરવાની પહેલ કરે તે ગુજરાતની ક્ષમતા શક્તિ ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.  આપણે ગુજરાતી ગ્લોબલ કોમ્યુનિટી છીએ. આપણે ગ્લોબલ ઇન્ટેલેકચ્યુઅલ કેપેબિલીટી ધરાવીએ છીએ અને એજ આપણી શક્તિને પ્રદર્શિત કરશે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.  પ્રો. જગદીશ શેઠ સાથે પ્રશ્નોત્તરી પણ થઇ હતી. જેમાં ગુજરાતની વિશેષ ક્ષમતાની ભૂમિકાને આવરી લેવામાં આવી હતી.