રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે લોકાયુકતની ગુજરાતમાં નિમણુંક કરતો જે ઓર્ડિનન્સ મહામહિમ રાજ્યપાલશ્રીએ બહાર પાડયો છે તેના બંધારણીય ઔચિત્ય અને કાર્યપ્રણાલી અંગે જણાવ્યું હતું કે રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક કરી તે બંધારણની જોગવાઇઓ અને પ્રણાલીઓ સાથે કેટલી સુસંગત છે તેના કાયદાકીય તમામ પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેશે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગયા માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભામાં લોકાયુકતની સંસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે નાનામાં નાની જોગવાઇઓની કાળજી લઇને લોકાયુકતનું વિધેયક પસાર કર્યું હતું જેમાં, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતી રાજના પદાધિકારીઓને પણ રાજ્યના મંત્રીમંડળ ઉપરાંત આવરી લેવામાં આવ્યા હતા. આ "લોકાયુકત'ના વિધેયકને વિધાનસભાએ મંજૂરી આપ્યા પછી રાજ્યપાલશ્રીની બહાલી માટે મોકલવામાં આવ્યું હતું, જેને રાજ્યપાલશ્રી મંજૂરી આપી નથી. આ દરમિયાન પણ ગુજરાતની વર્તમાન સરકારની "લોકાયુકત'ની નિમણુંક કરવાની સંપૂર્ણ પ્રતિબધ્ધતા સાથે પરામર્શ-પ્રક્રિયા સતત પ્રગતિમાં રહી છે. બંધારણીય પ્રણાલી મુજબ તો રાજ્યપાલશ્રી રાજ્ય મંત્રીમંડળની સલાહ અનુસાર વર્તતા હોય છે અને જરૂર જણાયે સરકાર સાથે વિચાર-વિમર્શ મુજબ કાર્યવાહી કરે અથવા તો કોઇ મૂદા ઉપર વિચાર ભેદ કે અસહમતી હોય તો પૂર્નવિચાર માટે પણ રાજ્ય સરકારને વિધેયક પરત મોકલતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ, લોકાયુકતની રાજ્યપાલશ્રીના ખાસ ઓર્ડિનંન્સથી નિમણુંક અંગેના નિર્ણયમાં બંધારણીય કડી તૂટી છે તે ચોક્કસ છે તેથી આ અંગેની કાયદેસરતા વિશે રાજ્ય સરકાર તમામ પાસાંઓનો વિચાર કરી રહી છે.
આ સંદર્ભમાં, શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે રાજ્યપાલશ્રીનો લોકાયુકતની નિમણુંક માટેનો આ આદેશ બંધારણીય પ્રણાલીઓની ભાવનાથી વિપરીત કાર્યવાહીનો નિર્દેશ આપે છે. હકિકતમાં તો, આ રીતે લોકાયુકતની નિમણુંક કરવા માટેની નોબત જ આવવી જોઇતી નહોતી, કારણ કે તેની પ્રક્રિયા સાંપ્રત જોગવાઇ અનુસાર પ્રગતિમાં જ હતી. કોઇ પ્રક્રિયા બંધ થઇ ગઇ હોય કે રાજ્ય સરકારે કોઇ કાર્યવાહી કરી ના હોય કે વિધાનસભામાં કશું થયું ના હોય એવું કશું જ બન્યું નથી. કમનસિબીએ પણ છે કે લોકાયુકતની આ નિમણુંક સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરવામાં આવ્યો નથી.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે લોકાયુકતની નિમણુંકની બાબતે વિવિધ તબક્કે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે, ગુજરાતની જનતાએ લોકશાહી માર્ગે ચૂંટેલી રાજ્ય સરકારને અંધારામાં રાખીને, રાજ્યપાલશ્રીના બંધારણીય પદનો દુરૂપયોગ થાય તે રીતે લોકાયુકતની નિમણુંકના આદેશ થયો છે તેની કાયદેસરતાના તમામ પાસાંની રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક અંગે વારંવાર કોંગ્રેસ કાગારોળ કરતી આવી છે અને સદંતર જુઠાણા ફેલાવતી આવી છે, તે લોકાયુકતની નિમણુંક અંગેની પ્રક્રિયા વિલંબમાં કઇ રીતે પડી એ જાણવું જનતા માટે જરૂરી છે, કારણ કે રાજ્ય સરકારે કરેલી દરખાસ્ત તત્કાલિન રાજ્યપાલશ્રીના વખતમાં સાડા ત્રણ વર્ષ જેટલા સમયથી વિચારાધીન રહ્યા પછી તે પરત મોકલવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારે ભારતના બંધારણની જોગવાઇ અનુસાર અડધો ડઝન કરતાં વધુ વખત વિપક્ષના નેતાશ્રી સાથે પરામર્શ કરવાના પ્રયાસો કર્યા હતા, અને ઔપચારિક રીતે એકાદ વખત આવી બેઠકમાં હાજરી આપ્યા સિવાય બાકીની બધી બેઠકોમાં વિપક્ષના નેતાએ કોઇ સહકાર આપ્યો ન હતો, એટલું જ નહીં, પ્રક્રિયા જ પૂર્ણ ન થાય તે માટેના ક્ષુલ્લક વાંધાઓ ઊભા કરીને રૂકાવટો સર્જી હતી. આમ, લોકાયુકતની નિમણુંક માટે વિલંબનું દોષારોપણ રાજ્ય સરકાર ઉપર કરવામાં આવે તે કોઇ હિસાબે ઉચિત નથી.
પ્રવકતા મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે બંધારણની કલમ રર૬ હેઠળ રાજ્ય સરકારનું દાયિત્વ ધ્યાનમાં લીધા વગર જે અસંવૈધાનિક રીતે લોકાયુકતની નિમણુંક કરવાની અધિસૂચના રાજ્યપાલશ્રીએ બહાર પાડી છે તે સંદર્ભમાં, રાજ્ય સરકારે ગુજરાતની વડી અદાલતમાં ન્યાય માટે રજુઆત કરી છે અને તેની સુનાવણી રાજ્ય વડી અદાલતે તા.૩૦ મી ઓગસ્ટ-ર૦૧૧ની તારીખ મુકરર કરી છે.