મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથ તીર્થક્ષેત્રના મહિમાવંત સાંસ્કૃતિક વિકાસ માટે સોમનાથ તીર્થ ટેમ્પલ ટુરિસ્ટ ટાઉનશીપ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની ગુજરાત સરકારની નેમ વ્યકત કરી છે.

અમદાવાદમાં સોમનાથ ટ્રસ્ટની આજે મળેલી બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્દેશ આપ્યો હતો કે પ્રાચિન સોમનાથ તીર્થક્ષેત્રના સર્વાંગીણ વિકાસના આયોજન માટે ગુજરાત સરકાર, સોમનાથ ટ્રસ્ટ પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, સેપ્ટ યુનિવર્સિટી સહિત સંબંધિત સંસ્થાઓની પરામર્શ બેઠક યોજાશે.

પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના પ્રમુખસ્થાને યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની આ ૧૦૭ મી બેઠકમાં પૂર્વ નાયબ વડાપ્રધાનશ્રી એલ. કે. અડવાણી, શ્રી પ્રસન્નવદન મહેતા, શ્રી જે. ડી. પરમાર અને નવનિયુકત ટ્રસ્ટીઓ સર્વશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા શ્રી પ્રવીણભાઇ લહેરી ઉપસ્થિત રહયા હતા. ટ્રસ્ટના અધ્યક્ષશ્રીએ નવનિયુકત બંને ટ્રસ્ટીઓનું પ્રથમ બેઠકમાં ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે સોમનાથ મંદિર, પરિસર, ગોલોકધામ સાગરતટ રત્નાકર વિકાસ અને યાત્રિકોની સુવિધાઓ માટેના વિકાસ પ્રોજેકટની પ્રગતિની રૂપરેખા રજૂ કરી હતી. આ સંદર્ભમાં સેપ્ટ યુનિવર્સિટી તફરથી સૂચિત સોમનાથ તીર્થ વિકાસ યોજનાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ તીર્થક્ષેત્ર ભારતીય આધ્યાત્મિક સાંસ્કૃતિક ધરોહરના જ્યોર્તિધામ તરીકે નવા કિર્તીમાનો અંકિત કરવાની વિકાસ સંભાવનાઓ ધરાવે છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે મંદિર પરિસરનો સાંસ્કૃતિક મહિમા અને સુરક્ષા, રત્નાકર સાગરકાંઠે પ્રવાસી-યાત્રિકોની સુવિધા અને સુરક્ષા અને સમગ્રતયા તીર્થક્ષેત્રના સાંસ્કૃતિક વિકાસને આવરી લઇને જેમ જગન્નાથપુરી અને કન્યાકુમારી વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર તરીકે પ્રતિષ્ઠા પામ્યા છે એમ સોમનાથ તીર્થનો વિકાસ-નકશો સુવિચારિત ધોરણે હાથ ધરવો જોઇએ.

તેમણે ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ, રત્નાકર સાગર કિનારો, હિરણનદીના સાગરસંગમ અને મંદિર પરિસર સહિત યાત્રિક-પ્રવાસન કેન્દ્ર તરીકે સોમનાથ નગરવિકાસની સર્વાંગીણ રૂપરેખા આપી હતી, જેમાં યાત્રિકો માટે માળખાકીય સુવિધા વિકાસના પ્રોજેકટ ઉપરાંત હિરણ નદીમાં વોટર સ્‍પોર્ટસ, સમૂદ્રકાંઠે જૂની હેરિટેજ સ્ટીમર લાવીને હોટેલ રેસ્ટોરાની સુવિધા, યાત્રિકો માટે મોડર્ન સોલાર કિચન, મધ્યાન્હ ભોજન અને સિનિયર સીટીજન્સ માટે વૃધ્ધાશ્રમ સહિતના નવતર સૂચનો કર્યા હતા.

શ્રી એલ. કે. અડવાણીએ દેશના અનેકવિધ તીર્થક્ષેત્રો યાત્રાધામો અને મંદિરોના મહિમા પ્રસ્તુત કરતા ‘‘પવિત્ર ભારત'' ક્ષેત્રના નિર્માણની હિમાયત કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના સાગરકાંઠે દ્વારિકાથી લઇને આધ્યાત્મિક તીર્થોને જોડતી પ્રવાસન સરકીટ ઉભી થાય અને ક્રુઇઝ સર્વિસથી તેનું જોડાણ કરી શકાય.

ટ્રસ્ટની બેઠકમાં સોમનાથ તીર્થયાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો હોવાની અને યાત્રિકોની સવલત સુવિધાઓ માટેની પરિયોજનાઓ જેમાં કુલ રૂ. ર૪.૮પ કરોડના વિકાસ નિર્માણકામો ચાલી રહ્યા છે તે વિષયક પ્રગતિની માહિતી આપવામાં આવી હતી. સાગરકાંઠે ચોપાટી ઉપર પ્રવાસી યાત્રિકોના દરિયામાં અકસ્માતે મૃત્યુ પામવાના કિસ્સાઓ રોકવા માટે ટ્રસ્ટ તરફથી પ્રયોગાત્મક ધોરણે મરીન સેફટી પ્રોટેકશન સ્કીમ હાથ ધરવા બાબતે બેઠકમાં પરામર્શ થયો હતો. ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી કેશુભાઇ પટેલની એક વર્ષની સમયાવધિ પૂરી થતી હોઇ શ્રી એલ. કે. અડવાણીએ તેમને ચાલુ રાખવા મૂકેલા પ્રસ્તાવને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમર્થન આપ્યું હતું.

બેઠકમાં ગોલોકધામના વિકાસ માટે પણ સોમનાથ તીર્થક્ષેત્રમાં સમાવિષ્ઠ કરી સાંકળવાની બાબત ચર્ચામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટના અન્ય સભ્યો સર્વશ્રી જે. ડી. પરમાર, પ્રસન્નવદન મહેતાએ પણ રચનાત્મક સૂચનો કર્યા હતા.

ટ્રસ્ટના દિવંગત ટ્રસ્ટી સ્વ.શ્રી વિનોદભાઇ નેવટીયાના અવસાન અંગે મૌન પાળી શોકાંજલી સંદેશનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.