મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાલીતાણા તીર્થ ક્ષેત્રમાં પાવક વન નિર્માણ સાથે ગુજરાતમાં ૬૧મા સ્વર્ણિમ વન મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો અને પ્રત્યેક નાગરિકને વૃક્ષપ્રેમી બનવાનું પ્રેરક આહવાન કર્યું હતું.

પાલીતાણાની પ્રાચિન તીર્થભૂમિમાં જ્યાં જૈન તિર્થંકર ભગવાન આદિનાથે દેશણા વ્યાખ્યાનથી પૂનિત પગલા પાડેલા તે પવિત્ર તળેટીમાં ૧૭ એકરમાં ૯પ૬૦ જેટલા પ૧ જાતના વિવિધ વૃક્ષોથી હરિયાળું પાવક વન ઊભું કરવા આજે મુખ્યમંત્રીશ્રી વન મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો સાથે નાગરિક જનસમૂહે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન કર્યું હતું.

પાવક વનમાં ભારતમાં પહેલીવાર માનવ શરીરના વિવિધ અંગોની તંદુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિનો પ્રભાવ કરતા જુદા જુદા વૃક્ષોની વનરાજી સ્થાપવાનો અનોખો અભિગમ આ ૬૧મા વન મહોત્સવનું વિશિષ્ટ નજરાણું છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ પ્રકૃત્તિ સાથે સંઘર્ષ નહીં પણ પ્રકૃત્તિ સાથે પ્રીતિ રાખવાની ભારતીય જીવનશૈલીના સંસ્કાર જગાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રકૃત્તિ સાથે સંઘર્ષ કરીને માનવસમાજ સુરક્ષિત રહી શકે જ નહીં. પશ્ચિમની ભોગવાદી સમાજશૈલીએ પ્રકૃત્તિના શોષણથી ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેંટ ચેંજનું ભયાવહ સંકટ નોતર્યું છે પરંતુ આપણે ભાવિ પેઢીને આ ખતરાથી બચાવવી હશે તો પર્યાવરણ સુરક્ષા માટે પ્રકૃત્તિ, બ્રહ્માંડ અને તેના પોષક વૃક્ષો સાથે જીવંત નાતો જોડવો જ પડશે.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ગામે ગામ પડતર જમીનમાં પંચાયતો જનભાગીદારીથી વૃક્ષો ઉછેરવાની સ્પર્ધા કરે અને વિકાસ માટેની પૂરક આવક મેળવે તેવી અપીલ કરતા રાજ્યની વિવિધ પંચાયતોને શ્રેષ્ઠ ગ્રામવન ઉછેર માટેની યોજના હેઠળ અનુદાનનું વિતરણ કર્યું હતું અને વૃક્ષારોપણમાં ઉત્તમ યોગદાન આપનારાને વનપંડિત પુરસ્કાર એનાયત કર્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક નાગરિકોને પાણી બચાવવા અને વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. પર્યાવરણની રક્ષા માટે આ બંને સરળમાં સરળ માર્ગ છે એમ તેમણે જણાવ્યું હતું.

આપણા પૂવર્જોએ બાળકોને ગળથૂથીમાં જ સફળ બ્રહ્માંડને પોતાનો પરિવાર અને પ્રકૃત્તિની સાથે પ્રેમનો નાતો બાંધવાના સંસ્કાર આપેલા છે એમ પ્રેરણાદાયી દષ્ટાંતો આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રત્યેક ગામ કે શહેરમાં પ્રાચિન વૃક્ષો સાથે જનજનનો સંવેદનશીલ નાતો બંધાય તેવું વાતાવરણ સર્જવું જોઇએ. વૃક્ષ માનવજીવનના દરેક તબક્કે પ્રભાવ પાથરે છે તેની જાણકારી રૂપે નક્ષત્ર, રાશી, ગૃહવન અને તીર્થક્ષેત્રોના સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને ગુજરાત સરકારે વન મહોત્સવની ઉજ્વણી રાજ્યના પાટનગરમાં સરકારી કાર્યક્રમ તરીકે કરવાની કર્મકાંડ પરંપરા છોડીને વૃક્ષારોપણમાં જનશક્તિ જોડી છે એમ તેમણે જણાવ્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલે વન મહોત્સવ ઉજ્વણીનો હેતુ સમજાવી, રાજ્ય સરકારે ધર્મસ્થાનોની પવિત્રતાં જાળવવા સાથે રાજ્યના તીર્થ સ્થાનોમાં વન મહોત્સવ ઉજવણીની વિગતો આપી હતી. ૬૧માં વન મહોત્સવની પાલીતાણા તીર્થ સ્થાનમાં પાવક વનના નિર્માણ સાથે થઇ છે તેની માહિતી આપી વનમંત્રીશ્રીએ જૈન ધર્મના ઇતિહાસ અને સંસ્કૃતિની અનુભૂતિ કરાવતા પાવક વન નિર્માણમાં રાશી, નક્ષત્ર, ગૃહ અનુસાર વૃક્ષ વાવેતરથી આ તીર્થ સ્થાનમાં આવતા યાત્રાળુઓ માટે આ પાવક વન પણ તીર્થ સ્થળ બની રહેશે એમ જણાવ્યું હતું.

વન રાજ્યમંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ રાજ્ય કક્ષાના ૬૧માં વન મહોત્સવની પાલીતાણા ખાતેની ઉજ્વણીને આનંદનો પ્રસંગ ગણાવી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ અનુસાર રાજ્યભરમાં તીર્થ સ્થાનોમાં ઊભા થયેલા વનોની વિગતો આપી હતી. આ તકે રાજયમંત્રીશ્રીએ માનવીના જન્મથી મરણ સુધી વૃક્ષોની મહત્તા સમજાવી, શાસ્ત્રોમાં આરાધ્ય એવા વૃક્ષોનું વાવેતર અને જતન કરવા અનુરોધ કર્યો હતો.

અગ્ર સચિવશ્રી એસ. કે. નંદાએ સ્વાગત પ્રવચન કરતા વન વિભાગની યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો.

ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું કે, વન મહોત્સવની જનતા વચ્ચે ઉજ્વણી કરી રાજ્ય સરકારે વૃક્ષ વાવેતર માટે લોકજાગૃતિ કેળવી છે. પાવક વન લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ અને જિલ્લા ભાજપાના પદાધિકારીઓ, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખશ્રી, ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી સહિત મહાનુભવો અને વિશાળ સંખ્યામાં જનસમુદાયે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.