પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી આ પરંપરાગત રથયાત્રાના ભગવાન જગન્નાથજીના મુખ્ય રથમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોનાના ચામરથી ભગવાનની સેવા કરી હતી અને નિજ મંદિરેથી યાત્રાના માર્ગે જવા પહિન્દ વિધિ સંપન્ન કરી અને રથને સ્વયંમ દોરીને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથને ગરીબો અને દરિદ્ર નારાયણોના ભગવાન તરીકે ગણાવી તેમના આશિષ ગરીબો અને કિસાનોનું ભલું કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી.
દરિદ્રનારાયણના આ ભગવાન જન-જન, ખેડૂત, ગ્રામ-નગર સૌ કોઇને વરસાદથી સંતૃપ્ત કરે તેવી કૃપા વરસાવશે તેવી વાંચ્છના મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
ગુજરાતમાં 110 નગરો-ગામોમાં પરંપરાગત રથયાત્રાનું પર્વ આનંદ-ઉલ્લાસથી ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં ઉજવાય છે અને અમદાવાદની રથયાત્રા 134 વર્ષોથી યોજાતી અનોખી ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરા છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રથયાત્રાનું આ પર્વ રાજ્ય-રાષ્ટ્ર માટે મંગલકારી-કલ્યાણમયી અને ગરીબો-વંચિતો પ્રત્યે કરૂણા પ્રગટાવનારું જન પર્વ બનશે તેવી અભિલાષા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથ આમ આદમી અને દરિદ્રનારાયણના ભગવાન છે. તેઓ પોતાના આ ભક્તોના હાલચાલ પૂછવા નગરયાત્રાએ જાય તે આપણી મહાન સાંસકૃતિક વિરાસતની સદીઓ પુરાણી પરંપરા છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ શરૂ કર્યું તે પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ, કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર શ્રી અસિત વોરા, ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ અગ્રણીઓ તથા મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.