મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતનો વિકાસ સાચા અર્થમાં સાર્થક કરવો હોય તો રાજ્યોને સંસાધનોથી મજબૂત કરવા જ જોઇએ. વિકાસ માટેની જવાબદારી રાજ્યોની છે અને સમવાય તંત્રના લોકશાસન દેશ એવા ભારતમાં વિકાસના સંસાધનો પૂરા પાડવાનું દાયિત્વ કેન્દ્ર સરકારે ઉપાડવું જ જોઇએ. દિલ્હીમાં યોજાયેલ ઇન્ડીયા ટુડે કોન્કલેવમાં રાજ્યોની તુલનાત્મક સ્થિતિ વિષયક પેનલ ડિસ્કશનમાં ભાગ લેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સુચારુ નાણાંકીય વ્યવસ્થાપન અને બિનવિકાસશીલ ખર્ચ ઉપર અસરકારક નિયંત્રણ રાખીને સર્વાંગીણ વિકાસને સાતત્યપૂર્ણ ગતિશીલ બનાવ્યો છે.
ફેડરલ ડેમોક્રેસીમાં પ્રગતિશીલ વિકાસ કરી રહેલા રાજ્યોને પ્રોત્સાહન મળવું જોઇએ એ હકિકત ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સંસાધનોની બાબતમાં કેન્દ્ર સરકાર રાજ્યોની જવાબદારીને કેન્દ્રસ્થાને રાખવી જોઇએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચની સરકારી કર્મચારીઓ માટેની ભલામણોના અમલના કારણે ભારત સરકારની આવકમાં વૃદ્ધિ થઇ છે પરન્તુ રાજ્યોને ભારે આર્થિક ભારણ ઉપાડવાનો વારો આવ્યો છે તેની સ્પષ્ટ ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે સુધારેલા પગાર ધોરણોને કારણે રાજ્યોના સરકારી કર્મચારીઓ દ્વારા વધારાના આવકવેરાની વસૂલાત સીધી કેન્દ્ર સરકારને આવક રૂપે મળે છે. કેન્દ્ર સરકારને છઠ્ઠા પગાર પંચની ભલામણોના અમલના કારણે આર્થિક બોજ આવ્યો છે તેના કરતા રાજ્યોના સરકારી કર્મચારીઓ પાસેથી મળતી આવકવેરાની વૃદ્ધિ અધિક છે. આથી કેન્દ્રએ રાજ્યોને આ સંદર્ભમાં વળતર ભરપાઇ કરવું જોઇએ. અન્યથા ફેડરલ સીસ્ટમમાં આવી આવી સ્થિતિ ગંભીર સંકટો સર્જશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય સંસાધનોની ફાળવણીમાં રાજ્યોની વિકાસની જવાબદારી કેન્દ્રસ્થાને રાખવી જોઇએ એમ જણાવ્યું હતું.
ગુજરાતે કૃષિવિકાસ ક્ષેત્રે દેશમાં નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે એની સફળતાની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સુદઢ બનાવવા ઉપર વિશેષ ધ્યાન આપવું જોઇએ.
ગુજરાતનો કૃષિ વિકાસદર છેલ્લા પાંચ વર્ષમાં ૧ર.૬ ટકાથી ઉપર પહોચ્યો છે ત્યારે દેશની સરેરાશ માત્ર ૩ ટકાની છે. કૃષિ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન માટે કિસાનપથ અને રૂરલ રોડની સિદ્ધિ હાંસલ કરી છે. કિસાનોને ખેતી માટે વીજળીના મોહમાંથી મુક્ત કરીને સિંચાઇના પાણીની સુવિધા આપી અને જળસંચયની જનભાગીદારીના અભિયાનથી ભૂગર્ભ જળ સપાટી છ મીટર ઊંચી લાવવામાં સફળતા મેળવી છે.
મુખ્યમંત્રીશ્રી કૃષિવિકાસના સાતત્ય અને સંતુલન માટે ખેતીવાડી, પશુપાલન અને વૃક્ષની ખેતીના સમાન હિસ્સા ઉપર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અર્થતંત્રની સંતુલિત સાતત્યપૂર્વક પ્રગતિ સુનિશ્ચિત કરવા સર્વિસ સેકટર, ઇન્ડસ્ટ્રીઝ સેકટર અને એગ્રીકલ્ચરલ સેકટરના સમાન ભાગીદારીની વ્યુહરચના સફળ રહી છે. ગામડાનું કૃષિ આધારિત અર્થતંત્ર સંગીન બનશે તો તેની ખરીદશક્તિનો ફાયદો શહેરને મળશે. ગુજરાતમાં કૃષિ ઉત્પાદન રૂા. પ૦ હજાર કરોડ ઉપર પહોંચી ગયું છે જેનાથી કિસાનોની આર્થિક તાકાત વધી છે.. કૃષિ ક્ષેત્રે ચાર કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત કરીનેે તેને એગ્રો કલાઇમેટ ઝોન સાથે જોડી છે. સોઇલ હેલ્થ કાર્ડથી ખેતીનું ઉત્પાદન વધ્યું છે અને જમીનની સ્થિતિ-ગુણવત્તા સુધરી છે. દર વર્ષે યોજાતા એક મહિનાના કૃષિ મહોત્સવોથી વૈજ્ઞાનિક ખેતી અને પશુપાલન માટે ખેડૂતો પ્રેરિત થયા છે, સારૂ બિયારણ જળસિંચન, ડ્રીપ ઇરીગેશન અને એગ્રીકલ્ચર માર્કેટીંગની વ્યવસ્થા પછી હવે ગુજરાતનો કિસાન વેલ્યુએડેડ એગ્રીકલ્ચર એક્ષપોર્ટ માટે સક્ષમ પાયા ઉપર આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીને ઇન્ડીયા ટુડેના બેસ્ટ એગ્રીકલ્ચર ફાસ્ટ મુવર સ્ટેટનો એવોર્ડ અને બેસ્ટ રૂરલ રોડના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
ગ્રામીણ રસ્તાઓના આધુનિકરણ માટે ગુજરાતને વિશેષ કેન્દ્રીય સહાય મળવી જોઇએ તેના બદલે ગુજરાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પહેલા રૂરલ રોડના લક્ષ્યાંકો પૂરા કરીને વિકાસ સાધ્યો છે ત્યારે ગુજરાતને કેન્દ્રીય યોજનાની ફાળવણીમાં ભેદભાવ થાય છે એનો નિર્દેશ તેમણે આપ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ ર્ડા. હમીદ અન્સારીએ મુખ્યમંત્રીશ્રીને બે એવોર્ડ એનાયત કરીને શ્રેષ્ઠ કૃષિ વિકાસ અને ગ્રામ વિકાસની સિદ્ધિ માટે અભિનંદન આપ્યા હતા.
ઇન્ડીયા ટુડેના એડિટોરિયલ ડિરેકટર એમ. જે. અકબરે પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતુ.