ગાંધીનગર, સોમવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પ્રવાસન વિકાસ માટેના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમિતાભ બચ્ચન દ્વારા નિર્મિત કચ્છ, ગીર-સિંહ અભ્યારણ્ય અને સોમનાથની ત્રણ ટૂંકી એડ ફિલ્મ ‘‘ખુશ્બુ ગુજરાત કી''નું વિમોચન આજે સાંજે શ્રી અમિતાબ બચ્ચનની ઉપસ્થિતિમાં કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ‘‘ખુશ્બુ ગુજરાત કી''ની આટલી ઉત્કૃષ્ટ એડ ફિલ્મોના નિર્માણ માટે શ્રી અમિતાભ બચ્ચન અને તેમના સહયોગીઓની આખી ટીમને અંતઃકરણ પૂવર્કના અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન વિરાસતનો અદભૂત સાંસ્કૃતિક વૈભવ છે અને રાજ્ય સરકાર વિશ્વ સમક્ષ તેને યોગ્ય સ્વરૂપે પ્રસ્તુત કરવા પ્રતિબધ્ધ છે તે માટે શ્રી અમિતાભ બચ્ચન તેમનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યાં છે તે ગુજરાત માટે ગૌરવની બાબત છે.

મુખ્ય મંત્રીશ્રી સાથેની સૌજન્ય મુલાકાતમાં શ્રી અમિતાભ બચ્ચને અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ વિકાસ પ્રોજેકટને સમગ્ર દેશમાં નદીના પર્યાવરણ માટેનો ઉત્તમ પ્રોજેકટ ગણાવીને મુખ્ય મંત્રીશ્રીની દરદર્શીતાની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબરમતી રિવરફ્રંટ પ્રોજેકટની વિશેષતાઓ અને સારબમતી નદીમાં નર્મદાના પાણી વહેતા કરીને પર્યાવરણના શુધ્ધિકરણની અમદાવાદને ભેટ આપી છે તેમ જણાવ્યું હતું.

શ્રી અમિતાભ બચ્ચને ગાંધી આશ્રમ ખાતે ચરખો કાંત્યો હોવાની મુખ્યમંત્રીશ્રીને અત્યંત ગૌરવભેર માહિતી આપી હતી, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગાંધીજી જેવા યુગ પુરૂષ આખી દુનિયામાં સદીઓ સુધી છવાઇ જવાના છે. પરંતુ આપણે તેમના જીવન દર્શનને પ્રસ્તુત કરવામાં ઉણાં ઉતર્યા છીએ. પરંતુ હવે રાજ્ય સરકારે મૂળ ગાંધી આશ્રમનો મહિમા સંપૂર્ણ અકબંધ રાખીને તેના વિસ્તૃતિકરણ દ્વારા એક વૈશ્વિક સ્મારક તરીકે તેનું સંસ્કરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. મુખ્ય મંત્રીશ્રીએ આધુનિક ટેકનોલોજી આધારિત ગાંધી મ્યુઝિયમ તેમજ ગાંધીનગરમાં નિર્માણાધીન મહાત્મા મંદિરની રૂપરેખા પણ શ્રી અમિતાભ બચ્ચનને આપી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખાદીનો ફેશન શો યોજીને અને ખાદી ખરીદીનું અભિયાન હાથ ધરીને દરિદ્રનારાયણના પરિવારોમાં આર્થિક ઉન્નતિનો પૂજ્ય બાપુના પગલે ચાલવાનો પ્રયોગ પણ હાથ ધર્યો છે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ, ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ શ્રી કમલેશ પટેલ, પ્રવાસન સચિવ શ્રી વિપુલ મિત્રા, ‘ખુશ્બુ ગુજરાત કી''ના નિર્માણા શ્રી પિયુષ પાંડે, માહિતી કમિશનર શ્રી વી.થીરૂપુગાઝ ઉપસ્થિત રહ્યા હતાં.