મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણના તાલુકા કાર્યક્રમોને વ્યાપક ફલક ઉપર વિસ્તારીને તાલુકા સરકાર અને તાલુકાને વિકાસના મોડેલ તરીકેની ઓળખ ઉભી કરવા જિલ્લા અને રાજ્યના વહીવટી વડાઓને પ્રેરક નેતૃત્વ લેવા જણાવ્યું છે. તાલુકા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ એ સાચી દિશામાં મહત્વનું પગલું છે એમ તેમણે જણાવ્યું હતું. સચિવાલયમાં દરમહિનાના ચોથા ગુરૂવારે યોજાતા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ ૪૩૭૩ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળીને તેમને ન્યાયી ઉકેલનો સંતોષ આપ્યો હતો. સામાન્ય નાગરિકોની ગંભીર રજૂઆતોની તપાસ પણ પૂરી ગંભીરતાથી થવી જોઇએ અને તલસ્પર્શી ન્યાયીક તપાસ કરીને યોગ્ય પગલાં લેવાવા જ જોઇએ એવી તાકીદ તેમણે જિલ્લા વડાઓને કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ દરેક જિલ્લા અને તાલુકાકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમોની સમીક્ષા જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી અને જણાવ્યું હતું કે તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલવા તાલુકા સ્વાગતમાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે અને તેમના પ્રશ્નો ઉકેલવા તાલુકા તંત્ર અત્યંત સંવેદનશીલ છે તેવો ભરોસો મળે તેવું વાતાવરણ સર્જવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.