મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ “હરિયાળું અમદાવાદ” અભિયાનમાં નગરજનો સાથે સહભાગી બનીને સ્વર્ણિમ વનના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં વૃક્ષારોપણ કરતાં આહવાન આપ્યું હતું કે અમદાવાદ વૃક્ષારોપણ ક્ષેત્રે પાકિસ્તાનનો સાડા પાંચ લાખ વૃક્ષો વાવવાનો વિક્રમ પરાસ્ત કરીને સાડા સાત લાખ વૃક્ષોના ઉછેરનો નવો કિર્તીમાન સ્થાપે એવો સંકલ્પ પાર પાડીએ.

અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડા વિસ્તારમાં આજે ૩૧મી જુલાઇ-ર૦૧૦ના એક જ દિવસમાં સાડા આઠ લાખ વૃક્ષોનું સામૂહિક વાવેતર જનશકિતથી કરીને વિશ્વ કિર્તીમાન સ્થાપવાનું હરિયાળું અમદાવાદ અભિયાન હાથ ધર્યું છે. અમદાવાદના નગરજનો, યુવાશકિત અને આબાલવૃધ્ધ સૌએ આ વૃક્ષઉછેરનો નગર ઉત્સવ ઉજવવામાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. આજે બીજા દોઢ લાખ વૃક્ષોનું વ્યકિતગત અને કોલોની સોસાયટીમાં પણ વાવેતર થશે જે અમદાવાદના ઇતિહાસમાં પર્યાવરણની રક્ષા માટે જનશકિતનું નવું સામર્થ્ય પ્રસ્થાપિત કરશે.

ગુજરાત યુનિવર્સિટીએ “હરિયાળુ અમદાવાદ” અભિયાનમાં સહભાગી બનીને તેની હિરક જ્યંતીના અવસરે આજથી સ્વર્ણિમ વનનિર્માણનો ઉત્સવ પણ હાથ ધર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ વિશાળ યુવાશકિતનું અભિવાદન કરતાં જણાવ્યું હતું કે વૃક્ષોની સેવા કરવાનો અને વૃક્ષની રક્ષા કરવાનો સંકલ્પ પાર પાડીશું તો આખું ગુજરાત જોતજોતમાં હરિયાળું બની જશે.

પર્યાવરણ રક્ષા માટે અમદાવાદને વાયુ પ્રદૂષણથી મૂકત કરવા CNG ઓટોરિક્ષા અને BRTS -જનમાર્ગ પરિવહન સેવાથી પ્રો-એન્વાર્યનમેન્ટ ડેવલપમેન્ટનું મોડેલ પુરૂં પાડયું છે અને સાબરમતીમાં નર્મદાનું પાણી બારેમાસ વહેતું કરીને ફલોરાઇડના રોગ-પ્રદૂષણથી શહેરને મૂકત કર્યું છે, એની પૂર્વભૂમિકા આપીને મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદને શુધ્ધ હવા અને શુધ્ધ પાણીની સુવિધા આપવા ઉપરાંત હરિયાળું બનાવવાના રાજ્ય સરકારના નિર્ધારમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેંજના સંકટથી ભયભીત છે ત્યારે ગુજરાતમાં વિશ્વની એવી ચોથી સરકાર છે જેણે કલાઇમેટ ચેંજનો અલગ વિભાગ શરૂ કર્યો છે અને પ્રકૃતિનું શોષણ નહીં પણ પ્રકૃતિ સાથે ટ્રસ્ટીશીપના સિધ્ધાંતને અનુસરીને પ્રકૃતિપ્રેમ માટે જનજાગૃતિ ઉજાગર કરવાની દિશામાં પહેલ કરી છે.

ગુજરાતના દરેક નાગરિકે પાણી બચાવવા અને વૃક્ષ ઉછેરવાના બે સરળ સંકલ્પ કરીને પર્યાવરણ રક્ષા સૈનિક બનવાની અપીલ તેમણે કરી હતી.

ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજોએ પર્યાવરણ રક્ષાની અને પ્રકૃતિ સાથે સકળ બ્રહ્માંડને પરિવાર ગણવાની જે સહજ શિક્ષા આપી હતી તે, પર્યાવરણ પ્રશિક્ષણની જીવન પરંપરા હતી, પરંતુ પヘમિની ભોગવાદી જીવનશૈલીથી આપણે આ વિરાસતને વિસારે પાડી છે. હવે માનવજાતે ગ્લોબલ વોર્મિંગના સંકટથી બચવા માટે આપણા પ્રકૃતિ સાથે સંબંધની પરંપરાને જ અનુસરવાનો સમય પાકી ગયો છે, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ સામેના પ્રાકૃતિક સંકટો સામે લડવાની સાથોસાથ આ દેશમાં વોટબેન્કની રાજનીતિએ ઉભા કરેલા શાંતિના પર્યાવરણ સામેના સંકટોનો પડકાર ઝીલવા ગુજરાતની યુવાશકિતને આહ્્‍વાન કર્યું હતું.

અમદાવાદના મેયરશ્રી કાનાજી ઠાકોરે જણાવ્યું હતું કે, શહેરમાં ૪૦૦ જગાએ સાત લાખથી વધુ વૃક્ષો વાવવાની સાથે શહેરને હરિયાળું બનાવવાની આ ઝૂંબેશ છે. આજે યુનિવર્સિટીમાં “સ્વર્ણિમ વન”નો પ્રારંભ થઇ રહ્યો છે, જેનાથી શહેર હરિયાળું બનશે જ પણ સાથે સાથે પર્યાવરણની જાળવણીમાં પણ શહેર એક ડગલું આગળ વધશે એમ તેમણે ઉમેર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણી માટે હાથ ધરાતી પ્રવૃત્તિઓની રૂપરેખા તેમણે આપી હતી.

વન અને પર્યાવરણ અગ્રસચિવશ્રી એસ. કે. નંદાએ જણાવ્યું હતું કે અમદાવાદને નવી ઓળખ આપવાનો આ પ્રયાસ છે. એક ઝાડ પ્રતિવર્ષ ર૦ કિલો કાર્બન બ્લોક કરે છે અને ૧૭ કિલો પ્રાણવાયુ આપે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન બેલ્ટ કોમ્પીટીશનના વિજેતા ઔઘોગિક સાહસિકોને એવોર્ડ એનાયત કર્યા હતા. તદ્‍અનુસાર લાર્જ સ્કેલ માટે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કોર્પોરેશન તથા દ્વિતીય ક્રમે ગુજરાત પગુથન એનર્જી કોર્પોરેશનને તથા મિડીયમ સ્કેલ માટે બાયર્સ કોર્પ સાયન્સને તેમજ દ્વિતીય ક્રમ માટે નરોડા એન્વાયર્નમેન્ટને એવોર્ડ એનાયત કર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. પરિમલ ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીએ ૧૩ વિધા જમીનમાં સ્વર્ણિમ વન ઉભું કરવા ર લાખ વિઘાર્થીઓને જોડતું અભિયાન શરૂ કર્યું છે.

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી પ્રદીપ ખન્નાએ આભારવિધી કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી આઇ. પી. ગૌત્તમ, વન અને પર્યાવરણ વિભાગના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, વિઘાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.