મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દિવંગત સત્ય સાંઇબાબાના અંતિમ દર્શન કર્યા હતા અને શોકમગ્ન પરિજનોના દુઃખમાં સહભાગી બનીને સંવેદનાસભર શ્રધ્ધાસુમન પાર્થિવ દેહ ઉપર અર્પણ કર્યા હતા.

પુટ્ટપર્થીના પ્રશાન્તિ નિલયમના પરિસરમાં અંતિમ દર્શનાર્થે સત્ય સાંઇબાબાના પાર્થિવદેહ સમક્ષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શોકસંતપ્ત હ્વદયે પ્રાર્થના કરી હતી. દિવંગત આધ્યાત્મિક વડાના પરિવારજનો સાથે તેમના ભત્રીજા શ્રી રત્નાકરને મુખ્યમંત્રીશ્રીએ દુઃખમાં ભાગીદાર બનીને સાંત્વના આપતા જણાવ્યું કે સત્ય સાંઇબાબા પાર્થિવ દેહે આપણી વચ્ચે નથી રહ્યા પણ તેઓ માનવજાતને યુગો સુધી સેવાધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપતા રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ દિવંગત સત્ય સાંઇબાબાના પરલોકગમનથી વિશ્વ આખું દુઃખ અને શોકમાં ગરકાવ છે ત્યારે ગુજરાત પણ શોકસંતપ્ત છે એમ જણાવી અંતઃકરણથી ભાવાંજલિ અર્પતા જણાવ્યું કે સત્ય સાંઇબાબાએ સમગ્ર વિશ્વમાં ભારતની મહાન સંસ્કૃતિ પ્રત્યે આધ્યાત્મિકતાના માધ્યમથી લોકોને આકર્ષિત કર્યા હતા અને માનવસેવાનો માર્ગ પ્રેરિત કરીને શિક્ષણ, આરોગ્ય તથા જનસેવાના ક્ષેત્રોમાં સમાજશકિતથી વિરાટ સિધ્ધિઓની પ્રતીતિ કરાવી હતી. સત્ય સાંઇબાબાની ચિરવિદાયથી માનવતાના વિશ્વને ન પૂરાય તેવો આઘાત લાગ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સત્ય સાંઇબાબા સાથેના તેમના ત્રીસ વર્ષના ભાવાત્મક સંબંધનો ઉલ્લેખ કરી જણાવ્યું કે અધ્યાત્મ અને સેવાધર્મની પ્રેરણા, પ્રભાવ અને આશીર્વાદ તેમને મળતા રહ્યા. ગરીબોના ભલા માટે સત્ય સાંઇબાબાએ જે માનવતા અને સેવાનો માર્ગ દર્શાવ્યો છે તે માર્ગે અનુસરીને તેમને સાચી શ્રધ્ધાંજલિ અર્પીએ એવી અભ્યર્થના તેમણે વ્યકત કરી છે.