ગાંધીનગરઃ ગુરૂવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરતા ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને પ્રાણવાન બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો. આ સરકારે ગામે ગામ શિક્ષણ અને આરોગ્યની સવલતો ઉપલબ્ધ કરી છે ત્યારે આવતીકાલનું ગુજરાત શિક્ષિત અને સ્વસ્થ બને તે માટે સમાજશક્તિ નેતૃવ લે તેવું આહ્વાન તેમણે કર્યું હતું.

આજથી સમગ્ર ગુજરાતમાં સ્વર્ણિમ વર્ષ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના વિરાટ જનઅભિયાનનો પ્રારંભ થયો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના સરહદી જિલ્લાના બનાસકાંઠાના વાવ તાલુકાના સીમાવર્તી ગ્રામપ્રદેશમાં કન્યા કેળવણી યાત્રા કરીને જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો હતો. તેમણે ગુજરાતના સૌથી છેવાડાના સરહદી સૂઇગામથી શરૂ કરીને રૂપાણીવાસ, કોરેટી અને મમાણા ગામોમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં બાળકોના નામાંકન કરીને શાળા પ્રવેશોત્સવમાં ગ્રામજનોની સાથે પ્રેરક ભાગીદારી કરી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ મમાણામાં બાળકોને મધ્યાહ્ન ભોજનનો પોષક આહાર જાતે પીરસ્યો હતો અને વાત્સ્લ્યભાવે જમાડયા હતા અને બાળકોની પંગત સાથે બેસીને ભોજન કર્યું હતું.

ગામેગામ જ્ઞાનની જયોત પ્રગટાવવા ગ્રામજનોએ અભૂતપૂર્વ ઉમંગથી મુખ્ય મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. જનભાગીદારીથી બાળકોને શૈક્ષણિક સાધનો, પુસ્તકો અને આંગણવાડીના બાળકોને રમકડાં ભેટ આપીને મુખ્ય મંત્રીશ્રીએ ખુશખુશાલ કર્યા હતા.

શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમોમાં બાળકોએ યોગ નિદર્શન, કન્યા કેળવણીના ગરબા અને સભા સંચાલનના નવતર આયામોથી સૌના મન મોહી લીધા હતા. ભૂલકાંઓના મોં મીઠા કરાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ ગુજરાતનું બાળપણ મોજમસ્તીથી હસતું ખીલનું રહે એ માટે સમાજ પરિવારોને આહ્વાન કર્યું હતું.

આ સરકારનો આખો દશકો ભૂતકાળની પ્રાથમિક શિક્ષણની દુર્દશા સુધારવામાં વીત્યો પણ આ પાપ કોણે કર્યું તેના વાદ-વિવાદ વગર પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સર્વગ્રાહી પ્રયાસો કર્યા છે અને તેના પરિણામો પણ આવ્યા છે. અમારે તો ગુજરાતની આજ અને આવતીકાલ શિક્ષિત સંસ્કારી બનાવવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

‘‘સને ર૦૦૯ પહેલાં ૧૦૦માંથી ૪૦ બાળકો શાળા છોડી જતા હતા. હવે માત્ર બે જ બાળકો છોડે છે પરંતુ આ બે બાળકોની ચિંતા પણ અમે કરી છે અને ગામનું એક પણ બાળક પ્રાથમિક ભણતર પુરું કર્યા વગર વંચિત રહે નહીં તે જોવા ગ્રામજનોને મુખ્ય મંત્રીશ્રીએ સંકલ્પ લેવડાવ્યા હતા.''

ગરીબી, લાચારી અને બિમારી સામે લડવા માટે શિક્ષણ જ એકમાત્ર સાધન છે અને ગામની સ્થિતિ એવી બનવી જોઇએ કે શિક્ષિત બાળકો ગામના નિરક્ષર વડીલોને સાક્ષર બનાવે એવી અપીલ તેમણે કરી હતી.

રાજ્યની પ૦૦૦ પ્રાથમિક શાળાઓમાં આ વર્ષથી ધો.૮ના વર્ગેા અને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના ૧૦ હજાર વિદ્યાસહાયકોની નિમણૂંક થઇ છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબીના કારણે જીવલેણ માંદગીથી પીડાતા બાળકોનું શાળા આરોગ્ય પરિક્ષણ કરીને તેની સારવારની સંપૂર્ણ જવાબદારી સરકારે લીધી છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, શિક્ષણ સુધારણા સાથે કુપોષણ સામે લડાઇનું અભિયાન આ સરકારે ઉપાડયું છે. ગામ સમસ્ત ગરીબ બાળકો માટે દૂધની ડેરીમાં દૂધનું દાન અને સગર્ભા માતાને સુખડી પોષક આહાર માટે આપવાની જવાબદારી ઉપાડી લે તેવું આહ્વાન તેમણે કર્યું હતું.

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દશ વર્ષમાં લગાતાર જે નવીનતમ પહેલ કરી તેની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, એક લાખથી વધારે વિદ્યાસહાયકો, ૬૪,૦૦૦ નવા ઓરડા, પ૦,૩૪ર સેનિટેશન સુવિધા અને ૩ર,૦૦૦ શાળામાં પીવાનું પાણી તથા વીજળીની સવલતો આપી દીધી છે.

શિક્ષકો પોતાનો ધર્મ ગણીને ઉત્તમ શાળા બનાવે તે માટે પ્રેરણા આપવા ‘‘ગુણોત્સવ'' જેવા નવીનતાસભર અભિયાનની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

જિલ્લે-જિલ્લે ગામની પ૦,૭પ,૧૦૦ વર્ષ જૂની શાળાઓ છે છતાં માનવવિકાસના પાયામાં નિરક્ષર પેઢી માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠાવી મુખ્ય મંત્રીશ્રીએ સ્વર્ણિમ ગુજરાતમાં આ પીડાનું નિરાકરણ કરવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી. દિકરી ભણશે નહીં તો માતા સરસ્વતી ઘરમાં પધારશે નહીં અને તેથી સમૃદ્ધિની માતા લક્ષ્મીજી પણ પરિવારથી દૂર રહેશે.

આપણે બનાસકાંઠામાં શિક્ષણનું સ્તર સુધારવા લગાતાર અભિયાન ઉપાડયું તો દશ વર્ષમાં છેલ્લા સ્થાને રહેલો આ જિલ્લો ધો. ૧૦ અને ૧ર પરીક્ષામાં ગુજરાતમાં મોખરે આવી ગયો. આ જ પરિશ્રમની સાચી સિદ્ધિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કુપોષણ એ તન-મનના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે અવરોધક છે અને આ સમસ્યાના કાયમી ઉકેલરૂપે બાલભોગ અને પૂરક પોષક આહારમાં ફોર્ટીફાઇડ રેડી ટુ કુક પ્રિમીક્ષ ફૂડકીટનું કિશોરીઓ, સગર્ભા માતાઓને વિતરણ કર્યું હતું અને તેજસ્વી બાળકોને પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા. વાંચે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ શાળા પુસ્તકોનું વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું.

રાધનપુરના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સરહદી વિસ્તારોમાં વિકાસના અનેક કામો તો થયા છે, તેની સાથે સાથે શાળા પ્રવેશોત્સવની ઝૂંબેશ પણ હાથ ધરાઇ છે. સૂકા ભઠ્ઠ વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચાડયા છે. ટૂંક સમયમાં ખેતરે ખેતરે પાણી પહોંચે તેવું આયોજન કરાયું છે. શિક્ષણમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનું એસ.એસ.સી.માં પરિણામ સૌથી વધુ આવ્યું છે તેની પાછળ ગુજરાત સરકારે હાથ ધરેલી કાર્યનિષ્ઠા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સરહદની સુરક્ષામાં કાર્યરત બી.એસ.એફ.ના જવાનોએ રાજ્યમાં હાથ ધરાયેલી કન્યા કેળવણી ઝૂંબેશથી પ્રેરાઇને તેમના દ્વારા એકત્ર કરાયેલો નાણાંકુંભ મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

વાવ તાલુકામાં મુખ્યમંત્રીશ્રીએ રૂપાણીવાસ, કોરેટી તથા મમાણા ગામે કુલ પ૭ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપાના અધ્યક્ષ શ્રી ર્ડા. મોગરા, પદાધિકારીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, હોદ્દેદારો, જિલ્લા કલેકટર શ્રી આર. જે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. કે. પટેલ, બી.એસ.એફ. ડી. આઇ. જી. શ્રી રાઠૌર તથા અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.