વિશ્વખ્યાત શાંધાઇ પોર્ટ સિટીના શહેરી વિકાસ મોડેલને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતમાં ઇકો ફ્રેન્ડલી સિટી-ન્યૂ પોર્ટ સિટી વિકસાવવા મુખ્યમંત્રીશ્રીની શાંધાઇ મ્યુનિસિપલ ગવર્નમેન્ટ (CPC) કમિટિના સેક્રેટરી સાથે અત્યંત ફાળદાયી બેઠક

 શાંધાઇ CPC પોલિટ બ્યૂરોના વરિષ્ઠ મેમ્બરે મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલિગેશનનો અત્યંત ઊષ્માસભર સત્કાર કર્યો

મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના શહેરી ગરીબો માટે મોટા પાયા ઉપર આવાસ નિર્માણમાં ચીનની કન્સ્ટ્રકશન ટેકનોલોજીના સહકારની તત્પરતા

એરંડા-દિવેલાના સૌથી વધુ આયાતકાર ચીન સાથે વેલ્યુ એડેડ કેસ્ટર એગ્રો ઇન્ડ્રસ્ટીઝમાં ભાગીદારી કરવાની દર્શાવેલી તત્પરતા

શાંધાઇની સી વોટર ડેવલપમેન્ટ કન્સ્ટ્રકશન ટેકનોલોજીનો સહયોગ કલ્પસર પ્રોજેકટના નિર્માણમાં લેવા માટે કર્યો વિચાર-વિમર્શ

શાંધાઇના પોર્ટ સિટીના ધોરણે ગુજરાતમાં વિશ્વકક્ષાના નવા આધુનિક શહેરોના નિર્માણ અંગે શાંધાઇના અર્બન કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ ડેલિગેશનને ગુજરાતમાં આવવા નિમંત્રણ

શાંધાઇના વિશાળ શાંધાઇ જનરલ મોટર્સ પ્લાન્ટની નિરિક્ષણ મૂલાકાત

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચીનની પ્રવાસ યાત્રામાં આજે શાંધાઇ મ્યુનિસિપલ ગવર્નમેન્ટ CPC કમિટિના સેક્રેટરી અને પોલિટ બ્યૂરોના વરિષ્ઠ મેમ્બર શ્રીયુત YU ZHENGSHENG શ્રીયુત હ્યુ ઝીંન્ગશીંગ સાથે અત્યંત ફળદાયી બેઠક યોજી હતી.

આ બેઠકમાં અત્યંત ઊષ્માભર્યા વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રી અને શ્રીયુત હ્યુ ઝીંન્ગશીંગે પર્યાવરણ મૈત્રીપૂર્ણ આધુનિક શહેરોનું ગુજરાતમાં નિર્માણ, વિશ્વકક્ષાની શહેરી માળખાકીય સુવિધા વિકાસ, કલ્પસર જેવું જળ સંશાધન વ્યવસ્થાપન, ગરીબો માટે વિશાળ પાયા ઉપર આવાસ નિર્માણ, તેમજ દિવેલાના મૂલ્યવર્ધિત કૃષિ ઉઘોગ સહિતના ફલક ઉપર શાંધાઇ અને ગુજરાત વચ્ચે પરસ્પર સહભાગીતાના નવા સિમાચિન્હો સ્થાપવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

શાંધાઇની વિશ્વખ્યાત બંદર શૃંખલા અને રિવરડેલ્ટા રિજીયનમાં કુદરતી જળસંશાધનનો ટેકનોલોજીથી જે પ્રોજેકટ સાકાર થયો છે તે ધોરણે ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેકટ માટે શાંધાઇની હાઇટેક કન્સ્ટ્રકશન ટેકનોલોજીનો સહયોગ લેવા મુખ્યમંત્રીશ્રીએ પરામર્શ કર્યો હતો. શ્રીયુત હ્યુ ઝીંન્ગશીંગે મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશનનો અત્યંત ઉષ્માભર્યો સત્કાર કર્યો હતો અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ તથા આર્થિક પ્રગતિ દ્વારા જીવન સુખાકારીનું વિઝન સાકાર થઇ રહ્યું છે તેનાથી તેઓ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં નદીઓના સંગમ સ્થળે ખંભાતના અખાતના દરિયામાં વિશ્વના સૌથી મોટા માનવસર્જીત મીઠા પાણીના સરોવરનું નિર્માણ કરીને ભાવનગર-દહેજ વચ્ચે ૬૪ કી.મી.નો સમુદ્ર સેતુ બાંધવાના કલ્પસર પ્રોજેકટની વિશેષતાઓની જાણકારી આપી હતી.ભારતમાં ગુજરાત સૌથી વધુ ઝડપી શહેરીકરણ ધરાવતું રાજ્ય છે અને ૪ર ટકા વસ્તી શહેરોમાં વસે છે ત્યારે મહાનગરોના ગરીબો માટે મોટાપાયા ઉપર આવાસ નિર્માણની યોજનામાં પણ ચીનના આવાસ વ્યવસ્થાપનનો સહયોગ લેવાની તેમણે તત્પરતા દાખવી હતી.

ગુજરાતનો આધુનિક વિકાસ બંદરો અને દરિયાકાંઠા આધારિત થઇ રહ્યો છે તેની જાણકારી સાથે મુખ્યમંત્રીશ્રીએ શાંધાઇ પોર્ટ સિટીના આધાર ઉપર ધોલેરા SIR નિર્માણની રૂપરેખા આપી હતી. ગુજરાતમાં દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર(DMIC)ના ભૂ-ભાગ અને બંદરોને સાંકળીને દરિયકાંઠે નવા ઇકોફ્રેન્ડલી કલીન એન્ડ ગ્રીન સિટી નિર્માણની ભૂમિકા તેમણે રજુ કરી હતી જેમાં ન્યૂ પોર્ટસિટી, ગિફટ ફાયનાન્સ સિટી, ટવીન સિટીઝ જેવા વિશ્વકક્ષાના આધુનિક શહેરોના નિર્માણમાં પણ ચીનની કન્સ્ટ્રકશન ટેકનોલોજીના નિષ્ણાતોનું યોગદાન મળે તેવી અભિલાષા વ્યકત કરી મુખ્યમંત્રીશ્રીએ આ અંગેનું અર્બન મેનેજર્સનું શાંધાઇ ડેલિગેશન ગુજરાતની મૂલાકાત લે તેવું નિમંત્રણ આપ્યું હતું.

અમદાવાદ અને સુરત વિશ્વના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં ગણમાન્ય બન્યા છે ત્યારે ગુજરાતે રાજ્યના અન્ય શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રોજેકટની કલીન એન્ડ ગ્રીન સિટીની વ્યૂહ રચનાની રૂપરેખા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

શ્રીયુત હ્યુ ઝીંન્ગશીંગે મુખ્યમંત્રીશ્રીના શહેરી વિકાસ અને શહેરીકરણના વિઝનને આવકારી જણાવ્યું કે ઔઘોગિક અને આર્થિક વિકાસ માટે આધુનિક શહેરોનો વિકાસ એક પડકાર છે અને આ દિશામાં ચીન પૂરી સજ્જતાથી નવા અવસરો ઊભા કરવા આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના ૮૦ ટકા એરંડા દિવેલનું ઉત્પાદન એકમાત્ર ગુજરાત કરે છે અને ચીન ગુજરાત પાસેથી તેની સૌથી વધારે આયાત કરે છે તેનો ઉલ્લેખ કરીને એરંડા દિવેલ (કેસ્ટર)ની કૃષિ પેદાશોના વેલ્યુ એડેડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝને વિશાળ ફલક ઉપર વિકસાવવા ચીન અને ગુજરાત વચ્ચે ભાગીદારીનું નવું ક્ષેત્ર ઉભું કરવા તત્પરતા દર્શાવી હતી. શ્રીયુત હ્યુ ઝીંન્ગશીંગ પાસેથી શાંધાઇ જેવી વિશ્વકક્ષાની મ્યુનિસિપલ ગવર્નમેન્ટની કાર્ય પ્રવૃતિ અને શહેરી વિકાસની સફળ વિશિષ્ટ સિધ્ધિઓ વિશે મુખ્યમંત્રીશ્રીએ જાણકારી મેળવી હતી. તેમણે આગામી ર૦૧૩માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા ચીનના Urban Managersના નિષ્ણાંતો સહિતનું ઉચ્ચ પ્રતિનિધિમંડળ ગુજરાત આવે તેવું નિમંત્રણ આપ્યું હતું. શાંધાઇ જનરલ મોટર્સ (SGM) ના વિશાળ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત ડેલિગેશન સાથે શાંધાઇમાં શાંધાઇ જનરલ મોટર્સના (SGM) વિશાળ મેન્યુફેકચરીંગ પ્લાન્ટની મૂલાકાત લીધી હતી. SGMએ ચીન સરકાર સાથે ભાગીદારીમાં આ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ૧૯૯૭માં શરૂ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એશિયાનું ઓટો હબ બની રહ્યું છે અને દેશ-વિદેશની તમામ વિશ્વખ્યાત ઓટોમોબાઇલ કંપનીઓ પોતાના કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા ગુજરાત આવી રહી છે તેની ભૂમિકા આપી જણાવ્યું કે, આગામી વર્ષોમાં ગુજરાત એકલું પ૦ લાખ જેટલી મોટરકારોનું વાર્ષિક ઉત્પાદન કરનારૂ રાજ્ય બનશે. એટલું જ નહીં, તેના પરિણામે ઓટો એન્સીલીયરી મેન્યુફેકચરીંગ ઇજનેરી ઊઘોગ પણ ખૂબ જ શકિતશાળી બનશે.

મુખ્યમંત્રીશ્રીએ ઓટોમોબાઇલ ક્ષેત્રે ગુજરાતના યુવાનોને કૌશલ્ય વર્ધનની તાલીમ આપવા માટે ઓટોમોબાઇલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટ અને R&D સેન્ટર કાર કંપનીઓ દ્વારા ઊભાં કરવાની દિશામાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું.