મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભ-ર૦૧૧માં ભાગ લેવાની વિકલાંગ ખેલાડીઓની તીવ્ર ઝંખનાને મૂર્તિમંત કરતી ત્રણ વિશિષ્ઠ પુસ્તિકાઓનું આજે વિમોચન કર્યું હતું.
આ ત્રણે પુસ્તિકાઓ પ્રજ્ઞાચક્ષુ, અપંગ અને અશકત પરંતુ ખેલકૂદ માટેની અદમ્ય ઇચ્છાશકિત ધરાવતા વિકલાંગ ખેલાડીઓ માટે રાજ્ય સરકારના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી તૈયાર કરેલી છે.મુખ્યમંત્રીશ્રીએ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને વિવિધ રમતોના નિયમોની સરળ સમજ આપતી બ્રેઇલ લિપીમાં તૈયાર થયેલી નિયમાવલીના બે પુસ્તકો તથા અપંગ-અશકત ખેલાડીઓના ખેલકૂદના નિયમોના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલાએ જણાવ્યું કે ""રમશે ગુજરાત, જીતશે ગુજરાત''ના સંકલ્પ સાથે ખેલ મહાકુંભના આયોજનને મુખ્યમંત્રીશ્રીનું દ્રષ્ટિવંત માર્ગદર્શન મળ્યું છે અને હવે તો વિકલાંગ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તરના રમતોના નિયમોને કેન્દ્રસ્થાને રાખીને સ્પર્ધાઓ યોજાય તે હેતુથી વિકલાંગો માટેના સ્પેશિયલ ઓલિમ્પીકસનો પણ ખેલ મહાકુંભમાં સમાવેશ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગોના જીવનમાં ખેલકૂદના માધ્યમ દ્વારા આત્મબળની નવચેતના જગાવતી આ ત્રણેય વિશિષ્ઠ પુસ્તિકાઓના પ્રકાશનની પહેલને અભૂતપૂર્વ સિધ્ધિ ગણાવીને અભિનંદન આપ્યા હતા. મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા ઉપરાંત, સ્પે ઓલિમ્પીકસ ગુજરાત સમિતિ અધ્યક્ષ ધારાસભ્યશ્રી રાકેશ શાહ, યુવક સેવા રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ સચિવશ્રી ભાગ્યેશ જ્હા અને વિકલાંગ ખેલાડીઓ તથા સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા.