મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વરિષ્ઠ તંત્રી-પત્રકાર અને સાહિત્યસર્જક સ્વ. ભૂપતભાઇ વડોદરિયાને ભાવભરી શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે ગુજરાતના પત્રકાર જગત અને સાહિત્ય જગતની એક દૈદિપ્યમાન તેજસ્વી કલમ પોઢી ગઇ છે. સ્વ. ભૂપતભાઇ વડોદરિયાના નિવાસસ્થાને જઇને સદ્દગતના પાર્થિવ દેહ ઉપર શ્રધ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ ભૂપતભાઇના સમગ્ર પરિવારજનોના દુઃખમાં સહભાગી બનીને સાંત્વના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખૂબ નાની વયમાં પત્રકારત્વ ક્ષેત્રે પદાપર્ણ કરનારા સ્વ. ભૂપતભાઇએ વિવિધ અખબારોમાં તંત્રીપદની જવાબદારીઓ પણ સંભાળી હતી. પત્રકારત્વ ક્ષેત્રે ખબર આપનારા અને ખબર લેનારા જાગૃત પત્રકારીતાની સાથે તેમના જીવનમાં સાહિત્યનો પણ વિશિષ્ટ સંયોગ વણાયેલો હતો. વિશ્વ સાહિત્યના અભ્યાસુ એવા સ્વ. ભૂપતભાઇ વડોદરિયાએ તેમના સાહિત્યસર્જન દ્વારા નવલકથાઓ ઉપરાંત આવનારી પેઢીઓને ચિંતન મનનનું સંસ્કારી સાહિત્ય પણ આપ્યું હતું. સરસ્વતીના આ ઉપાસકને મુખ્યમંત્રીશ્રીએ ભાવસભર આદરાંજલિ આપી હતી.