મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથની ૧૩૩મી રથયાત્રાને આજે સવારે ભકિતભાવ ભર્યા વાતાવરણમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું. સતત નવમી વખત ભગવાન જગદીશની રથયાત્રાને પ્રસ્થાન કરાવવા અને પહિંદ વિધિ સંપન્ન કરવાનો સૌભાગ્ય વિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે જાય છે.

પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી આ પરંપરાગત રથયાત્રાના ભગવાન જગન્નાથજીના મુખ્ય રથમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોનાના ચામરથી ભગવાનની સેવા કરી હતી, અને નિજ મંદિરેથી યાત્રાના માર્ગે જવા પહિન્દ વિધિ સંપન્ન કરી અને રથને સ્વયંમ દોરીને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથ આમ આદમી અને દરિદ્રનારાયણના ભગવાન છે. તેઓ પોતાના આ ભકતોના હાલચાલ પૂછવા નગરયાત્રાએ જાય તે આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતની સદીઓ પુરાણી પરંપરા છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ગુજરાત સાથે અતિ ગાઢ આત્મીયતાથી જોડાયેલું છે. ગુજરાતની ધરતી પર એમના વિશેષ પ્રેમ અને ભાવ વિશ્વની સામાન્યમાં સામાન્ય માનવી આજે પણ અનુભવ કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ જગન્નાથ રથયાત્રાના પર્વે અને કચ્છી ભાઇ-બહેનોના નૂતન વર્ષ પ્રસંગે શુભકામનાઓ પણ પાઠવી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રથયાત્રાનું આ પાવન પર્વ સમગ્ર દેશ અને ગુજરાતમાં ખેડૂતોની ખુશાલી અને સમાજ સમસ્તની સુખ સમૃધ્ધિનું પર્વ બની રહેશે તેવી અભિલાષા વ્યકત કરી હતી.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ શરૂ કર્યું તે પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી અશોક ભટ્ટ, મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, અમદાવાદ શહેરના મેયરશ્રી કાનાજી ઠાકોર, સાંસદશ્રી પરીમલ નથવાણી, દંડકશ્રી પ્રદિપસિંહજી જાડેજા, ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ તેમજ અગ્રણીઓ તથા મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.