ગુજરાતમાં સર્વશિક્ષણ અભિયાન અન્વયે ધોરણ-8ના વર્ગોનો સમાવેશ પ્રાથમિક શિક્ષણમાં કરીને રાજ્ય સરકારે ગત વર્ષે દસ હજાર જેટલાં ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિદ્યા સહાયકોની પારદર્શી નિમણૂંકો કરી હતી અને આ વર્ષે બીજા 13,000 વિદ્યા સહાયકોની ઓનલાઇન ભરતીની પ્રક્રિયા ગુણવત્તાના ધોરણે માત્ર બાર જ દિવસમાં પૂરી કરી હતી.
આજે શિક્ષણ વિભાગ, અમદાવાદ જિલ્લા પંચાયત, પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત સમારંભમાં 13,000 વિદ્યાસહાયકોને મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે નિયુક્તિ પત્રો મેળવીને પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભાગ્યવિધાતા તરીકે કાર્યારંભ કર્યો હતો, જેમાં 6500 વિજ્ઞાન, ગણિતના અને 6500 ભાષા વિષયોના વિદ્યાસહાયકોનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગુજરાતમાં જી-સ્વાન ટેકનોલોજીથી કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની સંપૂર્ણ પારદર્શી પધ્ધતિથી ગુણવત્તાના ધોરણે ભરતી આ ગુજરાતમાં જ શક્ય છે અને પારદર્શીતા કોને કહેવાય તે ગુજરાત સરકારે પૂરવાર કરી છે તેટલું જ નહીં શિક્ષકને પોતાના શાળા પસંદગીનો અવસર આ સરકારે જ આપ્યો છે તેમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ સરકારના આ ભરોસાને સાર્થક કરવા સૌને અનુરોધ કર્યો હતો. શિક્ષકોના હાથમાં માત્ર નિયુક્તિ પત્ર જ નહીં પણ ગુજરાતની આવતીકાલની જવાબદારી સરકારે સોંપી છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે કોઇ પણ રાજ્યનો વિકાસ રસ્તા કે બીજી ભૌતિક સુવિધાના વિકાસના આધારે જ નહીં પણ શિક્ષણ ઉપર જ નિર્ભર છે. જે શિક્ષક ગર્વથી તેજસ્વી વિદ્યાર્થીને હોનહાર તૈયાર થયો હોય તેવું ગૌરવ મળે તેનું જ શિક્ષક તરીકેનું જીવન સાર્થક ગણાય, કારણ શિક્ષક માત્ર જ્ઞાન નથી આપતો જીવનનું ઘડતર કરે છે તેમ ભાવવાહી શબ્દોમાં તેમણે શિક્ષકની ભૂમિકા આપતાં જણાવ્યું હતું
શિક્ષકમાં ઇચ્છાશકિત, સંકલ્પશકિત, પુરૂષાર્થશકિત હોય તો મજબૂત રાષ્ટ્રનો પાયો બાંધવાની સફળતા મળે જ તેમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષક નિત્યનૂતન હોવો જોઇએ. સ્થગિતતા અને લઘુતાગ્રંથીથી પીડાય નહીં તેની સતત ખેવના રાખવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
ભૂતકાળમાં ભરતી પ્રક્રિયામાં કેવી ગેરરીતિઓ ચાલતી હતી તેવા દિવસો ફરથી લાવવા નહીં દેવાનો આ સરકારનો નિર્ધાર છે અને ગુજરાતની છ કરોડની જનતા પણ આ જ ઇચ્છે છે તેમ તેમણે માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં આજે એક સાથે 13,000 વિદ્યાસહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.
પ્રારંભમાં અમદાવાદ મહાનગરપાલિકાના આયુક્ત શ્રી મહાપાત્રએ સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી આર.પી.ગુપ્તાએ વિદ્યાસહાયકોને આ પારદર્શી નિમણૂંકની પ્રક્રિયાની રૂપરેખા આપી હતી. આભારદર્શન અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મંછાનીધિ પાનીએ કર્યું હતું.
આ અવસરે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી અસિતભાઇ વોરા, સાંસદ શ્રી કિરીટભાઇ સોલંકી, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.