મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં યોજાઇ રહેલા ભવ્ય સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવમાં અષ્ટમી નોરતાની મોડી રાતે વિશેષ ઉપસ્થિત રહીને નારાયણી નમોસ્તુતેની ભવ્ય મહાઆરતી કરી હતી.
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટીવલ સોસાયટી (GINFS) ના ઉપક્રમે યોજાઇ રહેલા નવરાત્રી મહોત્સવમાં ગરબાના સાંસ્કૃતિક વૈભવના રંગે રંગાઇ રહેલા વિશાળ નાગરિકો અને ગરબે ધૂમતી નારીશકિતના ઉત્સાહ ઉમંગમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ એક કલાક સુધી ગુજરાતના નવલા નોરતાની શકિત આરાધના રૂપે ગરબાની રંગત માણી હતી અને ભકિતભાવથી મહાઆરતી કરી હતી.
નવરાત્રી અને વિજ્યાદશમીના દિવ્ય તહેવારોની શુભકામના પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિનાશ ઉપર વિકાસનો વિજય એટલે નવલા નોરતાં અને વિજ્યાદશમીનું પર્વ. ગુજરાતે હંમેશા નારીશકિતને પૂજનીય ગણી છે. મહિલા સશકિતકરણ, કન્યા કેળવણી, બેટીબચાવ અભિયાન સહિતની અનેક દિશામાં ગુજરાતની નારીશકિતને વિકાસયાત્રામાં આદરપૂર્વક ભાગીદાર બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો છે એમ તેમણે જણાવ્યું હતું.