વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટીઓશિક્ષણ સંસ્થાઓની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ
માનવ સંસાધન વિકાસ માટે ગુજરાતની પહેલ
ર૬૦ યુનિવર્સિટી : ઇન્સ્ટીટયુટ ભાગીદાર
૧૪પ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બાવન ભારતીય અને ૬૩ ગુજરાત શિક્ષણ સંસ્થાઓ વચ્ચે જ્ઞાનસંવર્ધન, સંશોધન, નવા આયામોનું સામૂહિક મંથન
જ્ઞાનના આદાનપ્રદાન અને સહભાગીતા માટેનું ગ્લોબલ ફોરમ કાર્યાન્વિત કરીએઃ નરેન્દ્રભાઈ મોદી
વિશ્વભરના શિક્ષણવિદો ગુજરાતની આ જ્ઞાનના આદાનપ્રદાનની પહેલથી અત્યંત પ્રભાવિત
ઉચ્ચ શિક્ષણ અંગે વિવિધ યુનિવર્સિટી વચ્ચે સમજાતિના કરાર
ગ્લોબલ નોલેજ કોમ્યુનિટીનું ગુજરાત પાર્ટનર બન્યું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરમાં વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ(ICAI)નો પ્રારંભ કરતાં ઉચ્ચ અને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રે જ્ઞાનના આદાનપ્રદાન અને સહભાગીતા માટેનું વૈશ્વિક ફોરમ ઉભું કરવાનું પ્રેરક સૂચન કર્યું હતું. ગુજરાતે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરીને માનવ સંસાધન વિકાસ માટેની આ તક ઉપલબ્ધ કરી છે, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટર૦૧૩ અંતર્ગત આજથી ગાંધીનગર નજીક પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પરિસરમાં માનવ સંસાધન વિકાસના ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણના જ્ઞાન સહયોગ માટેની આ પરિષદ થઇ છે. જેમાં ર૬૦ જેટલી ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓના કેળવણીકારો અને શિક્ષણવિદો ભાગ લઇ રહ્યા છે. આ પરિષદમાં ૧૪પ જેટલી ઇન્ટરનેશનલ બાવન ભારતભરના રાજ્યોની અને ગુજરાતની ૬૭ શિક્ષણ સંસ્થાઓ પરસ્પર સહભાગીતાના વિનિયોગ માટે સામૂહિક ચિંતન અને મનન કરશે.
શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, ઉત્કૃષ્ઠ સંશોધનઇનોવેશન અને કૌશલ્ય વિકાસમાં જ્ઞાન અને ટેકનોલોજીના આદાનપ્રદાન માટે ગ્લોબલ સમિટમાં ગુજરાતે કરેલી આ પહેલને વિશ્વભરમાંથી આવેલા શિક્ષણક્ષેત્રના તજજ્ઞોએ ઉમદા હેતુની ગણાવી પ્રશંસા કરી હતી. ર૧મી સદી જ્ઞાનની સદી છે અને દરેક સાહે વિશ્વમાં શિક્ષણસંશોધન અને જ્ઞાન વિકાસના ક્ષેત્રમાં નવી ક્ષિતિજો આકાર લઇ રહી છે તેની રૂપરેખા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્ઞાન એ માનવસંસાધન વિકાસનો મૂળાધાર છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં નોલેજ થીમ કેન્દ્રસ્થાને છે તેનો ખાસ ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ટેકનોલોજી, કોમ્યુનિકેશન અને માહિતીના વિસ્ફોટના આજના યુગમાં ‘‘ઇન્ફર્મેશન એજ’’(Information Age) ને નોલેજ સોસાયટીમાં બદલવા અને સમગ્રતયા પ્રત્યેક વ્યક્તિના ગુણાત્મક વિકાસ અને જીવનવિકાસમાં આપણું દાયિત્વ ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં રાખીને નિભાવવાનું છે, એમ તેમણે જણાવ્યું હતું. ગ્લોબલ નોલેજ કોમ્યુનિટીનું ગુજરાત પાર્ટનર બની રહ્યું છે તેનો આનંદ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતે તો સુસંસ્કૃત માનવ સમાજ માટે રપ૦૦ વર્ષ પૂર્વે ઉચ્ચશિક્ષણ જ્ઞાનનો પ્રભાવ અને સર્વોપરિતાનું દર્શન કરાવેલું.
ભારતની નાલંદા, તક્ષશિલા અને ગુજરાતની વલભી વિદ્યાપીઠોએ માનવ સંસાધન અને જ્ઞાનવિજ્ઞાનના બધા જ ક્ષેત્રો આવરી લીધેલા. વિશ્વભરના દેશોના જ્ઞાનપિપાસુઓ ભારતમાં જ્ઞાનશિક્ષણ માટે આવતા. આ ભારતીય જ્ઞાનશિક્ષણની ઉત્કૃષ્ઠ વિરાસત સાથે ભારત જ્ઞાનની સદી માટે વિશ્વ સમસ્તને બેસ્ટ પ્રેકટીસ અને એકસેલંસ ઇન ઇનોવેશન એન્ડ રીસર્ચ માટે પોતાનું આગવું પ્રદાન કરી શકશે.
ગુજરાતે તો પહેલ કરી દીધી છે એનો મહત્તમ વિનિયોગ કરવાનો આ અવસર છે, એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. ગુજરાતે એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન રચીને શૈક્ષણિક નવોન્મેશી આયામો માટે કાનૂની છત્ર ઉભું કરીને દેશમાં પહેલ કરી છે એટલું જ નહીં, I-CREATE(આઇક્રિએટ)ના ઇન્કયુબેશન સેન્ટર ઓફ એકસેલંન્સ દ્વારા યંગ એન્ટરપ્રિનિયોર્સ અને રિસર્ચઇનોવેશનના સપનાં સાકાર કરનારાને પીઠબળ પુરંુ પાડયું છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાતે આટલી વિશ્વભરની જ્ઞાનની સૃષ્ટિ ખડી કરી છે. ગુજરાત જે સપનું જુએ છે તે સાકાર કરી બતાવે છે અને માત્ર ગુજરાત જ નહીં, ભારત જ નહીં, વિશ્વની માનવજાતને દિશાદર્શક બનશે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટ અને હુણર કૌશલ્ય વિકાસ માટે આઇટીઆઇ, સ્કોપ, EMPOWER દ્વારા સ્કીલ ડેવલપમેન્ટની PPT મોડેલ ઉપર શરૂ કરીને સોફટસ્કીલ અને આઇટી સ્કીલનું વિશાળ ફલક વિકસાવ્યું છે તેની ભૂમિકા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. ઉદ્યોગવેપાર સહિત વિશ્વમાં નોલેજ ઇકોનોમી માટે જે પ્રકારના પ્રશિક્ષિત કૌશલ્ય ધરાવતા યુવાનોની જરૂર છે તેમના માટે ગુજરાતનું સ્ક્રીલ ડેવલપમેન્ટ કલ્ચર નવો જ વિશ્વાસ પૂરો પાડે છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ સમગ્ર વિશ્વને ટેકનોલોજી અને નોલેજના વિકાસનું ‘ગ્લોબલ વિલેજ’ ગણાવતાં જણાવ્યું કે, જ્ઞાનવિકાસની આડેની તમામ મર્યાદાઓ, બંધનો છોડવાની આપણી માનસિકતા જ વિવિધ માનવ સમાજ અને સંસ્કૃતિઓને જ્ઞાનઉપાર્જનના ક્ષેત્રે સહભાગીતા અને સહકારીતાના સેતુથી જોડશે. ભવિષ્યની પેઢીઓના ઉજ્જવળ ઓજ અને તેજ માટે શિક્ષણવિદોનું આ જ્ઞાન માટેનું આદાનપ્રદાન ‘‘બેન્ક ઓફ નોલેજ કેપિટલ’’ સમાન છે અને ગુજરાતની ધરતી ઉપરનો આ અવસર વિશ્વ માટે ઉચ્ચ શિક્ષણના સહયોગ, સહભાગીતા અને આદાનપ્રદાન માટેના પરમેનન્ટ ફોરમનું સ્વરૂપ બને તેવી પ્રેરક હિમાયત મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વસમાજનો પ્રત્યેક વ્યક્તિ નોલેજક્રિએટર જ્ઞાનસર્જક બને તેવા મહા સપનાને સાકાર કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી અને આ જ્ઞાનવિકાસ પરિષદ તેનો જ રોડમેપ તૈયાર કરશે તેને કાર્યાન્વિત કરવાની અભિલાષા દર્શાવી હતી.
વિશ્વના પ૬ દેશો અને ભારતના ૧૪ રાજ્યોના શિક્ષણવિદોને ગુજરાતની ધરતી ઉપર ભાવભર્યો આવકાર આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ બીજી ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ છે પરંતુ ગુજરાતને એ વાતનો આનંદ છે કે એનો મહિમા સમગ્ર વિશ્વને સ્પર્શી ગયો છે. મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, રાજ્ય સરકાર અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ વચ્ચે સહયોગ અને સહભાગીતાના સમજાૂતિના કરારો થયા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી ર્ડા. હસમુખ અઢિયાએ સ્વાગત ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટર૦૧૩ અંતર્ગત ૧રર જેટલા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, તેમાં શૈક્ષણિક સંસ્થાનોની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિશેષ મહત્વ ધરાવે છે. ભારતનું ગ્રોથ એન્જીન ગુજરાત છે, તેમ જ્ઞાનના વિશ્વમાં પણ ગુજરાત ગ્રોથ એન્જીન બનવા તરફ જઇ રહ્યું છે. આ કોન્ફરન્સ એ દિશાનું મહત્વનું પગલું બની રહેશે.
શ્રી અઢિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણના આંતરરાષ્ટ્રીયરણ, સંશોધન અને વિકાસ તથા કૌશલ્ય નિર્માણના મુખ્ય અભિગમ સાથેની આ કોન્ફરન્સમાં ૧૪પ જેટલી આંતરરાષ્ટ્રીયવિદેશી યુનિવર્સિટીઓ, ભારતના વિવિધ રાજ્યોની બાવન જેટલી યુનિવર્સિટીઓ અને ગુજરાત રાજ્યની ૬૩ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ વિચારોનું આદાનપ્રદાન કરશે. ગુજરાત વિકાસ અને નેતૃત્વમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સ ‘સ્પ્રિંગ બોર્ડ’ સાબિત થશે. ભારતના ‘નોલેજ હબ’ ગુજરાતમાં સહુને આવકારતાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તેનાથી સમાજના જીવનધોરણમાં ઘણો સુધારો થયો છે. કેનેડાની ઇન્ટરનેશનલ રિલેશનશીપ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના વાઇસ પ્રિન્સીપાલ સુશ્રી જુડીથ વોલ્ફસને પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ર૧મી સદીમાં જ્ઞાનનું સામૂહિક ચિંતન અત્યંત મહત્વનું છે. આવનારા વર્ષોમાં વ્યકિતગત વિકાસ અને વૈશ્વિક અર્થતંત્રના વિકાસ માટે જ્ઞાનની આપલે અનિવાર્ય છે.
સમાજમાં યુનિવર્સિટીઓની મહત્વની ભૂમિકા છે અને યુનિવર્સિટીઓ પણ સમાજનો જ એક ભાગ છે ત્યારે ગુણવત્તા, શ્રેષ્ઠતા અને નવા પડકારોને પહોંચી વળવાની ક્ષમતા કેળવવી ખૂબ અગત્યનું છે. તેમણે આ પ્રકારના આયોજન માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગ ગૃહ અરવિંદ લિમીટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી સંજય લાલભાઇએ આખા ભારતમાં સૌ પ્રથમ વખત યોજાઇ રહેલી આ પ્રકારની કોન્ફરન્સ માટે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની ટીમને અભિનંદન પાઠવતાં આ કોન્ફરન્સને વિકાસપથ પર નવો ચીલો પાડનારી કોન્ફરન્સ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષોમાં ગુજરાતમાં કપાસના ઉત્પાદનથી લઇને કૃષિ સહિત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનાર સમયમાં અર્થતંત્રનો વિકાસ જ્ઞાન આધારિત હશે. ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતમાં એન્જિનીયરીંગ અને એમ.બી.એ.ના શિક્ષણમાં બેઠકોનો નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત સરકારની વિકાસ અભિમુખ નીતિઓને પરિણામે મેનેજમેન્ટના શિક્ષણમાં ૪૦ ટકાનો વિકાસ થયો છે. ગુજરાતમાં વ્યવસાયિક શિક્ષણને પણ ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે, એમ કહીને શ્રી સંજય લાલભાઈએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં આટલી મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓની ઉપસ્થિત જ આ કોન્ફરન્સની મહત્તા સાબિત કરે છે.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસોન્મુખ દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત જ્ઞાનલક્ષી અર્થતંત્રમાં ચોક્કસ અગ્રેસર રહેશે. વર્લ્ડ બેન્કના અગ્રણી શિક્ષણવિદ્ શ્રીયુત ટોબી લિન્ડને જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં સહભાગી થઇને વિશ્વ બેન્ક પણ ગૌરવ અનુભવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણના ક્ષેત્રના વિકાસ માટે વિશ્વ બેન્કે બે બિલિયન ડોલરની ફાળવણી કરી છે. ભારતમાં પણ રાજ્યકક્ષાની ઘણી યુનિવર્સિટીઓમાં શિક્ષણ સુધારણા માટે વર્લ્ડ બેન્ક સહભાગી થઇ રહી છે. વેલ્સ્પન એનર્જી લિમિટેડ, ઇન્ડીયાના સહસ્થાપક અને મેનેજિંગ ડિરેકટર શ્રી વિનિત મિત્તલે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ચોથીવાર ચૂંટાઇ આવવા બદલ અભિનંદન પાઠવતાં વેલ્સ્પન તરફથી બોલતાં જણાવ્યું હતું કે, અમે ગુજરાત સાથેના અમારા લાંબાગાળાના જોડાણ બદલ ગૌરવ અનુભવીએ છીએ. અભૂતપૂર્વ વિકાસ, નવતર શહેરી વિકાસ અને આયોજન તથા ઊર્જા ક્ષેત્રના વિકાસ પરથી દેખાઇ રહ્યું છે કે ગુજરાતના સમાજની આવતીકાલ ઉજ્જવળ છે. ગુજરાત રાજ્ય અન્ય રાજ્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યું છે.
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ના ઇન્ફ્રાસ્ટ્રકચર અને સંકુલથી અત્યંત પ્રભાવિત થયેલા શ્રી વિનિત મિત્તલે કહ્યું હતું કે, આ ‘રિયલ ભારત’ છે. તેમણે લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણનો વ્યાપ અંતરિયાળ વિસ્તારો સુધી વિસ્તારવાની સંભાવના પર ભાર મુકતાં જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે થ્રીડી ટેકનોલોજીના ઉપયોગથી એક સાથે અનેક સ્થળોએ ઉપસ્થિત રહી શકયા એ રીતે શિક્ષણમાં પણ થ્રીડી ટેકનોલોજીના ઉપયોગથી નવા આયામો સિદ્ધ કરી શકાશે. નાલંદા અને તક્ષશિલા જેવા વિદ્યાધામોએ જે રીતે વિદેશીઓને આકર્ષ્યા હતા, તે રીતે ફરી એકવાર ગુજરાતના શિક્ષણધામો વિદ્યાર્થીઓને આકર્ષશે.
જેમ ગુજરાત બિઝનેસ કોમ્યુનિટીમાં ‘‘કોહીનુર’’ સાબિત થયો છે, તેમ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત શિક્ષણના ક્ષેત્રમાં પણ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે રોલ મોડેલ બનશે એટલું જ નહીં, શિક્ષણના ક્ષેત્રમાં આખા વિશ્વમાં ‘કોહીનુર’ સાબિત થશે. કેડીલા ફાર્માસ્યુટીકલ્સના શ્રી ર્ડા. રાજીવ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે નોંધપાત્ર, પ્રશંસનીય અને ધ્યાન આકર્ષક વિકાસ કર્યો છે. તેમણે કોઇપણ ક્ષેત્રમાં સંશોધન પ્રક્રિયાની અનિવાર્યતા પર ભાર મુકતાં જણાવ્યું હતું કે, સંશોધન એ અકસ્માત નથી, સંશોધન સુઆયોજિત અને સુનિશ્ચિત હોઇ શકે. વિકાસ કરી રહેલા રાજ્ય માટે સંશોધન પાયાની જરૂરિયાત છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રે સંશોધનો થઇ રહ્યા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
બ્રિટીશ કાઉન્સીલ, ઇન્ડીયાના ડાયરેકટર સુશ્રી સામ હાર્વીએ ગુજરાતના અમદાવાદમાં છેક ૧૯૭૯થી બ્રિટીશ લાયબ્રેરી અસ્તિત્વમાં છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણમાં સ્કીલ ડેવલોપમેન્ટમાં બ્રિટીશ કાઉન્સીલ ઘણા ક્ષેત્રોમાં સહભાગી થઇ છે. આવનારા સમયમાં પણ ગુજરાતમાં શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં બ્રિટીશ કાઉન્સીલ સહભાગી બનશે. શૈક્ષણિક સંસ્થાનોની આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, વરિષ્ઠ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ મંત્રી શ્રી પારસ જૈન, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, વેલ્લુર, ઇન્ડિયાના શ્રી જી. વિશ્વનાથન, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મહેશ્વર શાહુ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રી ડી. જે. પાંડિયન, પ્રાથમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી સંગીતાસિંઘ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.